30 કેસોમાં હત્યા, દુષ્કર્મ, પોક્સો, એનડીપીએસ અને ભ્રષ્ટાચાર સહિતના મામલાનો સમાવેશ
શહેરના ઘંટેશ્વર વિસ્તારમાં રૂ. 117 કરોડના ખર્ચે 14 એકરની વિશાળ જગ્યામાં નવું કોર્ટ સંકુલ તૈયાર કરવામાં આવ્યા બાદ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના હસ્તે નવનિર્મિત કોર્ટ સંકુલનું ઉદ્ઘાટન ગત તા. 16 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. જે બાદ આશરે 15 દિવસમાં શિફટિંગનું કાર્ય પૂર્ણ થયે કોર્ટ રાબેતા મુજબ ધમધમતી થઇ હતી. 1 ફેબ્રુઆરીથી નવા બિલ્ડીંગમાં કાર્યવાહી શરુ થયાં બાદ 10 મેના રોજ નવા કોર્ટ સંકુલને 100 દિવસ પૂર્ણ થતાં આ સમયગાળામાં 30 સજાનું એલાન કરવામાં આવ્યું છે એટલે કે દર ત્રીજા દિવસે એક ગંભીર ગુન્હામાં સજા ફટકારવામાં આવી છે.
રાજકોટ શહેરની ભાગોળે ઘંટેશ્વર પાસે એફ.સી.આઇ.ના ગોડાઉન પહેલા ડિસ્ટ્રિક્ટ કોર્ટનું કેમ્પસ 55 હજાર ચો.મી. જમીનમાં પથરાયેલું છે. કોર્ટના અદ્યતન નવા બિલ્ડીંગ માટે સરકાર દ્વારા આ કામગીરી માટે રૂ. 117 કરોડની તાંત્રિક મંજુરી આપવામાં આવી હતી. જેના ભાગરૂપે અંદાજે રૂ. 90 કરોડના ખર્ચે બાંધકામ અને ફર્નીચર સહિત અન્ય સુવિધા સાથે આ કોર્ટ બિલ્ડીંગ આકાર પામ્યું છે. નવા કોર્ટ સંકુલમાં હાલ કુલ 38 કોર્ટ કાર્યરત છે જે અગાઉ દરેક અલગ અલગ બિલ્ડીંગમાં આવેલી હતી જેના કારણે વકીલો-પક્ષકારોને ખૂબ જ તકલીફ પડતી હતી પણ હાલ આ તમામ કોર્ટ એક જ સંકુલમાં બેસતી હોવાથી વકીલો અને અસીલોને રાહત થઇ છે ત્યારે 100 દિવસના સમયગાળામાં 30 ગંભીર ગુન્હામાં સજા ફટકારવામાં આવી છે.
જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાની અબતક સાથેની વિશેષ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, ગત 1 ફેબ્રુઆરીના રોજથી કોર્ટ કાર્યવાહી શરૂ થયાં બાદ 10 મેના રોજ કાર્યવાહીના 100 દિવસ પૂર્ણ થતાં ન્યાયપ્રણાલી દ્વારા 30 કેસોમાં સજાનું એલાન કરવામાં આવ્યું છે. આ કેસોમાં હત્યા, દુષ્કર્મ, એનડીપીએસ, હત્યાનો પ્રયાસ, ભ્રસ્ટાચાર સહિતના કેસોનો સમાવેશ થાય છે. આ 30 કેસોમાં અંદાજિત 45 જેટલાં આરોપીઓને દોષિત ઠેરવી સજા ફટકારવામાં આવી છે.
એસ.કે.વોરાના જણાવ્યા અનુસાર 15 સરકારી વકીલોની ટીમ દ્વારા 30 કેસોમાં સજા ફટકારતો હુકમ લઇ આવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવવામાં આવી છે. જેમાં 27 કેસોમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે જયારે 25 કેસોમાં દોષિતોને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારવામાં આવી છે. અત્યંત ઉલ્લેખનીય બાબત છે કે, આ તમામ કેસોમાં 24 દુષ્કર્મ અને પોક્સોના કેસોનો સમાવેશ થાય છે જયારે 1 એનડીપીએસના કેસનો સમાવેશ થાય છે.
27 કેસોમાં આજીવન કેદ અને 25 કેસોમાં અંતિમ શ્ર્વાસ સુધીની સજા : 1200 જેટલી જામીન અરજી રદ્દ
100 દિવસના સમયગાળામાં 30 કેસોમાં સજાનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં 27 કેસોમાં આજીવન કેદ જયારે 25 કેસોમાં અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારવામાં આવી છે. ઉપરાંત સરકારી વકીલો દ્વારા 30 દિવસમાં આશરે 1200 થી 1500 જેટલાં કેસોમાં જામીન અરજી રદ્દ કરવામાં આવી છે.
જંગલેશ્ર્વરમાંથી ઝડપાયેલા 8 કિલો ચરસના કેસમાં ચાર દોષિતોને 20-20 વર્ષની જેલ
રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એનસીબી અમદાવાદ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે 2018માં જંગલેશ્વર ખાતે રેડ પાડી હતી. જે રેડમાં ચરસનો 8 કિલો જથ્થા સાથે મંગાવનાર મહેબૂબ ઠેબા તેમજ ચરસ રાખવા બદલ ઇલિયાસ સોરા, જાવેદ દલ અને રફીક લોયાની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ચરસનો જથ્થો પહોંચાડનારા શકીલ સૈફીની પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ફેબ્રુઆરી માસમાં અધિક સેશન્સ જજ બીબી જાદવ દ્વારા ચાર આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવવામાં આવી છે. તેમજ પ્રત્યેકને રૂપિયા એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આશરે 40થી વધુ દોષિતોને જેલના સળિયા પાછળ ધકેલવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર સરકારી વકીલો
દોષિતોને જેલના સળિયા પાછળ ધકેલનાર સરકારી વકીલોની ટીમમાં લીડર તરીકે જિલ્લા સરકારી વકીલ એસ કે વોરા છે. આ ઉપરાંત 14 અધિક સરકારી વકીલ મહેશ જોષી, આબીદ સોશન, અતુલ જોષી, મુકેશ પીપળીયા, પરાગ શાહ, દિલીપ મહેતા, રક્ષિત ક્લોલા, સ્મિતાબેન અત્રિ, બિનલબેન રવેશીયા, કમલેશ ડોડીયા, તરુણ માથુર, સમીર ખીરા, પ્રશાંત પટેલ, અનિલ ગોગીયા સહિતનાનો સમાવેશ થાય છે.