સુબહ કા ભુલા અગર શામ કો ઘર આયે તો ઉસે ભુલા નહિ કહેતે
25 દિવસ સુધી સોઢી વિવિધ ગુરુદ્રારામાં રહ્યો, અંતે જાતે જ ઘરે પહોંચી ગયો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોથી દેશમાં ઘરે ઘરે માનીતા બનેલા સોઢી એટલે કે ગુરૂચરણસિંઘ છેલ્લા ઘણા દિવસોથી ગુમ હતા પણ અંતે તેઓ મળી ગયા છે. તેઓ સહીસલામત મળી જતા તેના પરિવાર અને ચાહકોએ રાહત અનુભવી છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સોઢી ઉર્ફે ગુરુચરણ સિંઘ ઘરે પરત આવી જતાં પરિજનોએ આખરે રાહતના શ્વાસ લીધા. તે છેલ્લાં 25 દિવસથી ગુમ હતા. તેના પિતાએ દિલ્હી પોલીસમાં ગુમ થયાની એફઆઈઆર પણ નોંધાવી હતી. ગુરુચરણસિંઘ ઉર્ફે સોઢી ઘરે પરત ફર્યા બાદ પોલીસે તેની પૂછપરછ કરી હતી.
પોલીસની પૂછપરછ દરમિયાન અભિનેતાએ જણાવ્યું કે તે સાંસારિક જીવન છોડીને ધાર્મિક યાત્રા માટે ઘર છોડી ગયો હતો. તે અમૃતસર, પછી લુધિયાણા અને અન્ય ઘણા શહેરોમાં ગુરુદ્વારામાં ઘણા દિવસો રોકાયો. પછી તેને સમજાયું કે તેણે ઘરે પાછા ફરવું જોઈએ. તેથી તે ઘરે પાછો આવ્યો.
ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલે ગુરુચરણસિંઘ મુંબઈ જવા માટે ઘરેથી નીકળ્યો હતો. પરંતુ તેના ગુમ થવાના સમાચાર 26 એપ્રિલે જાહેરમાં આવ્યા હતા. પિતાએ તેના પુત્ર અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ગુરુચરણ 24 એપ્રિલ સુધી દિલ્હીમાં હાજર હતો. ત્યારપછી તેનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો. એવું પણ જાણવા મળે છે કે તે જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન તે આર્થિક સંકટમાંથી પણ પસાર થઈ રહ્યો હતો.