- સ્માર્ટ મીટર અંગે સોશિયલ મીડિયામાં ગેરમાન્યતાઓ અને ગેરસમજણ અંગે સ્પષ્ટતા આપતા વીજ બોર્ડ અધિકારી જે.જે.કાચા
પીજીવીસીએલ વીજ તંત્ર દ્વારા સોમનાથ – વેરાવળમાં નખાઇ રહેલા સ્માર્ટ વીજ મીટરો બાબતે સોશિયલ મીડીયામાં વહેતી થયેલી વાતો અફવાઓ અંગે પ્રજાને સાચી જાણકારી અને માર્ગદર્શન મળે તે માટે એક પત્રકાર પરિષદ વેરાવળ ખાતે ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર જે.જે.કાચા દ્વારા યોજવામાં આવી હતી. વેરાવળ, તાલાલા, સુત્રાપાડા તાલુકામાં કેન્દ્ર સરકારની આરડીએસએસ યોજના હેઠળ ટ્રાન્સફોર્મર ઉપર 198 સ્માર્ટ મીટર તથા વેરાવળ પાટણ શહેરમાં ગ્રાહકોને ત્યાં 414 સ્માર્ટ વીજ મીટર લગાડવામાં આવેલ છે.
જે પૈકી કોઇની પણ આ મીટર અંગે ફરીયાદ આવી નથી.
સોશિયલ મીડીયામાં આવતા આક્ષેપો સદંતર ખોટા છે. પીજીવીસીએલ ગ્રાહકોનું હિત જાળવવા કટીબઘ્ધ છે.
ફરજીયાત આગ્રહ રખાતો નથી. લગાડતા નવા મીટર ફાસ્ટ ફરતાં નથી. તેની વિશ્ર્વસનીયતા માટે ચેક મીટર પણ કયાંક કયાંક લગાડી આપેલ છે.
નવા મીટરમાં હાલ કોઇ નવો ભાવ વધારો નખાયેલ નથી અને જયાં જયાં ટેસ્ટ ચેક મીટર લગાડાયેલ છે તેઓના બન્ને મીટરોમાં કોઇ તફાવત કે વધારો નોંધાયેલ નથી.
ગ્રાહકે ઓછામાં ઓછું રૂપિયા 100 કે તેના ગુણાંકમાં રી-ચાર્જ કરાવાનું રહેશે. રી-ચાર્જ કરવા માટે ગ્રાહકો દ્વારા મોબાઇલ એપ અને પીજીવીસીએલની કેશ કલેકશનની બારીથી પણ રીચાર્જ કરી શકાશે.
આ પત્રકાર પરિષદમાં વીજ બોર્ડના અધિકારીઓ જે.જે. કાચા ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર, એ.એસ. ઝાલા ડે.ઇન્જી. વેરાવળ, ડી.ડી. ડોડીયા, ડે.ઇન્જી. વેરાવળ અને એમ.યુ. પઠાણ ડે. ઇન્જી. પ્રભાસ પાટણએ હાજર રહી પુરક વિગતોનું માર્ગદર્શન આપ્યું હતું.