- 5 ટકા જેટલું ઓછું મતદાન કોની બાજી બનાવશે? કોની બગાડશે?
- રાજ્યની 25 બેઠકો ઉપર સરેરાશ 59.49% જેવું ઓછું મતદાન: અમરેલી, પોરબંદર અને ભાવનગરમાં સૌથી ઓછું મતદાન, જ્યારે બનાસકાંઠા અને ભરૂચમાં સૌથી ઉંચું મતદાન
અંતે ગઇકાલે મતદાન પૂર્ણ થયું છે. મતની સાથે ’વિવાદો’ પણ ઇવીએમમાં કેદ થઈ ગયા છે. ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજના વિરોધથી આ લોકસભાની ચૂંટણીએ સૌથી અલગ માહોલ ઉભો કર્યો હતો. જેના કારણે આ ચૂંટણી નેતા માટેની નહિ પણ વિરોધની અને સમર્થનની ચૂંટણી બની રહી હતી. રાજ્યની 25 બેઠકો ઉપરનો જનાદેશ ઇવીએમમાં સિલ થઈ ગયો છે. હવે લોકોનો આક્રોશ કેટલો હતો તે 4 જૂને ખબર પડશે.
ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન ગઈકાલે પૂર્ણ થયું હતું. ત્રીજા તબક્કામાં 61 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં ગુજરાતની 25 બેઠકો પર સરેરાશ 59.49 ટકા જેટલું મતદાન થયું છે. ગુજરાતની 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન થયું હતું. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. આ ઉપરાંત ગુજરાતની પાંચ વિધાનસભાની બેઠકો પર પણ મતદાન થયું હતું. ગુજરાતની સુરત બેઠક બિનહરીફ જાહેર થતા આ બેઠક પર મતદાન થયું ન હતું.
ગત લોકસભા ચૂંટણી 2019ની સરખામણીએ આ વખતે ગુજરાતમાં ઓછું મતદાન થયું છે. લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 59.49 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં સૌથી વધુ મતદાન વલસાડમાં 72.24 ટકા અને સૌથી ઓછું અમરેલીમાં 49.22 ટકા નોંધાયું હતું. મહત્વનું છે કે વર્ષ 2014માં 63.66 ટકા અને 2019માં 64.12 ટકા મતદાન થયું હતું. આમ 10 વર્ષમાં સૌથી ઓછું મતદાન આ વખતે ગુજરાતમાં નોંધાયું છે.
લોખંડી બંદોબસ્ત સાથે ઇવીએમ સ્ટ્રોંગરૂમમાં રખાયા, 4 જુને ખુલશે
મતદાન પૂર્ણ થયા બાદ રિસીવિંગ સેન્ટરોમાં થઈને તમામ મશીન મોડી રાત્રે જિલ્લા મથકોએ લઈ જવાયા
ગુજરાતના મતદારોનો જનાદેશ ઇવીએમમાં કેદ થયો છે. આ ઇવીએમને પણ લોખંડી સુરક્ષા સાથે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. બાદમાં 4 જૂને તેને મત ગણતરી માટે ખોલવામાં આવશે. શહેરી વિસ્તારમાં 33,513 મતદાન મથક, ગ્રામ્ય વિસ્તારમાં 17,275 મતદાન મથક, ગુજરાતમાં મહિલા સંચાલિત 1,225 મતદાન કેન્દ્રો ઊભા કરાયા હતા.આ વચ્ચે 24,893 મતદાન મથકો પરથી વેબકાસ્ટિંગ પણ કરવામાં આવ્યું. રાજ્યની 25 લોકસભા બેઠક અને 5 વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઇ ગયું છે. મતદાન પૂર્ણ થયા બાદ ઇવીએમને જે તે વિધાનસભા વિસ્તારના રિસીવિંગ સેન્ટર ખાતે નિયત કવર સાથે જમા કરી સ્ક્રુટીની કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ વિધાનસભાના ઇવીએમને મોડી રાત્રે સ્ટ્રોંગ રૂમ સુધી જીપીએસ સિસ્ટમથી સજ્જ વાહન મારફત લઈ જવામાં આવ્યા હતા. હવે આ સ્ટ્રોંગરૂમમાં લોખંડી બંદોબસ્ત સાથે 4 જૂન સુધી ઇવીએમને રાખવામાં આવશે. આ ઇવીએમને 4 જૂને ખોલીને મતગણતરી હાથ ધરવામાં આવશે.
મતદાન ઘટવા પાછળ અનેક કારણો
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં અંદાજે 5 ટકા જેટલું મતદાન ઘટ્યું છે. જેની પાછળ ગરમી, કોઈ ઠોસ મુદ્દો ન હોવા, સ્થળાંતરીત મતદારો સહિતના અનેક કારણો છે. અમરેલી બેઠકમાં મતદાન માત્ર 49.22 ટકા નોંધાયું છે. જેની પાછળ કારણ એ છે કે અહીંના મતદારો મોટી સંખ્યામાં સુરત સહિતના શહેરોમાં વસે છે. આ સાથે મતદાર યાદીમાં નામ કમી, સ્થળ ફેરફાર સહિતના સુધારાઓ કરાવવામાં મતદારોએ ઓછો રસ દાખવ્યો હોય તે પણ ઓછું મતદાન થવા પાછળનું એક કારણ છે.
એક માત્ર બનાસકાંઠા બેઠક ઉપર ગત ચૂંટણી કરતા મતદાન વધ્યું
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં એક એક માત્ર બનાસકાંઠા બેઠક જ એવી છે જેની ઉપર ગત ચૂંટણી કરતા મતદાન વધ્યું છે. બનાસકાંઠામાં વર્ષ 2014માં 58.29 ટકા મતદાન થયું હતું. વર્ષ 2019માં મતદાન વધીને 64.69 મતદાન થયું હતું. જ્યારે વર્ષ 2024માં મતદાન 68.44 ટકા મતદાન થયું છે. આમ અહીં ક્રમશ: મતદાન વધી રહ્યું છે.
1.90 કરોડ મતદારો મતદાનથી અળગા રહ્યા
ગુજરાતની 25 લોકસભા બેઠકો પર કુલ 4.79 કરોડ મતદાતાઓમાંથી 2.85 કરોડ લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 1.90 કરોડ લોકોએ મત જ આપ્યો નથી. ગરમીની અસર પ્રમાણે એકંદરે મતદાન જોવા મળ્યું હતું. સવારે 7થી 11 વાગ્યાના 4 કલાકના ગાળામાં દર સેક્ધડે 810 લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે બપોરે 1થી 5ના સમયગાળા દરમયિાન દર સેક્ધડે 580 લોકોએ મતદાન કર્યું હતું. બપોરે 3થી 5 ગાળામાં સૌથી ઓછું માત્ર 8.19% મતદાન થયું હતું. હવે 27 દિવસ બાદ 4 જૂને સમગ્ર દેશની સાથે ગુજરાતની 25 લોકસભા બેઠકોનું પરિણામ આવશે.
રાજકીય પક્ષો ચિંતિત
દેશના લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. પ્રથમ બે તબક્કાની જેમ ત્રીજા તબક્કામાં પણ મતદાન ઓછું થયું છે. ખાસ કરીને ગુજરાતમાં મતદાન ઓછું થયું છે. આ ઓછા મતદાનને લઈને રાજકીય પક્ષોની ચિંતા વધી છે. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોમાં શરૂઆતમાં આક્રમક અને ત્યારપછી ધીમાં મતદાને ઉમેદવારોને પણ મૂંઝવણમાં મૂકી દીધા હતા. આ સંજોગોમાં રાજકીય પક્ષો પણ વિચારતા થઈ ગયા છે.