- કલેક્ટર કચેરી ખાતેના મોનિટરિંગ રૂમમાં વેબ કાસ્ટિંગ થકી કરાયેલું મતદાન પ્રક્રિયાનું સાતત્યપૂર્ણ નિરીક્ષણ
Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024નું ત્રીજા તબક્કાનું મતદાન ૭ મે એ યોજાયું છે. ગુજરાત માટે આ ખૂબ મહત્વનો દિવસ છે. ત્યારે મતદાન દરમિયાન મતદાન મથકો પર કોઈ મુશ્કેલી કે પ્રશ્ન ઉદભવે તો સમયસર તેનો ઉકેલ લઈ શકાય તે હેતુથી રાજકોટ જીલ્લામાં વેબ કાસ્ટીંગ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પર બાજનજર રાખવા કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના નેતૃત્વમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખાસ મોનીટરિંગ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેના દ્વારા જિલ્લાના ૧૧૨૦ મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ થકી સાતત્યપૂર્ણ નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે.
મોનિટરિંગ સેલના નોડલ અધિકારી તથા નિવાસી અધિક કલેક્ટર ચેતન ગાંધીના જણાવ્યા પ્રમાણે, જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીની સૂચના મુજબ લાઈવ વેબ કાસ્ટિંગ થકી મતદાન મથકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જો કોઈ પ્રશ્ન જણાય તો સંબંધિત વિસ્તારના એ.આર.ઓ.નું તરત ધ્યાન દોરવામાં આવે છે અને તેના દ્વારા પ્રશ્નનો સત્વરે ઉકેલ લાવવામાં આવે છે.
તેમણે જણાવ્યું હતું કે, અહીં આઠ નાયબ મામલતદાર સહિત કૂલ બાવન વ્યક્તિઓના સ્ટાફ દ્વારા વેબ કાસ્ટિંગ થકી લાઈવ વોચ રાખવામાં આવી રહી છે. આ તમામ સ્ટાફની અગાઉ બે વાર તાલીમ થઈ ચૂકી છે. આ સમગ્ર કામગીરી સુચારુ રીતે થઈ શકે તે માટે બી.એસ.એન.એલ. પાસેથી ખાસ ૩૦૦ એમ.બી.પી.એસ.ની નેટ કનેક્ટિવિટી લેવામાં આવેલી છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગઈકાલે સવારથી જ અહીં ઈન્સ્ટોલેશન બાદ નિરીક્ષણની કામગીરી શરૂ ગઈ હતી. જે દરમિયાન ડ્રાય રન-મોક ટેસ્ટ પણ કરાવાઈ હતી. એ પછી વેબ કાસ્ટિંગ માટેના પોલિંગ બૂથોનું સંપૂર્ણ સેટ અપ થઈ ગયાનું લાઈવ નિરિક્ષણ કરાયું હતું. ગત રાતે ૧૧ વાગ્યા આસપાસ આ કામગીરી સંપન્ન થઈ હતી. એ પછી આજે મતદાનના દિવસે સવારે ૫.૩૦ વાગ્યાથી મોકપોલથી શરૂ કરીને મતદાનની કામગીરીનું લાઈવ નિરીક્ષણ કરાઈ રહ્યું છે. આજે મતદાન પછી પોલિંગ બૂથો પરથી EVM સહિતની સામગ્રી તેમજ તમામ સ્ટાફ બૂથ ખાલી કરીને રવાના ન થાય ત્યાં સુધી લાઈવ વોચ રખાશે. તમામ બૂથ પરથી સ્ટાફ રવાના થઈ ગયાની અને બૂથ ખાલી થયાની ખાતરી થયા પછી જ અહીં લાઈવ નિરિક્ષણની કામગીરી સંપન્ન થશે.