- ઇફ્કોની ચૂંટણીમાં જયેશભાઇ રાદડિયાની વિરોધમાં મતદાન કરવા લેઉઆ પટેલ સમાજની ટોચની સંસ્થાના ટ્રસ્ટીએ ફોન કર્યાની આશંકાથી સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ
કદાવર ખેડૂત નેતા સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાના પુત્ર અને યુવા ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાને કદ મુજબ વેતરી નાંખવા લેઉઆ પટેલ સમાજની ટોચની સંસ્થાના ટ્રસ્ટીએ ભૂંડી ભૂમિકા ભજવી હોવાનું બહાર આવતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. ઇફ્કોના ગુજરાતના ડિરેક્ટરની ચૂંટણી માટે ભાજપે બિપીન ગોતાને મેન્ડેટ આપ્યું હતું. જેની સામે ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાએ પણ ઉમેદવારી નોંધાવી હતી. કુલ 182માંથી 98 મત સૌરાષ્ટ્રના હોય ઇફ્કોના ડિરેક્ટર તરીકે સૌરાષ્ટ્રના સહકારી નેતા ચૂંટાઇ તે હિતાવહ માનવામાં આવતું હતું. ભાજપ વિરૂધ્ધ ભાજપની આ લડાઇમાં પ્રદેશમાંથી આદેશ છૂટતા લેઉઆ પટેલ સમાજની ટોચની સંસ્થાના ટ્રસ્ટીએ ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાને હરાવવા માટે ભરપૂર પ્રયાસ કર્યા હતાં. રાજકોટ જિલ્લા અને અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્રના ઇફ્કોના મતદારોને અમદાવાદના બિપીન ગોતાના સમર્થનમાં મતદાન કરવા માટે દબાણ કર્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જયેશભાઇને પાડી દેવા માટે લેઉઆ પટેલ સમાજની ટોચની સંસ્થાના ટ્રસ્ટીએ કરેલા પ્રયાસની સમગ્ર લેઉવા સમાજમાં ભારે ટીક્કા થઇ રહી છે. લાખો લોકોની આસ્થાનું પ્રતિક હવે રાજકારણનું એપી સેન્ટર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ ઘટના બાદ ખોડલધામના ટ્રસ્ટી પરેશભાઇ ગજેરાએ પણ ટીક્કા કરતા જણાવ્યું હતું કે જયેશભાઇ રાદડિયા ખેડૂતોના દુ:ખે દુ:ખી અને ખેડૂતોના સુખે સુખી થનારા ખેડૂ નેતા છે. તેઓને હરાવવા માટે ક્યારેય કોઇ સામાજીક કે સેવાકીય સંસ્થાએ પ્રયાસો કરવા ન જોઇએ. લેઉઆ પટેલ સમાજની ટોચની સંસ્થાના ટ્રસ્ટીએ આવું કાર્ય કર્યું હોય તો તે ખરેખર નિંદનીય છે. કારણ કે સંસ્થાની કામગીરી સેવાકીય છે નહિં કે રાજકીય. જયેશભાઇને પાડી દેવા માટે લેઉઆ પટેલ સમાજની ટોચની સંસ્થાના ટ્રસ્ટીએ ભરપૂર પ્રયાસો કર્યા હોવાની વાતથી સૌરાષ્ટ્રના રાજકારણમાં નવેસરથી ગરમાવો આવી ગયો છે. આગામી દિવસોમાં આ ઘટનાના ઘેરા પડઘા પડે તેવું લાગી રહ્યું છે.
પાટીદાર નેતાઓને લઇ ભાજપમાં ઉકળતો ચરૂં
ભાજપમાં મોટા નેતા બનવા માટે છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજના આગેવાનોમાં ગળાકાંપ હરિફાઇ ચાલી રહી છે. જેના કારણે હવે સમાજમાં રાજકારણ ઘૂસી ગયું છે. સમાજના કહેવાતા એક મોટા નેતા દર વખતે ચૂંટણી સમયે બૂમ બરાડા પાડી પોતે જ સમાજ હોવાનો હાઉ ઉભો કરે છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપે અનેક બેઠક પર પાટીદાર સમાજના નેતાઓને ટિકિટ આપી છે. જેમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. સમાજના હિતની વાતો કરતા પાટીદાર નેતાઓ પોતાની રાજકીય લીટી લાંબી કરવામાં મશગૂલ છે. જેના કારણે હવે પક્ષમાં પણ આવા નેતાની આબરૂનું ધોવાણ થઇ ગયું છે. લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ નવા-જૂનીના એંધાણ મળી રહ્યા છે.