- લોન, ક્રેડિટ કાર્ડ અન્ય ફાઈનાન્સ સંબંધિત આવતા અનિચ્છનીય કોલની ઝંઝટમાંથી પણ મુક્તિ મળશે, ટૂંક સમયમાં ડ્રાફ્ટ થશે રજૂ
લોન, ક્રેડિટ કાર્ડ અન્ય ફાઈનાન્સ સંબંધિત આવતા અનિચ્છનીય સ્પામ કોલ્સ કે ફ્રોડ મેસેજથી લોકોને ટૂંક સમયમાં છુટકારો મળવાનો છે. કેન્દ્ર સરકાર આ મામલે માર્ગદર્શિકા જારી કરશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ અને ટીઆરએઆઈએ આ અંગે ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. જે ઝડપથી રજૂ કરવામાં આવશે. પ્રિવેન્શન એન્ડ રેગ્યુલેશન ઓફ અનસોલિસિટેડ એન્ડ અનવોરન્ટેડ બિઝનેસ કોમ્યુનિકેશન, 2024 નામ હેઠળ નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવશે. જે મામલે ગ્રાહક બાબતોના વિભાગે 10 મેના રોજ બેઠક યોજી હતી.ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા આયોજિત આ બેઠકનું નેતૃત્વ નિધિ ખરેએ કર્યુ હતું. તેમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા, સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન અને તમામ ટેલિકોમ કંપનીઓના પ્રતિનિધિઓ સામેલ હતા. બીએસએનએલ, જીઓ, એરટેલ, વિઆઇના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શું છે નવી માર્ગદર્શિકામાં?
અહેવાલ અનુસાર, આ પ્રસ્તાવિત માર્ગદર્શિકામાં ઘણા મહત્વપૂર્ણ પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે, જેથી કરીને અન્ય કોઈ કાયદાની અવગણના ન કરી શકાય. અનિચ્છનીય અથવા અયોગ્ય કોમ્યુનિકેશન્સની યાદી જારી કરવામાં આવી છે. જેના માટે સમિતિના સભ્યો દ્વારા અનેક સૂચનો આપવામાં આવ્યા છે. તેમના દ્વારા આપવામાં આવેલા સૂચનોના આધારે, ડિઓસીએ ટૂંક સમયમાં આ માર્ગદર્શિકાને અંતિમ સ્વરૂપ આપશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ડિઓસીએ દ્વારા સ્થપાયેલી સમિતિના કેટલાક પેટાજૂથો દ્વારા અનસોલિસીટેડ એન્ડ અનવોરન્ટેડ બિઝનેસ કોમ્યુનિકેશન, 2024ના નિવારણ અને નિયમન પરના ડ્રાફ્ટ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ માટે ઘણી બેઠકો યોજવામાં આવી હતી અને એવું માનવામાં આવતું હતું કે આવા અનિચ્છનીય કોલ્સ એક મોટી સમસ્યા છે અને તેનું સમાધાન ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તમામ ટેલિકોમ કંપનીઓને કોલર આઈડી દર્શાવવા પર સલાહ
આ માર્ગદર્શિકામાં, ટીઆરએઆઈ અને ડિઓટી દ્વારા ઘણા પાસાઓ પર વિચાર કરવામાં આવ્યો છે જેથી કરીને નકલી કોલને રોકી શકાય. અગાઉ ટીઆરએઆઈએ તમામ ટેલિકોમ કંપનીઓને કોલરનું નામ એક્ટિવેટ કરવાની સલાહ આપી હતી. ઉપરાંત, સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓને આ સુવિધાને સક્ષમ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં સામેલ અધિકારીઓનું કહેવું છે કે ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન ક્ધઝ્યુમર પ્રેફરન્સ રેગ્યુલેશન 2018માં મુખ્ય સંસ્થાઓ જેમ કે બેન્કો, નાણાકીય સંસ્થાઓ, વીમા કંપનીઓ અને ટ્રેડિંગ કંપનીઓને ડિજિટલ ક્ધસેન્ટ એક્વિઝિશન સિસ્ટમ લાગુ કરવા માટે કહેવામાં આવ્યું હતું.ડીસીએ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ એક એકીકૃત પ્લેટફોર્મ બનાવવાનો છે જ્યાં ગ્રાહકો તેમની ડિજિટલ સંમતિ આપી શકે.