નાતાલે ક્રિસમસ ટ્રીને શણગારવાને બદલે અનેક રોગોની રામબાણ ઔષધિ તુલસી ઉછેરવા પ્રેરણા અપાશે
પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ પાછળ નવી પેઢી આપણી પરંપરા ભૂલી રહી છે ત્યારે સાર્થક વિદ્યાલય મોરબી દ્વારા આગામી ૨૫ ડિસેમ્બર એટલે કે નાતાલના દિવસે તુલસી દિવસ ઉજવવા નક્કી કરી લોકો ને ઘેર-ઘેર ઔષધીય છોડ તુલસી વાવવા પ્રેરણા આપી લોકોને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવશે.
“તુલસી દિવસ ન્યારો.
સંકલ્પ લઈએ, ઘેર ઘેર તુલસી ક્યારો” સૂત્ર સાથે મોરબીના સાર્થક વિદ્યામંદિર દ્વારા સાર્થક તુલસી દિવસ ઉજવવા નક્કી કરાયું છે, જે અંતર્ગત તુલસી દિવસની ઉજવણી સાથે સાથે,તુલસી પૂજન, તુલસી અને આયુર્વેદ વિષે વક્તવ્ય, તુલસી સન્માન પત્રકનું વિતરણ અને ઘેર ઘેર તુલસી સાર્થક પ્રાર્થના બુકનું વિમોચન કરી ૧૦૫૧ વિતરણ કરવામાં આવશે.
આ ઉપરાંત સાર્થક વિદ્યામંદિર દ્વારા તા.૨૫ ના રોજ તુલસી સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી તુલસી પ્રદર્શની યોજવામાં આવશે જેમાં તુલસીનાં પ્રકાર અને ઉપયોગ અને મહત્વ સમજાવાશે અને તુલસી,આયુર્વેદ તેમજ સ્વાસ્થ્ય સંબંધી પુસ્તકો પણ રાખવામાં આવશે.
આ પ્રદર્શનીમાં વનસ્પતિ ફોટો પ્રદર્શની, વિદ્યાર્થીઓ દ્વારા ચાર્ટ-પ્રોજેક્ટ તેમજ આયુર્વેદીક દવાઓ,અન્ય રોપા,માટીના વાસણ વગેરે બાબતો જીવનમાં કેટલી ઉપયોગી છે તે સમજાવવાની સાથે-સાથે તુલસી વિષે ઘણી બધી જાણકારી આપવામાં આવશે. જેથી મોરબીના સર્વ નગરજનોને આપ સર્વેને પધારવા આમંત્રણ તા.૨૫ ને સોમવારે આ પ્રદર્શનનીનો લાભ લેવા સાર્થક વિદ્યામંદિર,મોરબી દ્વારા જાહેર આમંત્રણ પાઠવી તુલસી દિવસ ઉજવવા અપીલ કરવામાં આવી છે.