વોર્ડ નં.૧૦માં ૧૦૫૦૦, વોર્ડ નં.૯માં ૯૮૪૫, વોર્ડ નં.૮માં ૯૫૦૦, વોર્ડ નં.૧માં ૮૮૦૦, વોર્ડ નં.૨માં ૬૦૦૦, વોર્ડ નં.૩માં ૩૭૦૦ અને વોર્ડ નં.૭માં ૨૫૦૦થી વધુ મતોની લીડ નીકળતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જીત ઐતિહાસિક બની
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે બેઠક પરથી પોતાની જીંદગીની પ્રથમ ચૂંટણી લડી રાજકીય કારકિર્દીનો આરંભ કર્યો હતો તેવી ભાજપ માટે અડીખમ ગઢ ગણાતી ૬૯-રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પર ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ૫૪૦૦૦થી વધુ મતોની લીડ સાથે ઐતિહાસિક વિજય થયો છે.
વિજયભાઈના પોતાના વોર્ડના મતદારોએ તેમના પર મતોનો અનરાધાર વરસાદ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. પશ્ર્ચિમ બેઠકમાં સમાવિષ્ટ ૭ વોર્ડમાંથી મુખ્યમંત્રીને સૌથી વધુ લીડ વોર્ડ નં.૧૦માંથી ૧૦૫૦૦ મતોની લીડ મળી છે. રાજકોટના તમામ ૧૮ વોર્ડમાં ભાજપને લીડ મળતા ચારેય બેઠકો પર કમળ ખીલ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી તથા ૬૯-રાજકોટ વિધાનસભા બેઠકના ચૂંટણી ઈન્ચાર્જ નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો રાજકોટ પશ્ર્ચિમ બેઠક પર ઐતિહાસિક વિજય થયો છે.
આ બેઠકમાં સમાવિષ્ટ તમામ સાતેય વોર્ડમાંથી ભાજપને ચાર આંકડામાં લીડ મળી છે જેમાં પ્રથમ ક્રમે વોર્ડ નં.૧૦ રહ્યો છે. આ વોર્ડમાંથી ભાજપને ૧૦૫૦૦ મતોની લીડ મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ જ વોર્ડમાં વસવાટ કરી રહ્યાં હોય, પોતાના નેતા એવા મુખ્યમંત્રી પર વોર્ડના લોકોએ રીતસર મત વર્ષા કરી છે. લીડની બાબતમાં વોર્ડ નં.૯બીજા ક્રમે રહ્યો છે.
આ વોર્ડમાંથી મુખ્યમંત્રીને ૯૮૪૫ મતની લીડ પ્રાપ્ત થઈ છે. જયારે વોર્ડ નં.૮માંથી ૯૫૦૦, વોર્ડ નં.૧માંથી ૮૮૦૦, વોર્ડ નં.૨માંથી ૬૦૦૦, વોર્ડ નં.૩માંથી ૩૭૦૦ અને વોર્ડ નં.૭ કે જેના માત્ર ૧૬ જેટલા મતદાન બુથ જ રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠકમાં આવે છે ત્યાંથી પણ મુખ્યમંત્રીને ૨૫૦૦થી વધુ મતની લીડ મળી છે.
રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકમાં ભાજપના વિજેતા ઉમેદવાર ગોવિંદભાઈ પટેલને સૌથી વધુ લીડ વોર્ડ નં.૧૩માંથી પ્રાપ્ત થઈ છે. જયારે રાજકોટ પૂર્વના ભાજપના વિજેતા ઉમેદવાર અરવિંદભાઈ રૈયાણીને સૌથી વધુ લીડ વોર્ડ નં.૫માંથી મળી છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે, શહેરના તમામ ૧૮ વોર્ડમાંથી ભાજપની લીડ પ્રાપ્ત થઈ છે. એક પણ વોર્ડ એવો નથી કે જયાં ભાજપને ખાધ પડી હોય. પરિણામે શહેરની ચારેય બેઠકો પર કમળ ખીલી ઉઠયું છે.