વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી ધરાવવાનું બહુમાન ધરાવતા ભારત માટે ગુજરાતથી ખૂબ જ શુકનવંતા સંદેશા ગયા છે. ગુજરાતની લોકસભાની 25 બેઠકો અને વિધાનસભાની પાંચ બેઠકો માટે પેટા ચૂંટણીનું મતદાન યોજાયું હતું. જેમાં રાજ્યભરમાં એકદંરે શાંતિ રહેવા પામી હતી. ગુજરાતની જનતાને વિશ્ર્વ આખું કેમ શાંતિપ્રિય લોકો તરીકે ઓળખે છે તેનો સૌથી મોટો અને મજબૂત પૂરાવો મળી ગયો હતો. લોકશાહીના મહા ઉત્સવમાં શાંતિપૂર્ણ મતદાનએ સોનામાં સુગંધ ભળે તેવું મોટું કાર્ય હોય છે. આજથી એકાદ-બે દશકા પહેલા દેશભરમાં જ્યારે ચૂંટણી હોય ત્યારે મતદાનનો દિવસ હમેંશા લોહિયાળ રહેતો હોય છે પરંતુ હવે સમય આવતા તેમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. ગુજરાતની જનતા હોંશભેર મતદાન કરી રહી છે. જે મજબૂત લોકશાહી માટે સારી નિશાની છે. સૌથી મોટી વાત એ છે કે રાજ્યમાં એકપણ ખૂણેથી સામાન્ય છમકલું થયાના પણ વાવડ નથી. ઉંચુ અને શાંતિપૂર્ણ મતદાન ખરેખર ખૂબ જ સારી બાબત છે. લોકો ડર રાખ્યા વિના મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથોસાથ પોલીસ તંત્ર દ્વારા પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે છેલ્લા ઘણા દિવસોથી રાત-ઉજાગરા કરવામાં આવી રહ્યા છે. જેના સારા પરિણામો પ્રાપ્ત થયા છે. જો કે, મતદાનના દિવસે શાંતિ માટે સૌથી મહત્વપૂર્ણ કોઇ પાસું હોય તો તે મતદારોની સ્વયંભૂ શિસ્તતા અને રાજકીય કાર્યકરોની ખેલદીલીને આભારી છે. અગાઉ એક-એક મત માટે લોહીયાળ જંગ ખેલી લેતા કાર્યકરો હવે સહજતાથી હાર-જીત સ્વિકારતા થઇ ગયા છે. જેના કારણે મતદાનના દિવસે શાંતિપૂર્ણ માહોલ જોવા મળે છે.
વિશ્ર્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા એટલે ભારતની લોકસભાની 543 બેઠકો માટેની ચૂંટણી છે. જેમાં અમૂક રાજ્યોને બાદ કરતા હવે મોટાભાગના રાજ્યોમાં એકદંરે શાંતિ જેવો માહોલ રહે છે. કાર્યકરો અને આગેવાનો પણ એક વાત સમજી ગયા છે કે ચૂંટણી આવે અને જતી રહે છે. પરંતુ ચૂંટણી સમયે કરેલા વેરના વાવેતર હમેંશા અડીખમ રહે છે. આ બાબતને ધ્યાનમાં રાખી હવે મતદાન સમયે કોઇપણ જાતના ડખ્ખા કરવાના બદલે જનાદેશ સ્વિકારી લેવાની માનસિકતા રાજકીય પક્ષોએ કેળવી લીધી છે. શાંતિ માટે કારણ કોઇપણ હોય પરંતુ મતદાનના દિવસે શાંતિપૂર્ણ માહોલમાં લોકોનું મતદાન ખરેખર લોકશાહી માટે ખૂબ જ સારા સંકેતો માની શકાય.
રાજુલાની સેન્ટ થોમસ સ્કુલમાં ઇવીએમ સીલ કરાયા
રાજુલાની સેન્ટ થોમસ સ્કુલ ચુંટણી કંટ્રોલ રૂમ ખાતે સાંજે મતદાન કાર્યવાહિ પુર્ણ કરી ઇવીએમ મશીન સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં એકઠા કરાયા. રાજુલા, જાફરાબાદ, ખાંભા 98- વિધાનસભા મત વિસ્તારના 24 અમરેલી લોકસભાની ચૂંટણીના મતદાન પૂર્ણ કર્યા બાદ ઇવીએમ મશીન સીલ કરાયા હતા. ઇવીએમ મશીન કર્મચારીઓ સ્ટ્રોંગ રૂમ ખાતે લઈને સાંજે ક્ધટ્રોલ રૂમ પર પહોંચ્યા. તમામ ઇવીએમ મશીન સેન્ટ થોમસ સ્કુલ ખાતે સ્ટ્રોંગ રાખવામા આવ્યા છે. ત્યારે હવે જુન મહીનાની તારીખ 4 -6- 25 ના રોજ મત ગણતરીના દિવસે ઈ વી એમ મશીન મા પડેલા મત ગણાય ત્યારે ઉમેદવારનું ભાવી નક્કી થશે.