છેલ્લા 46 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ-10, ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ધો-10, ધો-12, સાયન્સ-કોમર્સનું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. જેમાં ધો-10માં જામનગર જિલ્લાનું 82.31 ટકા પરિણામ આવ્યું છે. જેમાં સૌથી વધુ ધ્રોલ કેન્દ્રનું 90.97 ટકા પરિણામ આવ્યું છે. ધ્રોલમાં આવેલ પ્રખ્યાત એમ.ડી.મહેતા ગર્લ્સ સ્કૂલનું ધો-10, ધો-12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સનું 100 ટકા પરિણામ આવ્યું છે. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રિન્સીપાલ, ટ્રસ્ટીઓની મહેનત રંગ લાવી છે. શાળામાં બોર્ડના વિદ્યાર્થીઓને શરૂઆતથી જ બોર્ડની પરીક્ષાની તૈયારી કરાવવામાં આવતી હતી. સમયાંતરે પરીક્ષા, રિવિઝન, પ્રેક્ટીસ કરાવવામાં આવતા. ધો-10, ધો-12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સમાં એમ.ડી.મહેતા ગર્લ્સનું ઝળહળતું પરિણામ આવ્યું છે.
ગામડેથી આવતી દિકરીઓનું ઘડતર કરી એને અમે માતા-પિતાને સંસ્કારી દિકરી આપવાનું ગૌરવ અનુભવીએ: સુધાબેન ખંઢેરીયા
‘અબતક’ સાથેની વાતચિતમાં એમ.ડી. મહેતા ગર્લ્સ હાઇસ્કૂલના સેક્રેટરી સુધાબેન ખંઢેરીયાએ જણાવ્યું હતું કે ધ્રોલમાં છેલ્લા 46 વર્ષથી એમ.ડી.મહેતા ગર્લ્સ હાઇસ્કૂલ કાર્યરત છે. શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર, બાળાઓના સર્વાંગી વિકાસ માટે તેમના શૈક્ષણિક વિકાસ માટે અમારી સંસ્થા ખૂબ જ કાર્ય કરે છે. તેને કારણે છેલ્લા બે વર્ષથી છાત્રાલયના વિદ્યાર્થીઓનું ધો-10, ધો-12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સનું 100 ટકા પરિણામ મેળવી છીએ. તેની પાછળ ત્રણ બાબતો મહત્વની છે. છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓની સમયનો સદ્ઉપયોગ શૈક્ષણિક કાર્ય માટે જ કરે છે. પરીક્ષાના 3 મહિના પૂર્વે વધુ સમય વાંચન, રિવિઝન, પ્રેક્ટીસ કરાવવામાં આવે છે. પેપરો લેવામાં આવે. તેને ચેક કરી રિઝલ્ટ તેમના વાલીઓને આપવામાં આવે છે. સમગ્ર ટીમ વર્કને કારણે સમગ્ર સંસ્થા, પરિવાર ઉત્કૃષ્ટ પરિણામ લાવવામાં સફળ થાય છે. ખૂબ જ નાના ગામડાંમાંથી આવતી દિકરીઓના માતા-પિતાને દિકરીઓનું સાચું જીવન ઘડતર કરી તેમની દિકરી તેમના હાથમાં પરત કરીએ છીએ.
દર વર્ષે બોર્ડમાં શ્રેષ્ઠ પરિણામની અમારી શાળાની પરંપરા: આચાર્ય નિતાબેન
‘અબતક’ સાથેની વાતચિતમાં એમ.ડી.મહેતા ગર્લ્સ હાઇસ્કૂલના પ્રિન્સીપાલ આચાર્ય નિતાબેનએ જણાવ્યું હતું કે ધો-10, ધો-12, સાયન્સ, કોમર્સ, આર્ટ્સની બોર્ડની પરીક્ષા માર્ચમાં લેવામાં આવી હતી. તાજેતરમાં પરિણામ જાહેર થયેલ છે. ધોરણ-10, ધોરણ-12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સમાં અમારી શાળાનું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. આ શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે શાળાના ટ્રસ્ટીઓ, ચેરમેન, સેક્રેટરી, શિક્ષકોની ટીમે યોગદાન આપેલ છે. તમામ વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન ખૂબ જ સારી મહેનત કરી છે. તેમના વાલીઓનો પણ સારો સહકાર મળ્યો છે. તેના બદલ શાળા-પરિવાર તમામ વિદ્યાર્થી, વાલીઓનો આભાર માની છે.
રેગ્યુલર વાંચન, રિવિઝન, પ્રેક્ટીસના આધારે ધો-10માં 99.21 પીઆર મેળવ્યાંનો ગર્વ છે: પરમાર પ્રિયા
‘અબતક’ સાથેની વાતચિતમાં પરમાર પ્રિયાએ જણાવ્યું હતું કે હું એમ.ડી.મહેતા ગર્લ્સ હાઇસ્કૂલમાં બાલમંદિરથી જ અભ્યાસ શરૂ કર્યો હતો. આ વર્ષે ધો-10માં 99.21 પીઆર આવેલ છે. મને અપેક્ષા હતી જ કે સારૂં પરિણામ લાવી શકીશ. ડાઉટ, સોલવીંગ, પરીક્ષા, રિવિઝન, દૈનિક 3-4 કલાકના વાંચનના આધારે શ્રેષ્ઠ પરિણામ મેળવી શકી. તે બદલ શાળાના ટ્રસ્ટીઓ, પ્રિન્સીપાલ, શિક્ષકોનો ખૂબ-ખૂબ આભાર માનું છું. મારા પરિવારે પણ ખૂબ જ સહકાર આપ્યો છે.
શાળાના માર્ગદર્શન-સહકારથી ધો.12 સાયન્સમાં 95.98 પીઆર આવ્યા: શ્રૃતિ પરમાર
‘અબતક’ સાથેની વાતચિતમાં પરમાર શ્રૃતિએ જણાવ્યું હતું કે મને ધો-12 સાયન્સમાં 95.98 પીઆર આવેલ છે. અમારી શાળામાં બોર્ડની પરીક્ષાની શરૂઆતના દિવસોથી જ તૈયારી કરાવવામાં આવતી હતી. જેના થકી દરેક ચેપ્ટરનું અનેક વખત રિવિઝન થતું હતું અને સમયાંતરે પરીક્ષા લેવામાં આવતી હતી. અમને શિક્ષકોનો ખૂબ જ સહકાર મળ્યો છે.
મારા દ્રઢ નિશ્ર્ચયે મને લક્ષ્યાંક અપાવ્યું: વરૂ માલા
‘અબતક’ સાથેની વાતચિતમાં વરૂ માલાએ જણાવ્યું હતું કે બાલ મંદિરથી એમ.ડી. મહેતા ગર્લ્સ હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ધો-12માં 97.72 પીઆર મળેલ છે. મારો જેટલો લક્ષ્યાંક હતો. તે મુજબનું જ પરિણામ આવ્યું છે. શરૂઆતથી જ દરરોજનું વાંચન, પ્રેક્ટીસ, રિવિઝન, પરીક્ષામાં થયેલ ભૂલોનું રિવિઝન કરતી હતી. જેથી બોર્ડની પરીક્ષામાં સારૂં પરિણામ લાવી શકી.
ધોરણ-10માં ગણિતમાં 100માંથી 100 માર્ક્સની સિધ્ધી, શિક્ષકોના આશિર્વાદથી મળી: વ્યાસ યશ્વી
‘અબતક’ સાથેની વાતચિતમાં વ્યાસ યશ્વીએ જણાવ્યું હતું કે હું બાલ મંદિરથી જ એમ.ડી. મહેતા ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરૂં છું. આ વર્ષે મેં ધો-10ની પરીક્ષા આપી છે. જેમાં મને 98.17 પીઆર આવેલ છે અને ગણિતમાં 100 માર્ક્સ મેળવ્યાં છે. મને આશા હતી એ મુજબનું જ પરિણામ આવ્યું છે. મારા શિક્ષકો અને વાલીઓની મહેનત રંગ લાવી છે.
ધો-12 કોમર્સમાં 94.71 પીઆર મેળવાનો આનંદ છે: પરમાર માનસી
‘અબતક’ સાથેની વાતચિતમાં પરમાર માનસીએ જણાવ્યું હતું કે હું શાળામાં બાલ મંદિરથી અભ્યાસ કરૂં છું. આ વર્ષે ધોરણ-12 કોમર્સમાં 94.71 પીઆર આવ્યાં છે. અમારી શાળાનું ધો-12 કોમર્સમાં 99.17% આવ્યું છે. અમારા સારા પરિણામ માટે અમારા ટ્રસ્ટીઓ, શિક્ષકો, પ્રિન્સીપાલનો ખૂબ જ સારો સહકાર મળ્યો છે. કહેવાય છે કે મહેનતનું ફળ મીઠું હોય છે. શરૂઆતથી જ મહેનત કરેલ હતી. જેથી સારા ગુણ મેળવી શકી તેનો આનંદ છે.