સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ‘ચંચુપાત’ન કરવો જોઈએ : જયેશ રાદડિયા
મેં પાર્ટી વિરૂદ્ધ કોઈ કામ કર્યુ નથી, જે લોકો મારો વિરોધ કરે છે તે લોકો ખેડૂત વિરોધી છે, સમાજને જ્યારે જરૂર પડી ત્યારે મેં રાજકારણ એકબાજુ મૂકી દીધું છે: જયેશ રાદડિયાની સ્પષ્ટતા
સહકારી ક્ષેત્ર ઉપર લાખો સભાસદોનો ભરોસો છે. સામાજિક સંસ્થાઓએ આમાં વચ્ચે ન આવવું જોઈએ. મે પાર્ટી વિરૂદ્ધ કોઈ કામ કર્યુ નથી, જે લોકો મારો વિરોધ કરે છે તે લોકો ખેડૂત વિરોધી છે. તેવું જયેશ રાદડિયાએ જણાવ્યું છે.
ઈફ્કોમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં મોટો ભડકો થયો છે. ત્યારે સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોરચો માંડ્યો છે. પક્ષના મેન્ડેટની અવગણના કરનારા રાદડિયા સામે તાત્કાલિક કાર્યવાહીની માંગણી ઉઠી છે. સહકારી આગેવાન બાબુ નસીતના આક્ષેપો પર જયેશ રાદડિયાએ જવાબ આપ્યો છે. તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે બાબુ નસીતને મારે જવાબ આપવાનો ન હોય, એ તેનો વિષય છે. વધુમાં જયેશભાઇએ જણાવ્યું કે મેં પાર્ટી વિરૂદ્ધ કોઈ કામ કર્યુ નથી. જે લોકો મારો વિરોધ કરે છે તે લોકો ખેડૂત વિરોધી છે. મેં પાર્ટી માટે લોકસભા ચૂંટણીમાં કામ કર્યું છે. ઈફ્કોની ચૂંટણીમાં ભાજપે મેન્ડેડ આપ્યું તે પહેલા મેં ઉમેદવારી નોંધાવી હતી. મને ખબર પણ નહોતી કે ભાજપે મેન્ડેડ આપ્યું છે. લોકસભા ચૂંટણીમાં મારી વિધાનસભા વિસ્તારમાં મેં પાર્ટી માટે જ કામ કર્યું છે. મેં કોઈ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું નથી.
જયેશભાઇ રાદડિયાએ કહ્યું કે, રાજકોટ જિલ્લા બેન્ક અને સહકારી માળખું ખેડૂત સભાસદો પર ચાલે છે. મારા પર આક્ષેપ કરે છે તેને મારે જવાબ આપવાના ન હોય. આક્ષેપ કરનારા પોતાનું જોઈ લે. મારે ખેડૂત સભાસદોનું હિત જોવાનું છે. ખેડૂતોના હિત માટે મેં ચૂંટણી લડી છે. કોઈ સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ન આવવું જોઈએ. રાજકારણમાં સામાજિક સંસ્થાઓએ ન ઝંપલાવવુ જોઈએ. જે સામાજિક સંસ્થાઓમાં રાજનીતિ આવે છે ત્યારે સમાજનું પતન થાય છે. સામાજિક સંસ્થાઓના વડાને કહેવા માગું છું કે, સમાજમાં રાજકારણ કરવાને બદલે જો રાજકારણ કરવું જ હોઈ તો રાજનીતિમાં આવી જવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ નાની ઉંમરે ઘણું આપ્યું છે.
રા.લો.સંઘમાં મારા વિરૂઘ્ધ પગલાં લેવાયા હતા જયેશભાઇ સામે પણ કાર્યવાહી કરો : બાબુ નસીત
બાબુ નસીતનું કહેવું છે કે, રાજકોટ લોધિકા સંઘમાં મેન્ડેટ હોવા છતાં મારા વિરુદ્ધ પગલાં લીધા હતા. મારા સામે તરત જ પગલાં લેવાયા હતા એવી રીતે જયેશ રાદડિયા સામે પગલાં લેવામાં આવે. આ સાથે સહકારી સંસ્થામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની બાબુ નસીતે દાવો કર્યો છે. સાથે જ ભાજપ વિરુદ્ધ જઈ અને કામ કરે છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઇફ્કોની ચૂંટણીમાં જયેશ રદડિયાએ ભાજપ વિરુદ્ધ જઇ ચૂંટણી લડી છે. જયેશ રાદડિયાને મત આપનાર સભ્યો સામે પ્રદેશ અધ્યક્ષ પગલાં લે તેવી મારી માંગ છે. રાજકોટ લોધિકા સંઘમાં મેન્ડેડ હોવા છતાં મારા વિરુદ્ધ પગલાં લીધા હતા. આજે પણ સહકારી ક્ષેત્રમાં ભાજપ-કોંગ્રેસનું ઇલું ઇલું ચાલે છે. ડો. ડાયાભાઈ પટેલ અને મહમદ પીરજાદા બંને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના સભ્યો છે. આ બંને સભ્યો કોંગ્રેસના છે અને ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું હતું. અમારા સામે જેવી રીતે પગલાં લેવાયા તેવી જ રીતે આ લોકો સામે પણ પગલાં લેવાય. જયેશ રાદડિયા સામે પાર્ટીએ પગલાં લેવા જોઈએ. સહકારી સંસ્થાઓમાં ભાજપના નેતાઓ જેઓ કોંગ્રેસમાંથી આવ્યા છે તે ભ્રષ્ટાચાર કરે જ છે. ભાજપ વિરુદ્ધ જઈ અને કામ કરે છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.