જામનગરમાં પંચવટી રોડ પર ભૂતિયા બંગલા સામે આવેલી બહુમાળી ઈમારતમા ચાલતા સ્પામાં સગીરવયનો બાળક કામ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો, અને બાળમજૂરી કરી રહેલા બાળકને મુક્ત કરવ્યો હતો. અને તેના વાલીને સોંપી દેવામાં આવ્યો છે. જ્યારે સ્પાના માલિક અને સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
જામનગરના પોલીસ ના એ.એચ.ટી.યુ. વિભાગના પોલીસ ઇન્સ્પેકટર એન.ડી. સોલંકી અને તેમના સ્ટાફને ચોક્કસ માહિતી મળી હતી, કે જામનગરમાં પંચવટી રોડ પર આવેલા ઓશિયાનિક સોલિટીર બિલ્ડીંગ ના પહેલા માળે આવેલા ગોલ્ડન સ્પા માં નાના બાળકને કામે રાખીને બાળમજૂરી કરાવી બાળકનું શારીરિક તેમજ આર્થિક શોષણ કરવામાં આવે છે.
જે માહિતીના આધારે એ. એચ. ટી.યુ.ની પોલીસ ટીમે આજે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન એક સગીર બાળક કામ કરી રહેલો મળી આવ્યો હતો.
જેથી પોલીસ ટીમે બાળકના વાલીને સ્થળ પર બોલાવી લીધા હતા, અને તેનો કબજો વાલીને સોંપી દઇ ફરીથી બાળકને કામે નહીં મોકલવા સૂચન કર્યું હતું.
ઉપરાંત સ્પા માલિક અને સંચાલક રાજકોટના કેતન ભુપતભાઈ ચોટલીયા અને મનીષ રમણીક લાલ પટેલ સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ ની કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે બંને આરોપી હાજર મળી આવ્યા નથી, જેનીઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એન.ડી. સોલંકી તેમજ સ્ટાફના એએસઆઈ રણમલભાઈ ગઢવી, રાજદિપસિંહ ઝાલા, ભઇલુભા જાડેજા, કિરણબેન મેરાણી અને ભાવનાબેન સાબડીયા વગેરે કરી હતી.