આપણી કેસર કેરીનાં નવાબી ઠાઠ
“સાલેભાઈની આંબળી” થી ’કેસર’ નવાબી કેરીની રસપ્રદ સફરની વાત જ કઈક અલગ છે
કેરીનું નામ આવે એટલે કેસર કેરી પહેલા યાદ આવે. અને એમાં પણ જ્યારે ઉનાળો શરૂ થાય ત્યારે શરૂઆતમાં તો ગુજરાતીઓ હાફૂસ કેરીથી કામ ચલાવી લ્યે છે, પરંતુ આતુરતાથી તો ગીર-તાલાલાની કેસર કેરીની જ રાહ જોવાતી હોય છે. અને જ્યારે સિઝનની પહેલી કેસર કેરી આવે, એમાં પણ તેની સોડમ આખા ઘરમાં પ્રસરે ત્યારે તેનાથી દૂર રહેવાતું નથી. પરંતુ શું તમે જાણો છો કે આ કેસર કેરી, કેસર કેમ બની?? આ કેરી કેસર તરીકે તો પછી ઓળખાણી તેની પહેલા તે ક્યાં નામથી ઓળખાતી અને કેવી રીતે એ નામ પડ્યું તેની પાછળનો ખૂબ રાસપ્રદ ઇતિહાસ છે.
વાત છે 1934ની 25 મે ની જ્યારે એ કેરીને કેસર કેરીનાં નામથી નવાઝવામાં આવી હતી. પરંતુ આપણે વાત કરવી છે એ પહેલાની જ્યારે જૂનાગઢનાં નવાબ મહાબતખાન બીજાના વઝીર સાલેભાઈ વંથલીમાં આવેલા તેના બેગમાંથી એક એવી કેરી લાવ્યા જેનો સ્વાદ આજે પણ દરેકની દાઢે વળગ્યો છે. તે સમયે પણ, જ્યારે પહેલીવાર નવાબ મહાબતખાન બીજા અને દરબારીઓએ સાલેભઇની લાવેલી કેરી ચાખી હતી ત્યારે જ ખૂબ પસંદ આવી હતી. મહત્વની વાત તો છે કે જ્યારે નવાબ મહાબતખાન બીજાએ આ કેરીનો સ્વાદ ચાખ્યો ત્યારે જ આ કેરીને “સાલેભાઈની આંબળી” નામ આપવામાં આવ્યું.
ગીરની કેરીને ક્યારે લાગ્યો કેસરનો રંગ?
અને પછી તો વંથલીથી એ કેરી જુનાગઢ સુધી પહોચી, અને માંગરોળ વિસ્તારમાં “સાલેભાઈની આંબળી” ખૂબ પ્રચલિત થયી. આમ 1887, જૂનાગઢનાં નવાબ મહાબતખાન બીજાના સમયથી જ “સાલેભાઈની આંબળી”નો સ્વાદ લોકપ્રિય બની ગયો હતો. અરે… ત્યાથી એ વાત અટકતી નથી, ત્યાર બાદ મહાબતખાન ત્રીજાના સમયમાં “સાલેભાઈની આંબળી” તો વધુ પ્રચલિત થવાની સાથે સાથે વધુ વિસ્તાર પામે છે. નવાબને આ એટલી ભાવી ગઈ કે આ કેરીનાં આંબાની 75 કલમો 1931માં જૂનાગઢનાં ભવનાથ વિસ્તારમાં આવેલી લાલધોરીમાં વાવવામાં આવી હતી. અને 1934માં એ સંવર્ધન કરેલી કલમોના ફળનો સ્વાદ માણવા મળ્યો હતો. આ સંવર્ધન પ્રક્રિયા દરમિયાન “સાલેભાઈની આંબળી”નો વૈજ્ઞાનિક રીતે ઉછેર કરવામાં આવ્યો હતો. આ સમય એ સમય હતો જ્યારે નવાબ મહાબતખાન ત્રીજાએ “સાલેભાઈની આંબળી” તેના વિશિષ્ટ સ્વાદ, સુગંધ અને કદને કારણે “કેસર” નામ આપ્યું. કેસર નામ રખવાનું મુખ્ય કારણ કેરીનો કેસરી ગર્ભ અને કેસર જેવી સોડમ છે. 1931માં સંવર્ધિત કલમોનું ફળ ત્રણ વર્ષ પછી ચાખવા મળ્યું હતું. 1934ની 25 મે નો એ દિવસ જ્યારે નવાબ મહાબતખાન ત્રીજાને એ કેરી પીરસવામાં આવી હતી અને તેનું નામ કારણ ’કેસર’ તરીકે થયું હતું.
કેસર કેરીની સફર
આ કેસર કેરીની સુગંધ સોરઠની ભૂમિથી કાઠિયાવાડની ભૂમિ સુધી પ્રસરી. કાઠીયાવાડના રજવાડાઓએ પણ કેસર કેરીનું વાવેતર શરૂ કર્યું હતું. એ રીતે જ જૂનાગઢમાં જન્મેલી કેસર કેરીનું વાવેતર વલસાડ અને કચ્છ સુધી પહોચ્યું.
કેવી આબોહવામાં કેસર કેરીનું ઉત્પાદન કરી શકાય ?
સામન્ય રીતે કેસર કેરીને પથરાળ અને ગરમ આબોહવા વાળી જમીન વધુ માફક આવે છે. તાલાલા અને ગીરની જમીન ભૂખરી અને નીચે અઢી ફૂટ જેટલી ટાંચ વાળી હોવાથી આંબા જમીનમાં સરખી રીતે ઉછરે છે. નવાબ કાળથી જ સંવર્ધિત થયેલી સોરઠની આ કેસર કેરીની હવે અલગ અલગ 150 જેટલી જાતી વિકસાવવામાં આવી છે. જેમાં સકરબાગ બોટોની ફાર્મમાં દૂધપેંડો, પાયરી, જહાંગીરપસંદ, વનરાજ, આમ્રપાલી, માયા જેવી અનેકવિધ કેરીઓનું ઉત્પાદન થાય છે.
વિશ્વ આખાને લાગ્યો કેસર કેરીનો સ્વાદ
વિશ્વસ્તરે કેસર કેરીની ચાહના વધી છે, તેવા સમયે 2011માં ગીર કેસરને ભૌગોલિક ઓળખ જીઓગ્રાફિકલ ઇંડેસ્ક એટલે કે ૠઈં ટેગ આપવામાં આવ્યો. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે કેરી મહોત્સવ ઉજવવામાં આવે છે જેમાં દેશભરમાંથી બાગાયતો ભાગ લેવા આવે છે.
તો આ રીતે વિશિષ્ટ છે કેરી…!
અહી એક વાત કહેવાની ઈચ્છા થાય છે કે કેરી એક એવું ફળ છે જેના ફૂલ ખીલવાથી લઈને તેના ફળ થવા સુધીની તમામ અવસ્થામાં તેને વિવિધ રીતે અને વિવિધ સ્વાદ સાથે આરોગી શકાય છે. આંબમાં આવતા મોરની ચટણી કરીને ખાવામાં આવે છે, તો નાની નાની ખાકળી અને મોટી કાચી કેરી સલાડ અને અથાણાં સ્વરૂપે ખાઈએ છીએ. અને જ્યારે ફળ પાકે છે ત્યારે તો તેના સ્વાદની લિજ્જત જ કઈક આલગ છે. પાકેલી કેરીનો રસ, કટકા કે પછી ચીર જે ખાવ એ પણ કેસર કેરી તો કેસર કેરી જ છે. તેના સ્વાદ અને સોડમને કોઈ ટક્કર ના આપી શકે.