- ભાજપે બિપીન પટેલને મેન્ડેટ આપ્યું છતા છેલ્લી બે ટર્મથી ચૂંટાતા જયેશ રાદડીયાએ ફોર્મ પરત ન ખેંચ્યું: 9મીએ ખરાખરીના જંગ
- 182 મતદારો પૈકી રાજકોટ જિલ્લાના 68 સહિત સૌરાષ્ટ્રના કુલ 98 મતદારો હોય જયેશ રાદડીયાનું પલડું ભારે
દેશની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા ઇફ્કોના એક ડિરેક્ટર માટેની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપની લડાઇ જામશે. પ્રદેશ ભાજપ સહકારીતા સેલના અધ્યક્ષ બીપીન પટેલ અને રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા સહિત કુલ ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. આગામી 9મી મેના રોજ ખરાખરીનો જંગ જામશે. 182 મતદારો પૈકી રાજકોટ જિલ્લાના 68 સહિત સૌરાષ્ટ્રના કુલ 98 મતદારો હોવાના કારણે જયેશ રાદડીયાનું પલડું હાલ ભારે લાગી રહ્યું છે.
ઇફક્ોના ડિરેક્ટર તરીકે છેલ્લી બે ટર્મથી રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયા ચૂંટાતા આવે છે. દરમિયાન આ વખતે ભાજપ દ્વારા ગુજકોમાસોલના વાઇસ ચેરમેન બિપીન ગોતા (પટેલ)ને મેન્ડેટ આપ્યું હતું. આ બેઠક માટે જયેશ રાદડીયાએ પણ ફોર્મ ભર્યું છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે એકપણ ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચતા હવે ઇફક્ોમાં ભાજપ વિરૂધ્ધ ભાજપની લડાઇ બની જવા પામી છે. આ એક બેઠક માટે કુલ 182 મતદારોએ મતદાન કરવાનું થાય છે. જેમાં સૌરાષ્ટ્રના 98 મતદારો છે. ઇફક્ોના ચેરમેન દિલીપભાઇ સંઘાણીના જિલ્લામાં 27 મતો છે. જ્યારે રાજકોટ જિલ્લામાં 68 મતો હોય હાલ જયેશ રાદડીયાનું પલડું વધુ ભારે લાગી રહ્યું છે.