દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયાના અધ્યક્ષ સ્થાને વર્ષાઋતુ -2024 પ્રી-મોનસુન કામગીરી અંગેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરએ તળાવોની સફાઈ, વિવિધ વોકળા- નદીપટની સફાઈ, વોર્ડ કે તાલુકા અનુસાર રેસ્ક્યુ ટીમ બનાવવી, અગમચેતીના સંદેશા પહોંચાડવા માટેની નેટવર્કિંગ સિસ્ટમ, કંટ્રોલ રૂમમાં ફરજ સોંપણીના હુકમ તૈયાર કરવા, દરિયાકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોની યાદી તૈયાર કરવી, અગરિયા, તરવૈયા સ્થળાંતર માટેના વાહનો અને આશ્રય સ્થળોની વ્યવસ્થા, પીવાનું પાણી, દવાની વ્યવસ્થા, વરસાદી પાણીનો નિકાલ, પશુઓ માટે રસીકરણ અને પૂરતા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા સહિતની બાબતો પર ચર્ચા કરી હતી. જોખમી વીજ પોલ નિકાલની કામગીરી, અનાજ પુરવઠાની જાળવણી, આરોગ્ય તમામ વિભાગોનું સંકલન બની રહે જેવા વિવિધ મુદ્દાઓ ઉપર નિવાસી અધિક કલેકટરએ ચર્ચા કરી હતી અને પ્રિ-મોન્સૂન અને પોસ્ટ મોનસૂન કામગીરીમાં કોઈપણ રીતે કચાસ ના રહે. આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ. પરમાર, ખંભાળિયા પ્રાંત અધિકારી કે.કે.કરમટા તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.