- પ્રથમ બે કલાકમાં પશ્ચિમ બંગાળમાં રેકોર્ડબ્રેક 15.85 ટકા મતદાન મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ગોવા અને છત્તીસગઢમાં પણ સારૂ મતદાન
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 10 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. પ્રથમ બે કલાકના ટ્રેન્ડ મુજબ પશ્ચિમ બંગાળ મતદાનમાં સૌથી આગળ છે. જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત પાછળ છે.
આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ગુજરાતની તમામ 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે.
પ્રથમ બે કલાકમાં પશ્ચિમ બંગાળમાં રેકોર્ડબ્રેક 15.85 ટકા મતદાન થયું છે. આ સાથે મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ, ગોવા અને છત્તીસગઢમાં પણ સારું મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું મહારાષ્ટ્રમાં માત્ર 6.64 ટકા મતદાન જ થયું છે. જ્યારે ગુજરાતમાં પણ 7.87 ટકા જેવું ઓછું મતદાન થયું છે.
ત્રીજા તબક્કામાં કુલ 1351થી વધુ ઉમેદવારો ચૂંટણીમાં ઉભા છે, જેમાં 120 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જે મોટા નેતાઓ ત્રીજા તબક્કામાં ચૂંટણી લડી રહ્યા છે તેમાં ગાંધીનગરથી અમિત શાહ, મધ્ય પ્રદેશની વિદિશા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજગઢથી દિગ્વિજયસિંહ, મહારાષ્ટ્રના બારામતી બેઠક પરથી એનસીપી વડા શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલ અને તેની સામે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના પત્ની સુનેત્રા પવાર ચૂંટણી લડી રહ્યા છે. સવારે 7 વાગ્યાથી દેશભરમાં મતદાન શરૂ થયું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. જો કે, જે મતદારો સાંજે 6 વાગ્યા સુધીમાં મતદાન મથક પર પહોંચી ગયા હશે તેમને ત્યાં સુધી મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે.