આજે વિશ્વ થેલેસેમિયા દિવસ
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા થેલેસેમીક બાળકોને રમકડાં અર્પણ કરાયા
8 મે ને વિશ્વ થેલેસેમીયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે થેલેસેમિયા રોગ ધરાવતા દર્દીના લોહીમાં હિમોગ્લોબીનની ઉણપ હોય છે.આ હિમોગ્લોબિનની ઉણપના કારણે એનિમિયા જેવા રોગ અને થાક લાગવાના કારણો માટે જવાબદાર છે.આ રોગથી પીડિત લોકોને વારંવાર લોહી ચઢાવવાની જરૂર પડતી હોય છે ત્યારે થેલેસેમીયા દિવસની દર વર્ષે સિવિલ હોસ્પિટલમાં થેલેસેમીયા જનજાગૃતિ અભિયાન સમિતિ દ્વારા જનાના હોસ્પિટલમાં આઠમા માળે આવેલા થેલેસેમીયા વોર્ડમાં થેલેસેમીયા પીડિત બાળકો માટે રમકડા વિતરણ કાર્યક્રમ હાથ ધરાયો હતો. કુદરતે પણ જેમની સાથે અન્યાય કરેલ છે અને રક્ત જેમનો ખોરાક છે તેવા રાજકોટની સરકારી હોસ્પિટલના થેલેસેમીયા વોર્ડમાં બ્લડ ચડાવવા માટે રોજ આવતા થેલેસેમિક બાળકોને ઉપયોગી થાય બાળકોના જીવનમાં આનંદનો ઉજાસ પાથરવાના શુભાશયથી દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી શ હસમુખભાઈ રાચ્છના સહિતના આગેવાનો દ્વારા બાળકોને મનગમતા રમકડા અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
થેલસેમીયાથી પુત્રના મૃત્યુ બાદ હસમુખભાઈએ ઝુંબેશ શરૂ કરી: અનુપમભાઈ
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના અનુપમભાઈ દોશીએ જણાવ્યું કે, આજરોજ તા. 8 મી મે ને સમગ્ર દેશ અને દુનિયા વિશ્વ થેલેસેમિયા દિવસ તરીકે ઉજવે છે. રાજકોટમાં વિવેકાનંદ યુથ ક્લબ પ્રેરિત થેલેસેમિયા જનજાગૃતિ સમિતિના માધ્યમથી છેલ્લા 25 વર્ષથી થેલેસેમિયાના બાળકો અને વાલીઓને હૂંફ મળે અને સમાજ તેમની સાથે છે એવી પ્રતીતિ કરાવવાના હેતુથી અમારા ટ્રસ્ટ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. તાજેતરમાં જ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલને નવા બનેલા ઝનાનામાં શિફ્ટ કરવામાં આવી છે.ઝનાના હોસ્પિલમાં ખૂબ જ સારો એવો થેલેસેમિયાના બાળકો માટેનો વોર્ડ પણ બન્યો છે. એક સાથે 36 જેટલા બાળકોનું બ્લડ ટ્રાન્સફ્યુશન માટેની ખૂબ જ સારી એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સારવાર દરમિયાન બાળક પ્રવૃત્તિશીલ રહે અને આનંદ સાથે સમય પસાર કરી શકે એવા હેતુ સાથે આજ વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ રાચ્છના સૌજન્યથી બાળકોને રમકડાં અર્પણ કરવામાં આવ્યા છે આ સાથે જ બાળકોને કપડાંનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. ઈ.સ. 1990 માં ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ રાચ્છના પુત્ર જતીનનું થેલેસેમિયાની
બીમારીના કારણે અવસાન થયું.ત્યારબાદ હસમુખભાઈએ દરેક બાળક એ તેમનો પુત્ર જતીન છે એ હેતુથી આવા અવનવાં કાર્યક્રમો યોજે છે અને સંસ્થાનાં ટ્રસ્ટી તરીકે ઘણા દાન-પુણ્યના કર્યો પણ કરે છે. આજના આ કાર્યક્રમ માટે અમારી સંસ્થા ઝનાના હોસ્પીટલના તબીબ તથા અધીક્ષક અને મીડિયા કર્મીનો આભાર વ્યક્ત કરે છે.
એલ.આર મશીન ધરાવતી એકમાત્ર સિવિલ હોસ્પિટલ
થેલસેમીયાના દર્દીઓને સુવિધા પૂરી પાડવા માટે સિવિલ હોસ્પિટલ હમેશા સજ્જ રહી છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલએ એલ.આર. મશીન ધરાવતી એકમાત્ર હોસ્પિટલ છે જે દર્દીઓને શુદ્ધ લોહી પૂરું પાડવા માટે ની લોહીનું શુદ્ધિકરણ કરવાનું કામ કરે છે. એલ.આર.મશીન એ શ્વેતકણ ને શુદ્ધ કરવાનું કામ કરે છે. ચેરીટેબલ સંસ્થાઓની મદદથી સિવિલ હોસ્પિટલ ખાતે એલ.આર. મશીન ઉપલબ્ધ થતા દર્દીઓની હાલાકી દૂર થઈ છે
દર્દીની સારવારની વ્યવસ્થા માટે પંદર દિવસે થશે સમીક્ષા: સિવિલ અધિક્ષક
વર્લ્ડ થેલેસેમીયા દિવસ અંતર્ગત સિવિલ હોસ્પિટલના અધીક્ષક આર એસ ત્રિવેદી દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવેલું હતું કે સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમીયાના દર્દીઓને સુગમ સેવા પૂરી પાડવા માટે અલગ પ્રકારનો એક વોર્ડ ફાળવવામાં આવ્યો છે અને આ વોર્ડ ની કામગીરી માટે એક નોડલ ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવી છે જે અધિકારી વોર્ડ અંગે સતત સિવિલ અધિક્ષક સાથે સંકલનમાં રહીને યોગ્ય કામગીરી કરી રહ્યા છે. સિવિલ અધ્યક્ષક દ્વારા દર 15 દિવસે થેલેસેમીયાના દર્દીઓ માટેની સેવા અંગેની મીટીંગ રાખવામાં આવે છે અને તે મિટિંગમાં થેલેસેમીયા દર્દીઓની સારવાર અંગેના આંકડા અને સુવિધા અંગે રિપોર્ટ મેળવવા આવે છે. સિવિલ હોસ્પિટલમાં દર મહિને 750 વધુ દર્દીઓને લોહી ટ્રાન્સફર કરાવવામાં આવે છે આ માટે બ્લડ બેંક દ્વારા દર્દી સાથે સંકલન. રાખી સમયસર સારવાર મળે તેવા પ્રયત્ન કરવામાં આવે છે.સિવિલ હોસ્પિટલમાં ગત જાન્યુ આરીમાં 290, ફેબ્રુઆરીમાં 283 ,માર્ચમાં 307 એમ ત્રણ માસમાં કુલ 870 થી વધુ થેલેસેમીયાથી પીડાતા બાળ દર્દીઓને સારવાર આપવામાં આવી છે.જ્યારે 1156 થી વધુ યુવા દર્દીને છેલ્લા ત્રણ મહિનામાં બ્લડ ટ્રાન્સફરની સારવાર આપવામાં આવી છે.આમ ગત ત્રણ માસમાં કુલ 2000 થી વધુ દર્દીને સારવાર આપવામાં આવી છે.