- કિંમતી ધાતુના ભાવમાં તેજી હી તેજી
- ઈરાનની દુર્ઘટના અને અમેરિકન બજારની ઉથલ પાથલ સહિતના કારણોસર હજુ પણ સોના-ચાંદીમાં ઉછાળો યથાવત રહેવાના એંધાણ
ઈરાનની દુર્ઘટના અને અમેરિકન બજારની ઉથલ પાથલ સહિતના કારણોસર હજુ પણ સોના ચાંદીમાં તેજી હી તેજી છે. સોનાએ 77,000 તો ચાંદીએ 91,500ની રેકોર્ડ સપાટી કુદાવી છે. બીજી તરફ આ ઉછાળો યથાવત રહેવાના એંધાણ મળી રહ્યા છે.
બુલિયન માર્કેટમાં ફરી તોફાની તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઝડપી 2425 ડોલર અને ચાંદી 32 ડોલરની સપાટી નજીક પહોંચ્યા છે જેના પરિણામે સ્થાનિક બજારમાં નવી ટોચ બની છે. અમદાવાદ ખાતે ચાંદી વધુ રૂ.1500 વધી રૂ.91500ની રેકોર્ડ સપાટીએ બંધ હતી જ્યારે સોનું પણ રૂ.600 વધીને રૂ.77000ની ઉચ્ચસ્તર સપાટી પર પહોંચ્યું હતું.
ફેડરલ રિઝર્વ આગામી બે માસમાં એકાદ વ્યાજ કાપ આપે તો પણ સોના-ચાંદીમાં તેજીનો કરંટ જળવાયેલો રહી શકે છે. આ ઉપરાંત જિયો ટેન્શન પર પણ આધાર રહેલો છે. વૈશ્વિક સ્તરે હેજફંડો, ઇટીએફ ટ્રેડેડ ફંડ, ચીનની આક્રમક ખરીદીના કારણે સોનું 2500 ડોલર અને ચાંદી 33 ડોલરની સપાટી કુદાવી શકે છે. સ્થાનિકમાં સોનું રૂ.80000 અને ચાંદી એક લાખની સપાટી નજીક પહોંચી શકે છે.
અમેરિકાના હાઉસિંગ ડેટા જાહેર થવાના હોવાથી તેની પર નજર હતી. વધુમાં ઇરાનના ઇબ્રાહીમ રઈસીના અકસ્માતના મૃત્યુ બાદ વૈશ્વિક સ્તરે જીયો- પોલિટિકલ અસ્થિરતા પર સોના અને ચાંદીના ભાવની ચાલ પર નજર રહેશે, એમ જણાવીને બુલિયન એનાલિસ્ટોનું માનવું હતું કે, અમેરિકાના હાઉસિંગના ડેટા નબળા આવશે તો અમેરિકન ફેડરલ રિઝર્વ પર વ્યાજદરમાં ઘટાડો કરવાનું દબાણ વધશે. અમેરિકન ફેડરલના ચેરમેનના નિવેદનોને કારણે બુલિયન માર્કેટમાં તેજી આવી હતી.
છેલ્લા 5 મહિનામાં સોનાના ભાવમાં 13 હજાર તો ચાંદીના ભાવમાં 18 હજારનો ઉછાળો
છેલ્લા 5 મહિનામાં સોનાની કિંમતમાં 13,300 રૂપિયાનો જ્યારે ચાંદીની કિંમતમાં 18,200નો વધારો થયો છે. 1 જાન્યુઆરીએ સોનું 63,352 રૂપિયા હતું, જે હવે 77,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. તે જ સમયે, એક કિલો ચાંદીની કિંમત 73,395 રૂપિયાથી વધીને 91500 રૂપિયા થઈ ગઈ છે. બીજી તરફ જાણકારોના મતે આગામી દિવસોમાં પણ સોના અને ચાંદીમાં વધારો જોવા મળી શકે છે. આગામી એક વર્ષમાં સોનાની કિંમત 80 હજારથી 85 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. જ્યારે ચાંદી પણ 1 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.