લોકસભાની 297 બેઠકો પર કમળ ખીલશે જયારે 67 પર પંજાનો કબ્જો: બુકી આલમનું અનુમાન
દેશમાં ચૂંટણીની મોસમ પૂર બહારમાં ખીલી છે. નેતાઓ-ઉમેદવારો અને પક્ષ એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે. ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે અને હજુ અન્ય ચાર તબક્કાનું મતદાન યોજાનાર છે. રાજ્યમાં ગત રોજ કુલ 26 લોકસભા બેઠક પૈકી 25 બેઠક પર મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે (સુરત બેઠક બિનહરીફ જાહેર). ત્યારે હવે બુકી બજારે તમામ બેઠકના ભાવ ખોલી દેતા રાજ્યની તમામ ફ25 લોકસભા બેઠક પર ભાજપ હોટ ફેવરીટ હોવાથી બુકી આલમના અનુમાન અનુસાર રાજ્યની તમામ લોકસભા બેઠક ફરીવાર ભાજપની ઝોળીમાં જઈ રહી છે. જયારે દેશની કુલ 297 બેઠક પર કમળ ખીલશે તેવું બુકી બજાર માની રહ્યું છે.
બુકી આલમમાંથી પ્રાપ્ત વિગત અનુસાર લોકસભા ચૂંટણી 2024માં ભાજપ મને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. બુકી આલમના આંકડાકીય અનુમાન અનુસાર દેશની 297 બેઠક પર કમળ ખીલી રહ્યું છે. બુકી આલમના જણાવ્યા અનુસાર દેશની 297 બેઠક પર ભાજપ હોટ ફેવરીટ છે જેના જીતના ભાવ 80 પૈસા ચાલી રહ્યો છે જયારે 294 બેઠક ન આવે તેના ભાવ 120 પૈસા ચાલી રહ્યો છે. જેથી બુકી આલમ ભાજપની 297 બેઠક ગણી રહ્યાનું જણાવી રહ્યું છે. જયારે કોંગ્રેસ આ ચૂંટણીમાં પણ દેશમાં હાંસિયામાં ધકેલાઈ રહ્યાનું બુકી આલમ જણાવી રહ્યું છે. અનુમાન અનુસાર દેશની 67 બેઠક પર કોંગ્રેસ હોટ ફેવરીટ હોય અને તેના ભાવ પણ 80 પૈસા બોલાઈ રહ્યા છે જયારે 64 બેઠક નહિ આવવાનો ભાવ 120 પૈસા બોલાઈ રહ્યો છે.
દેશના તમામ રાજ્યોની જો વાત કરવામાં આવે તો ગુજરાતની તમામ 26 બેઠકો પર કમળ ખીલશે તેવો આંકડો બુકી બજારે જાહેર કર્યો છે. સુરત બેઠક ભાજપ માટે બિનહરીફ જાહેર થયાં બાદ હવે રાજ્યની ફકત 25 બેઠક પર જ જંગ છે ત્યારે તમામ બેઠક ભાજપના ફાળે જશે તેવું બુકી બજારનું અનુમાન છે. તમામ બેઠક પર ભાજપની જીતનો ભાવ 80 પૈસા છે જયારે તમામ બેઠક નહિ આવવાનો ભાવ 120 પૈસા બોલાઈ રહ્યો છે. અન્ય રાજ્યોમાં ભાજપની બેઠકની જો વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં ભાજપના ફાળે 19 બેઠક, મધ્યપ્રદેશમાં 29 બેઠક, પશ્ચિમ બંગાળમાં 22 બેઠક, ઝારખંડમાં 11 બેઠક, ઓડિશામાં 11 બેઠક, ઉત્તરપ્રદેશમાં 65 બેઠક, હરિયાણામાં 6 બેઠક, દિલ્લીમાં 7 બેઠક, બિહારમાં 15 બેઠક, અસમમાં એનડીએને 12 બેઠક ભાજપના ફાળે જઈ રહી હોય તે મુજબ ભાજપ ઉપરોક્ત બેઠકો પર ભાજપ હોટ ફેવરીટ છે.
બુકી બજારમાં ભાજપ માટે ‘લગાડવાનો અને ખાવાનો’ ભાવ શું?
આ રાજ્યોમાં બુકી બજારની ભાષામાં ’થાય કે નો થાય’ એટલે કે ’લગાડવાનો અને ખાવાનો’ ભાવની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં 26 આવવાના 80 પૈસા અને નહિ આવવાના 120 પૈસા જયારે ઉત્તરાખંડમાં પાંચેય બેઠક આવવાના 50 પૈસા અને નહિ આવવાના 70 પૈસા, તેલંગણામાં તમામ છ બેઠક આવવાના 80 પૈસા જયારે નહિ આવવાના 120 પૈસા, હિમાચલ પ્રદેશમાં તમામ 4 બેઠક આવવાના 60 પૈસા જયારે નહિ આવવાના 90 પૈસા, તમિલનાડુમાં તમામ ત્રણ બેઠક આવવાના 80 પૈસા અને નહિ આવવાના 120 પૈસા અને પંજાબની બંને બેઠકો આવવાના પણ 80 પૈસા અને નહિ આવવાનો ભાવ 120 પૈસા છે. આ એવા રાજ્યોનો ભાવ છે જ્યાં ભાજપ તમામ બેઠક જીતી રહ્યું છે. ઉલ્લેખનીય બાબત છે છે કે, બુકી બજારની ભાષામાં જીત પરના દાવને ’લગાડ્યા’ અને હાર પરના દાવને ’ખાધા’ કહેવામાં આવે છે.
ગુજરાત સહિત 6 રાજ્યોમાં ભાજપ ક્લિનસ્વીપ કરશે!!
બુકી બજારના અનુમાન મુજબ ભાજપ ગુજરાત સહીત કુલ 6 રાજ્યોમાં ક્લીનસ્વીપ કરી રહ્યું છે. જેમાં ગુજરાતની તમામ 26 બેઠક ઉપરાંત ઉત્તરાખંડની પાંચેય બેઠક, તેલંગણાની 6 બેઠક, હિમાચલપ્રદેશની 4 બેઠક, તમિલનાડુની 3 બેઠક અને પંજાબની બંને લોકસભા બેઠક ભાજપના ફાળે જઈ રહ્યાનું અનુમાન છે.
બુકી બજારના અનુમાન અનુસાર ક્યાં રાજ્યમાં ભાજપને કેટલી બેઠક?
રાજ્ય બેઠક
ગુજરાત 26
રાજસ્થાન 19
મધ્યપ્રદેશ 29
ઉત્તરાખંડ 5
પશ્ચિમ બંગાળ 22
ઝારખંડ 11
પંજાબ 2
ઓડિશા 12
તમિલનાડુ 3
ઉત્તરપ્રદેશ 65
હરિયાણા 6
હિમાચલ પ્રદેશ 4
દિલ્હી 7
તેલંગણા 6
અસમ (એનડીએ) 12
બિહાર 15