- બે માસ સુધી શ્રીજીને ગરમીની ઋતુ અનુસાર ચંદનના લેપ સાથે દરરોજ વિશિષ્ટ પુષ્પ શૃંગાર કરાશે
- બદ્રીનાથ ધામના કપાટ સામાન્ય સંજોગોમાં અક્ષય તૃતીયાના ખૂલ્યા
દ્વારકા ન્યૂઝ : યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ વૈશાખ સુદ ત્રીજને અક્ષય તૃતીયા નિમિત્તે ભગવાન દ્વારકાધીશને ઋતુ અનુસાર ચંદન વાઘાનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. આજથી સતત બે માસ સુધી શ્રીજીને ગરમીની ઋતુ અનુસાર ચંદનના લેપ સાથે દરરોજ વિશિષ્ટ પુષ્પ શૃંગાર યોજવામાં આવશે. આજથી બે માસ સુધી ઠાકોરજીને રાજાધિરાજ સ્વરૂપને બદલે ઠંડક આપતા વસ્ત્રો પરિધાન કરાવવામાં આવશે. આજરોજ બપોરે ૧૨:૦૦ કલાકે શ્રીજીની વિશેષ શૃંગાર આરતી યોજવામાં આવી હતી. આજથી બે માસ સુધી ગરમીની ઋતુથી બચવા અને શીતળતા પ્રદાન કરવા શ્રીજીને ઠંડા ભોગ એટલે કે મુરબ્બાનું અથાણું, કેરી તથા અન્ય સામગ્રીથી બનાવેલ ગરમાળું, શીખંડ, ખારી મગની દાળ, ચણાની મીઠી દાળ ઠંડા ભોગ અર્પણ કરવામાં આવશે.
અખંડ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનું પર્વ અક્ષય તૃતીયાએ શ્રીહરિ વિષ્ણુ ભગવાનની વિશેષ પૂજા કરવાથી ભકતો અક્ષય સમૃદ્ધિને પ્રાપ્ત કરવાપાત્ર બને છે.
વર્ષભરના પંચાંગની મહત્ત્વની તિથિઓમાં વૈશાખ સુદ ત્રીજના રોજ આવતી અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજને વિશેષ ગણવામાં આવી છે. અક્ષયનો અર્થ થાય કે જે પૂર્ણ ન થાય કે જેનો કયારેય ક્ષય થતો નથી. પુરાતન શાસ્ત્રાનુસાર આ પાવન તિથિએ પ્રાપ્ત થતાં સૌભાગ્ય તેમજ શુભ ફળ કયારેય ખત્મ થતાં નથી. અક્ષય તૃતીયા નિમિત્તે જેટલાં ધાર્મિક કાર્યો અને દાન પુણ્ય કરીએ તેનું વિશેષ ફળ મળતું હોય તેનો મોટો મહિમા છે. અક્ષય તૃતીયાના પાવન દિવસને વણજોયું મૂહૂર્ત પણ મનાતું હોય આ દિવસે લગ્ન, વ્યાપાર ધંધાની શરૂઆત. નવા કાર્યનો શુભારંભ, ગૃહપ્રવેશ જેવા મંગલકાર્યો સફળ બનતા હોય છે.
ચારધામની યાત્રાનો પ્રારંભ
ઉત્તર ભારતમાં આવેલ પવિત્ર તીર્થસ્થાન બદ્રીનાથજી એ શ્રીહરિ વિષ્ણુનું એક મહત્ત્વનું स्व३प છે. अहिं મંદિરમાં બિરાજમાન 7 બદ્રીનાથજીના કપાટ (દ્વાર) સામાન્ય સંજોગોમાં આ ઈશ્વરીય તિથિના દિને ખૂલે છે અને ત્યારબાદ મહાપૂજા કર્યા બાદ જ વિધિવત ચારધામ યાત્રાનો શુભારંભ થાય છે. અક્ષય તૃતીયા પર વૈષ્ણવો દ્વારા ઠાકોરજીને સુગંધિત કેસર ચંદનયુકત જળથી સ્નાન કરાવવામાં આવે છે. દરેક વૈષ્ણવો અખાત્રીજ પર ધન્ય બની ઠાકોરજીની અપાર કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત કરવાનું પુણ્યદાન કરે છે.
એક મૂઠ્ઠી તાંદુલ લઈને શ્રીકૃષ્ણના પરમમિત્ર સુદામા અખાત્રીજના દિને દ્વારકા મળવા આવ્યાં હતાં
ભગવાન શ્રીકૃષ્ણને મળવા તેમના પરમ સખા સુદામા આજ દિને મિત્ર શ્રીકૃષ્ણને રાજમહેલ પહોંચ્યા હતા. સુદામાજી તેના પરમ મિત્ર શ્રીકૃષ્ણને ભેટ આપવા એક મૂઠ્ઠી તાંદુલ લઈ ગયેલા. એજ દિવસે શ્રીકૃષ્ણે સુદામાજીની ભેટ હ્રદયપૂર્વક સ્વીકારી હતી. અક્ષય તૃતીયા અન્ન અને ભોજનના દેવી માતા અન્નપૂર્ણાનો પ્રાગટ્ય દિન ગણાતો હોય મા અન્નપૂર્ણાનું પૂજન અર્ચન કર્યા બાદ બત્રીસ ભોગનો સબરસ થાળ ધરાવી મા અન્નપૂર્ણાની સદાય કૃપા રહે અને પરિવારના બાળકો કયારેય અન્ન વગર ન રહે તેવી પ્રાર્થના કરવામાં આવે છે.
મહેંદ્ર કક્ક્ડ