કિડની એ શરીરનું બીજું હૃદય છે, પરંતુ મોટાભાગનાં લોકોને ખબર નથી કે કિડનીનું શરીરમાં શું મહત્વ છે અને જેણે પેટનાં દુખાવાની અસહ્ય પીડા સહન કરી હોય એને જ ખબર પડે કે પથરી શું છે ? કિડની અને પથરી વિષે ડોક્ટરે જાતે અનુભવેલી પીડામાંથી કોઈ પુસ્તક પ્રગટ થાય તો સામન્ય માણસને પણ સમજાય જાય કે કિડનીનું શરીરમાં શું મહત્વ છે અને કિડની શરીરમાં કઈ રીતે કામ કરે છે ?
ડો. પ્રદીપ કણસાગરા એક એવા તબીબ છે જે પોતે જ પથરીની પીડામાંથી પસાર થયા છે અને પોતાના પિતાજીને પણ કિડની ફેલ્યોર હોય ત્યારે સામન્ય લોકોના એ વખતે થતાં સવાલો પરથી કિડનીઑ અને તેની પથરીઓ નામનું સરળ ગુજરાતી ભાષામાં પુસ્તક લખ્યું છે એટલું જ નહીં સર્વે સન્તુ નિરામયા.ની ઉત્તમ ભાવના સાથે આ પુસ્તક વિનામૂલ્યે આપવામાં આવી રહ્યું છે, પુસ્તકમાં આપેલી સચિત્ર માહિતી ખરેખર અમૂલ્ય છે.
પોતાના પ્રેરણા સ્ત્રોત એવા કર્મયોગી પિતા જીણાભાઈ કણસાગરાની સ્મૃતિમાં સમાજની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઑ માટે સ્વ. જીણાભાઈ કણસાગરા ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે, આ પુસ્તક ડો. પ્રદીપ કણસાગરાએ પોતાના જીવનસંગિની એવા શ્રીમતી કિરણબેનને અર્પણ કર્યું છે.
લોકોનો એટલો બધો આવકાર મળ્યો છે કે વર્ષ 2024 માં આ પુસ્તકની પાંચમી આવૃત્તિ પ્રગટ કરવામાં આવી છે, ડો. પ્રદીપ કણસાગરા એમ.એસ, ક્ધસલ્ટન્ટ યુરોલોજીસ્ટ છે અને હાલ યુએસએ છે. તેમણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ યુરોલોજીસ્ટ તરીકે માનદ સેવા આપી છે. રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બી. ટી. સવાણી કિડની હોસ્પિટલના તેઓ સ્થાપક, મેનેજિંગ ટ્રસ્ટી અને પૂર્વ ચેરમેન છે. ડો. કણસાગરાના બહોળા અનુભવ અને સેવાકીય ભાવનાનો નિચોડ આ પુસ્તકમાં વાંચવા મળે છે,’ વિશ્વ કિડની દિવસ -2024 ‘ નિમિત્તે જ આ પુસ્તક લોકાર્પણ કરવામાં આવ્યું છે, વિજ્ઞાનની પ્રગતિ અને આરામદાયક છતાં તનાવયુક્ત જીવનથી કિડનીની બિમારીઓ દિન-પ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહી છે , આ બિમારીને શરૂઆતના તબક્કામાં અટકાવી પણ શકાય છે, જન – સમાજ કિડનીની બિમારીઓ વિષે જાગૃત થાય તે હેતુથી સરળ ભાષામાં આ પુસ્તક પ્રકાશિત કરાયું છે તેની અગાઉની ચાર આવૃત્તિને લોકોનો બહોળો પ્રતિસાદ મળતા આ પાંચમી આવૃત્તિ પ્રગટ થઈ છે. જેમાં કિડની અને પથરી વિષે પ્રાથમિક માહિતીથી માંડીને કિડનીના કાર્યો, કિડનીની બિમારીઓ, કિડનીની પથરીઓ, પથરી થવાના કારણો, તેના ચિન્હો, નિદાન, સારવાર, ઉપાયો એમ 21 પ્રકરણમાં સચિત્ર માહિતી એવી રીતે આપવામાં આવી છે કે સામન્ય માણસ પણ સમજી શકે.
એક ડોક્ટર તરીકે તેમણે લોકોને એ પણ સૂચન કર્યું છે કે આ પુસ્તકની માહિતીનો ઉપયોગ કરતાં પહેલા આપના ડોક્ટરની સલાહ લેવી. ડો. પ્રદીપ કણસાગરાએ આ જ રીતે પ્રોસ્ટેટ ગ્રંથિની બિમારીઓ વિષે સરળ ભાષામાં પુસ્તક પ્રકાશિત કર્યું છે,આ પુસ્તકનો હેતુ પણ લોકોને કેન્સરની ગાંઠ અને પ્રોસ્ટેટની સાદી ગાંઠ વચ્ચે સમજ આપવાનો છે, આ પુસ્તક તેમણે મેડિકલ શિક્ષણમાં અને જીવનમાં તેમજ પ્રેક્ટિસ દરમિયાન માર્ગદર્શન આપી મદદ કરનાર યુરોલોજિસ્ટ ડોક્ટર મહાનુભવોને અર્પણ કરી પોતાના પ્રોફેસર ડો. પી. સી. પટેલ, ડો. અજીત ફડકે ,ડો. કનુભાઈ શાહ અને ડો. વલ્લભભાઈ પટેલ જર્મની વંદના કરી છે. પોતાની કારકિર્દીમાં સિહ ફાળો આપનાર ડો. દસ્તૂરને પણ ખાસ યાદ કરી આ પુસ્તક અર્પણ કર્યું છે.
આ પુસ્તકમાં પ્રોસ્ટેટની બિમારીઓ, સાદી ગાંઠ, ચિન્હો, સારવાર, લક્ષણો, પ્રોસ્ટેટ કેન્સર, તેના પરિબળો, નિદાન દવાઓ ,રેડિયોથેરાપી વગેરે વિષે એકદમ સરળ ભાષામાં સમજણ આપી છે. આ બંને પુસ્તકો સામાન્ય લોકોને બિમારીઓની ગંભીરતા સમજાવવાની સાથે દીવાદાંડી રૂપ બની ચેતવણી આપે છે.
પુસ્તક મેળવવાનું સ્થળ : જીણાભાઈ કણસાગરા ચેરિટેબલ ટ્રસ્ટ , કેપ્રેજ સેલ્સ કોર્પોરેશન, કણસાગરા હોસ્પિટલ , સંપર્ક: મગનભાઇ કણસાગરા 0281 – 2465064.