ઓછા વજનવાળા નવજાતોને તબીબો અને સ્ટાફે પરિવારની જેમ હુંફ પૂરી પાડી 45 દિવસ સુધી સાર-સંભાળ લીધી
સૌરાષ્ટ્રની સૌથી મોટી અને સુવિધાઓથી સંપન્ન તથા બાળકો માટેની સ્પેશિયાલિસ્ટ ઝનાના હોસ્પિટલ એ સગર્ભા માતા અને બાળક માટે આશીર્વાદરૂપ બની રહી છે,ત્યારે કુદરતી પરિસ્થિતિઓનો સામનો કરી બાળકોને જીવનદાન આપ્યાના કિસ્સા પણ સામે આવ્યા છે.એવા એક કિસ્સામાં વાંકાનેરના દંપતીને કુદરતની મહેરથી ઘરે એક સાથે ત્રણ પારણા બંધાયા,પરંતુ અધુરા માસે જન્મેલા હોવાથી લઘુતમ વજનના અભાવે બાળકો પર મોતની છાયા મંડરાઇ રહી હતી. એક તરફ કુદરતે આપેલી ખુશી તો બીજી તરફ માતા અને પરિવારને પોતાના ત્રણે ત્રણ બાળકોને ગુમાવી દેવાની ચિંતા છવાઈ ગઈ હતી ત્યારે પૂરતી સારવાર ન મળે તો બાળકોને ગુમાવી દેવાની ચિંતા હતી. ગરીબ દંપતિ પોતાના બાળકોને અંતે ઝનાના હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને 31 માર્ચે જન્મેલા આ બાળકોને આજે 45 દિવસની લાંબી સારવાર બાદ ડિસ્ચાર્જ આપતા ત્રણે ત્રણને જીવનદાન મળ્યાના હરખભેર સાથે પરિવાર અને ઝનાના હોસ્પિટલના સ્ટાફમાં ખુશીનો માહોલ છવાઇ જવા પામ્યો છે.
વાંકાનેર તાલુકાના ધમાલપર ગામે રહેતા આશાબેન અને ધર્મેશભાઈ અંબાસણીયા નામના દંપતિના ઘરે 31 માર્ચના રોજ ત્રણ બાળકોનો જન્મ થતાં ત્રણ પારણા બંધાયા હતા પરંતુ આ ત્રણેય બાળકો અધૂરા માસે જન્મેલા હોવાથી તેમનું લઘુતમ વજન ઓછું હોવાથી સતત મોતની છાયા માથે મંડરાઇ રહી હતી,ત્યારે ગરીબ પરિવારને હોસ્પિટલના ખર્ચા પોસાય તેવી પરિસ્થિતિ ન હતી એવામાં પરિવારે ઝનાના હોસ્પિટલનો આશરો લીધો હતો પ્રથમ બાળકનું વજન દોઢ કિલો હોવાથી તેના પર નહિવત જોખમ હતું પરંતુ વજન વધારવો આવશ્યક હતો તેથી ઝનાના હોસ્પિટલમાં સારવાર મેળવી તેનો વજન હાલ 2.350 ગ્રામ છે.જ્યારે બીજા બાળકને જન્મ સાથે શ્વાસની તકલીફ સર્જાતા તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેને સતત વેન્ટિલેટર પર રાખી ઝનાના હોસ્પિટલના સ્ટાફે પૂર્ણ દેખરેખ અને માતાના હૂંફ થકી આ બાળકનું વજન હાલ 1.800 ગ્રામ થયું છે.બાળકને સતત એક માસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું બાદમાં તેની સ્થિતિ સારી થતાં તેને નાના મશીન પર લાવવામાં આવ્યું અંતે તેને ઓક્સિજનની સારવાર આપી તેને સ્વસ્થ જીવન પ્રદાન કરવામાં આવ્યું છે અને ત્રીજા બાળકનું વજન માત્ર 1 કિલો હોવાથી તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેને શ્વાસના નાના મશીન એટલે કે સીપીએપી પર તબીબની સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું હતું.આ ઉપરાંત કાંગારુ કેર આપી બાળકને સતત તેની માતા છાતીની હૂંફની દેખરેખ દ્વારા હાલ 1.400 ગ્રામ વજન થયું છે.બાળકોને તબીબ અને તેના પરિવારની સતત દેખરેખ અને સાર સાંભળને અંતે આજ રોજ તા. 15/5ના 45 દિવસની લાંબી સારવારને અંતે ઝનાના હોસ્પિટલમાંથી માતા થતાં બાળકોને સ્વસ્થ અને હેમખેમ ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે.આ કામગીરીમાં ઝનાના હોસ્પિટલના સ્ટાફે ભારે જહેમત અને સેવાના ભાવથી કરેલી સારવાર વરદાનરૂપ સાબિત થતાં બાળકોને જાણે નવું જીવન મળયું છે ત્યારે વાંકાનેરના ધમાલપર ગામના અંબાસણીયા પરિવારને ત્યાં બાળકોના કિલકિલાટથી ઘર ગુંજી ઉઠતા ખુશીનો માહોલ છવાઇ જવા પામ્યો છે,ત્યારે સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર આર.એસ. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ પીડિયાટ્રિક વિભાગના વડા પંકજ બૂચ આ ઉપરાંત ડો. આરતી મકવાણા અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
‘હું ખાતરી આપું છું,કે ભવિષ્યમાં પણ આવા પડકારો માટે સ્ટાફ તત્પર છે’: સિવિલ અધિક્ષક આર.એસ. ત્રિવેદી
પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલનું ઝનાના હોસ્પિટલમાં ખૂબ જ સારી કામગીરી કરવામાં આવે છે.આ હોસ્પિટલમાં બે વિભાગો આવેલા છે.જેમાં ગાયનેક અને પીડીયાટ્રીક વિભાગનો સમાવેશ થાય છે.તાજેતરમાં જ લગભગ દોઢ માસ પૂર્વે વાંકાનેરથી ઝનાના હોસ્પિટલમાં આવેલા એક સાથે જન્મેલા ત્રણ બાળકોના અધૂરા માસે જન્મ હોવાથી સારવાર માટે વાંકાનેરથી રાજકોટ ઝનાના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે,ત્યારે ઝનાના હોસ્પિટલની ટીમે સતત સારવાર અને દેખરેખ થકી ત્રણેય બાળકોના સ્વાસ્થ્યને તંદુરસ્ત કરી 45 દિવસની સારવારને અંતે આજ રોજ રજા આપી હેમખેમ ઘરે પરત મોકલવામાં આવ્યા છે.ઝનાના હોસ્પિટલમાં ખૂબ જ સારી કામગીરી કરવામાં આવે છે. સિવિલ અધિક્ષક આર.એસ. ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે, હું ખાતરી આપું છું કે હોસ્પિટલમાં ભવિષ્યમાં પણ આવી ઉમદા કામગીરી કરતા રહીશું અને માતા અને બાળકોના જીવ બચાવવા માટે ઝનાના હોસ્પીટલના તબીબો અને તેની સ્ટાફ હરહંમેશ તત્પર રહી તેની ફરજ બજાવતા રહેવાના છે.
બાળકોના જીવનદાન માટે ડોક્ટર અને કુદરતની મહેરબાની : જન્મદાત્રી આશાબેન
ઝનાના હોસ્પિટલના સ્ટાફની ઉત્તમ સારવાર સાથે માયાળુ સ્વભાવ અંગે ત્રણેય બાળકોની જન્મદાત્રી આશાબેનએ અબતક પ્રતિનિધિને માહિતી આપતા જણાવ્યું હતું કે, તેઓ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં બાળકોને સારવાર અર્થે ઝનાના હોસ્પિટલ લઈ દોડી આવ્યા હતા.તેઓના ઘરે ત્રણ બાળકો જન્મ થયો પરંતુ અધુરા માસના હોવાથી પૂરતો વજન ન હોવાથી પરિવાર અહીંની હોસ્પિટલમાં આવ્યા હતા અને અહીંનો સ્ટાફ માયાળુ સ્વભાવ સાથે આપેલી સારવારથી આજે બાળકોને હેમખેમ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.જેથી માતાએ બાળકોના જીવનદાન પાછળ ડોકટર તથા તેની ટીમ અને કુદરતની મહેરબાની હોવાનું જણાવ્યું હતું.