- સીઆઈડી ક્રાઇમની સાથે ઇડી અને ઇન્કમટેક્સ વિભાગે પણ તપાસમાં ઝુકાવ્યું : મોટા કડાકા-ભડાકાના એંધાણ
રાજકોટ ન્યૂઝ : રાજ્યમાં આંગડિયા પેઢીઓ પર સીઆઈડી ક્રાઈમ દ્વારા ગઈકાલે દરોડા પાડવામાં આવ્યા હતા અને 15 કરોડની રોકડ અને સોનું કબજે કરવામાં આવ્યું હતું. સીઆઈડી ક્રાઇમએ આવકવેરા વિભાગને સાથે રાખી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડામાં રૂ. 200 કરોડના હવાલા દેશ બહાર પડયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. હવે આ સમગ્ર પ્રકરણમાં સીઆઈડી ક્રાઇમની સાથોસાથ ઇડી અને આવકવેરા વિભાગે તપાસમાં ઝુકાવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં આ મામલે મોટા કડાકા ભડાકા થવાના એંધાણ છે.
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આ હવાલા સાથે ક્રિકેટ સટ્ટાના અનેક તાર જોડાયેલ હોવાની શક્યતા પ્રકાશમાં આવી હતી. કેમ કે હાલમાં આઈપીએલ મેચ અને અન્ય ઓનલાઈન સટ્ટાના વ્યવહારોના હવાલાની વિગતો પણ ખુલી છે. જેમાં ભારતમાથી કેટલીક રકમ દુબઈ અને અન્ય જગ્યાએ મોકલવામાં આવી હોવાની વિગતો પણ સપાટી પર આવી હતી. ઉપરાંત હવાલા મારફતે વિદેશી કરન્સી પણ ટ્રાન્સફર કરાઈ હોવાનું ખૂલ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 25 આંગડિયા પેઢી પર 40 ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને મોબાઈલ, કોમ્પ્યુટર અને લેપટોપ કબજે કરવામાં આવ્યા હતા. ત્યારે આરટીજીએસથી ગેરકાયદે નાણા ટ્રાન્સફર કર્યાનું તપાસમાં સામે આવ્યું છે. તો બીજી તરફ 75 લાખનું વિદેશી ચલણ અને સોનું પણ જપ્ત કરવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી હતી.
આ હવાલા કાંડ સાથે અમદાવાદની એક પેઢી, મોરબીનું સિરામિક યુનિટ અને સુરતની કાપડ કંપની પણ સામેલ છે ત્યારે કોના દ્વારા કેટલા નાણા ક્યા મોકલવા માટે આપવામાં આવ્યા હતા તે દિશામાં સીઆઈડી ક્રાઈમ અને આવકવેરા વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તેમજ 200 કરોડના હવાલા પડયાની શક્યતા સામે આવી હતી. આ મામલે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુજરાતમાંથી આંગડિયા પેઢી મારફતે ક્રિકેટ સટ્ટાના નાણાના દુબઈમાં હવાલા નેટવર્કનો સીઆઈડી ક્રાઈમે પર્દાફાશ કરી રાજ્યભરની અલગ અલગ આંગડિયા પેઢી પર સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા હતા. અમદાવાદની એક આંગડીયા પેઢીમાં બોગસ એકાઉન્ટ મારફતે અગાઉ હવાલાથી દુબઈમાં વ્યવહાર થયાની માહિતીને આધારે તપાસ કરી ગુનો નોંધાયો હોય જેમાં ત્રણ શખ્સોની ધરપકડ કર્યા બાદ સીઆઈડી ક્રાઇમે આ ત્રિપુટીની પુછપરછમાં ગુજરાતમાંથી દુબઈ ક્રિકેટ સટ્ટાના હવાલા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. દુબઈમાં હવાલા મારફતે જે રૂૂપિયા મોકલવામાં આવ્યા તે તમામ ક્રિકેટ સટ્ટામાં ઉપયોગ થયાનું બહાર આવ્યું હતું. તેમજ ફોરેન કરન્સી પણ ટ્રાન્સફર થઇ હોવાની વિગતો સામે આવી છે.ગુજરાતથી દુબઈ હવાલા રેકેટમાં સંડોવાયેલ આંગડીયા પેઢી તેમજ હવાલાથી રૂપિયા મોકલનાર શખ્સો હાલ સીઆઈડી ક્રાઈમના રડારમાં આવી ગયા છે. આગામી દિવસોમાં આ પ્રકરણમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.
પ્રથમ વખત સીઆઈડી ક્રાઈમ દ્વારા દરોડાનું લાઇવ રેકોર્ડિંગ કરાયું
ગુજરાતની 25 જેટલી આંગડીયા પેઢી ઉપર સીઆઈડી ક્રાઈમની ટીમે ઇન્કમટેક્ષને સાથે રાખી મનીલોન્ડરિંગ બાબતે તપાસ કરવા દોરોડા પાડ્યા ત્યારે સમગ્ર દરોડાનું પોલીસ દ્વારા કેમેરામાં લાઇવ રેકોડીંગ પણ કરવામાં આવ્યું હતું. સીઆઈડી ક્રાઈમની ટીમે દરોડામાં પ્રથમ વખત આધુનિક સીસ્ટમનો ઉપયોગ કરી કાયવાહીનું લાઇવ રેકોડીંગ કર્યું હતું.
સીઆઈડી ક્રાઇમના દરોડાને પગલે સુરેન્દ્રનગર જિલ્લાની 100થી વધુ આંગડિયા પેઢીના શટર ટપોટપ બંધ
સીઆઈડી ક્રાઇમની આંગડિયા પેઢી પર દરોડાને પગલે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં આવેલી નાની મોટી આંગડિયા પેઢીને તાળા લાગી ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લાની પ્રખ્યાત આંગડિયા પેઢીઓને પણ તાળા મારી માડી દેવામાં આવ્યા છે અને આર્થિક લેવડદેવડની તમામ પ્રકારની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે. જિલ્લાની 100થી વધુ આંગડિયા પેઢીને રાતો રાત બંધ કરી દેવામાં આવી છે. આંગડિયા પેઢી બંધ થતા કરોડોના વહીવટ અટકી ગયા છે.
ત્યારે ઉલ્લેખીએ છે કે વેપારીઓ દ્વારા રોજબરોજ આંગડિયા પેઢીનો ઉપયોગ કરી અને સમગ્ર ગુજરાત રાજ્ય નહીં પરંતુ સમગ્ર દેશમાં પૈસા મોકલવામાં આવતા હતા તે પણ વહેવાર અટકી ગયું છે એટલે આંગડિયા પેઢીના તમામ વ્યવહારો અટકી જતા વેપારીઓને પણ અસર જોવા મળી રહી છે ખાસ કરીને હવે વેપારીઓ છે તે બેન્કિંગ ટ્રાન્સફર કરવા માટે મજબૂર બન્યા છે જોકે ટૂંક સમયમાં આંગડિયા પેઢી શરૂ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર તેમજ ગ્રામીણ વિસ્તારમાં આવેલી અલગ અલગ 25 જેટલી આંગડિયા પેઢીની બ્રાન્ચ બંધ કરી દેવામાં આવી છે અને 100 થી વધુ આંગડિયા પેઢીને તાળા જોવા મળ્યા છે.