- કુલગામમાં તપાસ દરમિયાન આતંકીઓએ ઓચિંતો ગોળીબાર શરૂ કર્યા બાદ અથડામણ
દક્ષિણ કાશ્મીરના કુલગામમાં રેડવાની પાઈન વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ લશ્કર-એ-તોઈબાના ટોચના કમાન્ડર બાસિત અહમદ ડાર સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. ઠાર કરાયેલા આતંકવાદીઓની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. હાલ આતંકવાદીઓના મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ લશ્કરના ઠેકાણા અંગે ગુપ્ત ઈનપુટ મળ્યા બાદ સુરક્ષા દળની ટીમે રેડવાની પાઈન વિસ્તારમાં સોમવારે તપાસ અભિયાન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ તેમના પર અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેનો સુરક્ષા દળોએ પણ વળતો જવાબ આપ્યો હતો. કાશ્મીર ઝોન પોલીસે પોતાના એક્સ હેન્ડર પર લખ્યું છે કે, કુલગામ જિલ્લાના રેડવાની પાઈન વિસ્તારમાં અથડામણ શરૂ થઈ ગઈ છે. પોલીસ અને સુરક્ષા દળના જવાનો આતંકવાદીઓને વળતો જવાબ આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં આતંકવાદીઓએ ભારતીય વાયુ સેનાના કાફલા પર ચોથી મેએ હુમલો કર્યો હતો. સુરક્ષા અધિકારીઓ દ્વારા અપાયેલી માહિતી મુજબ, આ હુમલામાં સેનના એક જવાન શહિદ થયા હતા, જ્યારે અન્ય ચાર ઈજાગ્રસ્ત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, વાયુ સેનાનો કાફલો શનિવારે સુરનકોટ વિસ્તારમાં સનાઈ ટોપ તરફ જઈ રહ્યો હતો, આ દરમિયાન આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ત્યારબાદ આતંકવાદીઓને પકડી પાડવા અને તેમના ઠાર કરવા માટે પુરજોશમાં શોધખોળ અભિયાન હાથ ધરાયું હતું.