- NEETની પરીક્ષામાં મોટા કૌભાંડનો ખુલાસો
- જિલ્લા કલેક્ટર, જિલ્લા અધિક કલેક્ટર અને DEO તપાસ માટે પહોંચ્યા
- ચોરી કૌંભાડમાં વડોદરા SOGએ એકની ધરપકડ કરી
પંચમહાલ ન્યૂઝ : પંચમહાલના ગોધરામાં NEETની પરીક્ષામાં મોટા કૌભાંડનો ખુલાસો થયો છે. એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવામાં આવવાના હતા અને તેના બદલામાં પરીક્ષામાં ચોરી કરાવવાની અને પાસ કરાવવાની ડીલ થઈ હતી. જેમની સાથે પૈસાની ડીલ થઈ હતી તેમને OMR ખાલી છોડી દેવાની સૂચના આપવામાં આવી હતી. આખાયે કૌભાંડનો ખુલાસો જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે થયો.
માહિતી મળતા જ જિલ્લા કલેક્ટર, જિલ્લા અધિક કલેક્ટર અને DEO તપાસ માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની ગાડીમાંથી 7 લાખ રૂપિયા મળતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. આ મામલે ત્રણ લોકો સામે ફરિયાદ થઈ. જેમાં જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાંથી પરશુરામ રોયની વડોદરાની SOG પોલીસે ધરપકડ કરી છે. NEET જેવી પ્રતિષ્ઠિત પરીક્ષામાં ચોરીનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
શબીર અલીઠા