- કાર અને રોકડા રૂ.28 હજાર મળી રૂ.1.78 લાખની છેતરપિંડી આચરનારની શોધખોળ
શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા પ્રૌઢની કારને જિલ્લા પંચાયતમાં ભાડે મૂકી આપવાની ખાતરી આપી પાડોશી શખ્સે કાર મેળવી લીધી હતી અને કોન્ટ્રાક્ટ ફીના નામે રૂ.28 હજાર પડાવી લીધા હતા. મહિનો વીતવા છતાં પ્રૌઢને કારનું ભાડું મળ્યું નહોતું એટલું જ નહીં કાર ભાડા પર ચાલતી જ નહીં હોવાનો પણ ધડાકો થતાં પ્રૌઢને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો.
રેલનગરની દ્વારકા વિલેજમાં રહેતા વિજયભાઇ નટવરલાલ આચાર્ય (ઉ.વ.60)એ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તુલસીવિલા સોસાયટીમાં રહેતા પ્રિયાંશ નરેન્દ્ર દવેનું નામ આપ્યું હતું. વિજયભાઇ આચાર્યએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે બેંકના એટીએમમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને તેમની પત્નીના નામે ઇન્ડિગો કાર છે, જેની કિંમત રૂ.1.50 લાખ છે. તુલસીવિલા એપાર્ટમેન્ટમાં રહેતા પ્રિયાંશ દવેએ વિજયભાઇ સાથે સંપર્ક વધાર્યો હતો અને પોતે વાહન ભાડે મુકવાનો ધંધો કરે છે તેમ કહી વિજયભાઇને તેમની કાર જિલ્લા પંચાયતમાં માસિક રૂ.28,500ના ભાડે રખાવી દેવાનું કહેતા વિજયભાઇએ તૈયારી બતાવી હતી. કાર કોન્ટ્રાક્ટ પર રાખવા માટે રૂ.28 હજાર કોન્ટ્રાક્ટ ફી થશે તેવું કહેતા વિજયભાઇએ તે રકમ પણ ચૂકવી હતી અને કાર પ્રિયાંશ દવેના હવાલે કરી હતી.
એક મહિનો વીતી ગયા બાદ વિજયભાઇએ ભાડાના રૂ.28500ની ઉઘરાણી કરતાં પ્રિયાંશ યોગ્ય જવાબ આપતો નહોતો, શંકા જતાં વિજયભાઇએ જિલ્લા પંચાયતમાં તપાસ કરી તો તેમની કાર ત્યાં ભાડા પર નહીં હોવાનું ખુલ્યું હતું. પોતાની સાથે છેતરપિંડી થયા અંગે વિજયભાઇએ ફરિયાદ કરતાં પ્રિયાંશ દવે નાસી ગયો હતો.