- છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકામાં સામાન્યથી લઇ બે ઈંચ સુધી કમોસમી વરસાદ પડ્યો: સૌથી વધુ અમરેલીના સાવરકુંડલામાં બે ઇંચ વરસાદ: હજુ આગામી ત્રણ દિવસ રાજ્યમાં વિવિધ સ્થળોએ હવામાનમાં પલટાની શક્યતા
- કરા પડવા સાથે ઠેર-ઠેર વૃક્ષો-હોર્ડિંગ્સ તૂટી પડવાના સંખ્યાબંધ બનાવો: ધૂળની ડમરીઓ ઉડી, બફારો વધતાં લોકો ત્રસ્ત: કેરી સહિતના પાકને નુકશાનીની ભીતી
- ઉત્તર ગુજરાતના હિંમતનગર, મહેસાણા, ખેડબ્રહ્મા, અમીરગઢમાં કરા સાથે માવઠું પડ્યું, ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો: સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ, રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવનથી હવામાનમાં ઠંડક પ્રસરી
રાજ્યના વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરને કારણે વંટોળીયા સાથે કરા અને કમોસમી વરસાદે વાતાવરણમાં પલટો લાવી દીધો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભરઉનાળે રાજ્યના 114 તાલુકામાં તોફાની પવન અને કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. પાંચ તાલુકા તો એવા છે કે જ્યાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ નર્મદાના ગરૂડેશ્ર્વર દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં તો જાણે પ્રિ-મોન્સૂન એક્ટિવીટી શરૂ થઇ હોય તેમ તોફાની પવન આંધી સાથે માવઠાં વરસ્યા હતા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. ખાસ કરીને ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ જિલ્લામાં આંધી-કમોસમી વરસાદની અસર જોવા મળી હતી. તોફાની પવનથી ધૂળની ડમરીઓ ઉંડી હતી. જેને લીધે કેટલીક જગ્યાએ પતરાંઓ ઉડી ગયા હતા અને ઝાડ પણ પડી ગયા હતા. માવઠાંથી વરસાદી માહોલ છવાયો હતો. જો કે, વાતાવરણમાં બફારો વધી જતા લોકો ત્રસ્ત થઇ ગયા હતા. આ સાથે જ વિવિધ વિસ્તારમાં કેરી સહિતના પાકોને વ્યાપક નુકશાનની ભીતી સેવાઇ રહી છે.
ભાવનગર શહેરમાં બપોરના સમયે વાદળો સાથે જિલ્લાના સિંહોર તાલુકામાં ઘણાખરા ગામમાં તોફાની પવન સાથે હળવા છાંટા વરસ્યા હતા. ઉમરાળા તાલુકાના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. બીજીબાજુ અમરેલીમાં ભારે પવનને કારણે અનેક જગ્યાએ હોર્ડિંગ્સ ઉડી ગયા હતા. અમરેલીથી 6-7 કિલોમીટર દૂર કેરીયાનગરમાં કરા પડ્યા હતા. સાવરકુંડલા વિસ્તાર સુધી પવન સાથે વરસાદ પડતાં મીની વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા. લાઠીના મતીરાળામાં ધોધમાર વરસાદ પડતા ખોડીયાર નદીમાં નવા નીરની આવક થઇ હતી. આ ઉપરાંત ટંકારાના સજ્જનપર ગામે માવઠું વરસ્યું હતું. મોરબી શહેરમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના વઢવાણ, લખતર અને લીંબડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં અમીછાંટણા થયા હતા. રાજકોટ શહેર સહિત જિલ્લામાં આંધી જેવો માહોલ છવાયો હતો અને વાદળછાંયુ વાતાવરણ જોવા મળ્યું હતું. જસદણમાં તો ભારે વરસાદ પડ્યો હતો તેમજ ગોંડલમાં દેરડી કુંભાજી, રાણસીકી સહિતના ગામોમાં ભારે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા.
આ ઉપરાંત અમદાવાદ સહિત દશેક જિલ્લામાં વાતાવરણના પલટાને લીધે કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યના ઘણા ભાગોમાં વરસાયેલા વાતાવરણની અસર જોઇએ તો સુરેન્દ્રનગર, બોટાદ, નવસારી, સાબરકાંઠા, બનાસકાંઠા, ભાવનગર, ડાંગ, ગાંધીનગરના 60 જેટલા તાલુકામાં વધતા-ઓછાં પ્રમાણમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. સવારે 6:00 થી આજે સવારે 8:00 વાગ્યા સુધીમાં સૌથી વધુ ગરૂડેશ્ર્વરમાં દોઢ ઇંચ, અમરેલી-તીલકવાડા-બેચરાજીમાં એક ઇંચ વરસાદ જ્યારે સાયલા, બોટાદ, વાંકાનેર અને ચોટીલામાં અડધાથી પોણા ઇંચ જેટલો કમોસમી વરસાદ નોંધાયો હતો.
હજુ બે–ત્રણ દિવસ અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે રાજ્યના તમામ જિલ્લાઓ દમણ, દાદરા–નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ગાજવીજ સાથે અને આંધી સાથે છૂટાછવાયા કમોસમી વરસાદની શક્યતા છે. આવતીકાલે અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરત સહિત રાજ્યભરમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.
ડીસામાં સૌથી વધુ 42.8 અને અમદાવાદમાં 42.4 ડિગ્રી ગરમી
રાજ્યભરમાં દિવસ દરમિયાન અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર ઉપરાંત ડીસામાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. ડીસામાં 42.8 ડિગ્રી, અમદાવાદમાં 42.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી, રાજકોટમાં 42 ડિગ્રી, ગાંધીનગરમાં 41.8 ડિગ્રી, વડોદરામાં 40.6 ડિગ્રી જ્યારે ભૂજમાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ખેડૂતો ખાતર–પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ ટાળે
હવામાન વિભાગે 16મી સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદ સહિત કુલ 18 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે ત્યારે ખેતી નિયામક તરફથી કેટલીક તાકીદ કરવામાં આવી છે. કમોસમી વરસાદ થતાં પાક નુકશાનથી બચવા માટે ખેડૂતો ખેત ઉત્પાદીત પાક અને ખેતરમાં કાપણી કરેલો પાક જો ખૂલ્લામાં પડ્યો હોય તો સૌપ્રથમ તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડી લેવા. આ ઉપરાંત વરસાદના સમયે પાકમાં જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવો જોઇએ.
વિજળી પડવાથી ત્રણ લોકો અને 40 પશુઓના મોત: 4013 ગામોમાં વિજળી ગુલ
રાજ્યમાં પડેલા આફતના વરસાદને કારણે ત્રણ લોકોના વિજળી પડવાથી મોત નિપજ્યા છે. જ્યારે 40 પશુઓના પણ મોત થયાના અહેવાલ છે. ગાંધીનગર, સુરેન્દ્રનગર અને દાહોદ જિલ્લામાં વિજળી પડવાથી ત્રણના મોત થયા છે. એટલું જ નહિં વાવાઝોડાના કારણે રાજ્યમાં 4013 ગામોમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો. 3,743 ગામોમાં પાવર રીસ્ટોર કરવામાં આવ્યો હતો. જ્યારે 270 ગામોમાં પાવર રીસ્ટોર કરવાની કામગીરી ચાલુ છે.