- ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના
- અધ્યક્ષપદેથી રાજીનામું
- હાઇકમાન્ડે સ્વીકારી પણ લીધું
વિવાદિત નિવેદન બાદ સામ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષે તેના રાજીનામાંનો સ્વીકાર પણ કરી લીધો છે. આ ઘટનાને લઈને રાજકારણ ગરમાયુ છે.
જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું કે, ’સામ પિત્રોડાએ પોતાની મરજીથી ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ અધ્યક્ષે તેમના રાજીનામાંનો સ્વીકાર કરી લીધો છે.’ સામ પિત્રોડાએ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. એક ઈન્ટરવ્યુમાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે ’આપણા દેશમાં પૂર્વના લોકો ચીની જેવા, પશ્ચિમના લોકો આરબ જેવા અને દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી, આપણે બધા ભાઈ-બહેનની જેમ રહીએ છીએ.’ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પાર્ટીના અધ્યક્ષે એક ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે ’આ દેશ ખૂબ જ વૈવિધ્યસભર છે, બધા એક સાથે પ્રેમથી રહે છે.’ પરંતુ તેણે દેશને મેસેજ આપવા માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો હતો તેને લઈને નવો વિવાદ ઉભો થયો છે.
સામ પિત્રોડાના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા પણ સામે આવી છે. કોંગ્રેસ પાર્ટીએ પિત્રોડાના નિવેદનથી પોતાને સંપૂર્ણપણે દૂર કરી દીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ’સામ પિત્રોડા દ્વારા પોડકાસ્ટમાં ભારતની વિવિધતા દર્શાવવા માટે કરવામાં આવેલી સરખામણી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ સામ્યતાઓથી પોતાને સંપૂર્ણપણે અલગ કરે છે.’
તેલંગાણાના વારંગલમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામ પિત્રોડાના નિવેદન પર કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ’આજે હું ખૂબ ગુસ્સામાં છું. શહેજાદાના એક અંકલે આજે એવા અપશબ્દ કહ્યા કે જેનાથી મને ગુસ્સો આવી ગયો. જે લોકો બંધારણને માથે રાખે છે તેઓ દેશની ચામડીનું અપમાન કરી રહ્યા છે.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે, ’શહેજાદાના એક અંકલ અમેરિકામાં રહે છે. આ અંકલ શહેજાદાના ફિલોસોફિકલ ગાઈડ છે, જે ક્રિકેટમાં થર્ડ અમ્પાયર હોય છે, અને જો કોઈ મૂંઝવણ હોય તો અમ્પાયરને પૂછે છે, તેવી જ રીતે જ્યારે શહેજાદાને કોઈ મૂંઝવણ હોય ત્યારે તે થર્ડ પ્લેયર પાસેથી સલાહ લે છે. શહેજાદાના અંકલે એક મોટું રહસ્ય ખોલ્યું છે. આ અંકલે કહ્યું છે કે ’જેમની ચામડીનો રંગ કાળો છે, તે બધા આફ્રિકાના છે.’