મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીનું જાહેરનામું: સુચિત વિસ્તારોમાં સરકારી લાભો આપવામાં આવશે નહીં
શહેરમાં ન્યુસન્સ બની ગયેલા ખુલ્લા પ્લોટ પર મહાપાલિકા દ્વારા ટેકસ ઝીંકવામાં આવ્યો હોવા છતાં પ્લોટ ધારકો પ્લોટને ફરતે કમ્પાઉન્ડ વોલ કરવાના બદલે ખુલ્લા રાખે છે જેના કારણે ગંદકી સહિતના પ્રશ્ર્નો ઉભા થાય છે. મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ આજે એક જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. જેમાં મહાપાલિકાની હદમાં આવેલા ખુલ્લા પ્લોટનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. ખુલ્લા પ્લોટનું રજિસ્ટ્રેશન નહીં કરાવનાર આસામીને બાંધકામની પરવાનગી આપવામાં આવશે નહીં. જો પ્લોટ સુચિત સોસાયટીમાં હશે તો તેને સરકારી લાભોથી વંચિત રાખવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ આજે એક જાહેરનામુ પ્રસિધ્ધ કરી શહેરીજનોને જાહેર નોટિસ આપી છે. જેમાં મહાપાલિકાની હદમાં આવેલા ખુલ્લા પ્લોટનું રજિસ્ટ્રેશન કોર્પોરેશનની ત્રણેય ઝોન ઓફિસ ટાઉન પ્લાનીંગ શાખામાં આગામી ૩૦ દિવસમાં કરાવી લેવા તાકીદ કરવામાં આવી છે.
આ અંગે નિયત નમુનાનું ફોર્મ ત્રણેય ઝોન કચેરીની ટીપી શાખામાંથી મળી રહેશે. ફોર્મ જમા કરતી વેળાએ સંપૂર્ણ વિગત ભરી તેની સાથે રજિસ્ટ્રર થયેલ દસ્તાવેજ તેમજ તાજેતરમાં રેવન્યુ રેકર્ડ ગામના નમૂના નં.૭ અને ૧૨/૭ એ અને ૬-અ હકકપત્ર અથવા પ્રોપર્ટી કાર્ડ સામેલ રાખવાના રહેશે. જો ખુલ્લા પ્લોટનું રજિસ્ટ્રેશન નિયત સમય મર્યાદામાં કરવામાં નહીં આવે તો આવા કિસ્સામાં પ્લોટ ધારકને બાંધકામની પરવાનગી આપવામાં આવશે. નહીં. આટલુ જ નહીં પ્લોટ સુચિત વિસ્તારમાં આવેલ હશે તો તેને સરકારી યોજનાનો લાભ આપવામા આવશે નહીં જેની તમામ ખુલ્લા પ્લોટ હોલ્ડર ધારકોને નોંધ લેવા તાકીદ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં ન્યુસન્સ પોઈન્ટ સમાન બની ગયેલા ખુલ્લા પ્લોટનું દુષણ બંધ થાય તે માટે મહાપાલિકા દ્વારા ખુલ્લા પ્લોટનો વેરો વસુલવામાં આવે છે છતાં પ્લોટ ધારકો પ્લોટની ફરતે કમ્પાઉન્ડ હોલ બનાવતા નથી જેના કારણે ગંદકી સહિતના પ્રશ્ર્નો ઉભા થઈ રહ્યાં છે. ત્યારે હવે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ ત્રીજુ નેત્ર ખોલતા ખુલ્લા પ્લોટનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું જાહેરનામુ પ્રસિધ્ધ કરી દીધું છે.