- તમામ મતદાન મથકો ઉપર ઓઆરએસ અને મેડિકલ કીટ રાખવાની સૂચના, મતદારો વધુ હોય તેવા બુથ ઉપર રિઝર્વ સ્ટાફને પણ કામે લગાડાશે
- તૈયારીઓ સંદર્ભે સ્થાનિક અધિકારીઓ સાથે સાડા ત્રણ કલાકની મેરેથોન બેઠક યોજતા જિલ્લા કલેકટર પ્રભવ જોશી
રાજકોટ બેઠક ઉપર ગરમીના કારણે મતદાન ઘટે નહિ તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. આ માટે ગઈકાલે તેઓએ સ્થાનિક અધિકારીઓ સાથે સાડા ત્રણ કલાકની મેરેથોન બેઠક યોજી હતી. જેમાં 200 બુથ ઉપર કુલર મુકવા તેમજ 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.
તાજેતરની હીટ વેવની સ્થિતિના અનુસંધાને જિલ્લા કલેકટર પ્રભવ જોષીની અધ્યક્ષતામાં ડીસ્ટ્રીકટ હીટ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક યોજાઇ હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં મતદાન મથકો, રીસીવીંગ એન્ડ ડીસ્પેચીંગ સેન્ટર, બાંધકામ સાઈટ વગેરે સ્થળોએ છાંયડો, ઓ.આર.એસ., પીવાનું પાણી વગેરે જેવી મૂળભૂત વ્યવસ્થા ગોઠવવા કલેક્ટરે તાકીદ કરી હતી. રાજકોટ જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં લુ લાગવાના કે હીટ વેવ સંબંધિત અન્ય કોઈ પણ બનાવોની તરત જ વહીવટી તંત્રને જાણ કરવા કલેક્ટર શ્રીએ ઉપસ્થિતોને સૂચના આપી હતી. વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓને છાશ-પાણી-શર્બત વગેરેની વ્યવસ્થા ગોઠવવા પણ જણાવ્યું હતું. જિલ્લાભરની શાળાઓનો સમય સવારે 7.00 થી 11.00 નો કરવા પણ કલેક્ટરએ કહ્યું હતું. આ બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછાર, નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધી, પ્રાંત અધિકારીઓ તથા ડીસ્ટ્રીકટ હીટ એક્શન ટાસ્ક ફોર્સના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીના જણાવ્યા મુજબ કુલ 200 બુથ ઉપર કુલર મુકવામાં આવશે. જેથી ચૂંટણી સ્ટાફ તથા મતદારોને ગરમી ન લાગે. આ ઉપરાંત 1092 બુથ ઉપર માંડવા નાખીને છાંયડા કરવામાં આવશે. વધુમાં તમામ બુથ ઉપર ઓઆરએસ, મેડિકલ કીટ રાખવામાં આવશે. ડીસ્પેચિંગ સેન્ટર ઉપર મેડિકલ ટીમને પણ તૈનાત રાખવામાં આવશે. જ્યાં મતદારોની સંખ્યા વધારે હશે તેવા મતદાન મથકો ઉપર રિઝર્વ સ્ટાફને કામે લગાવવામાં આવશે. વધુમાં એનસીસી વોલિયન્ટર્સની પણ મતદાન મથકો ઉપર મદદ લેવામાં આવશે.
ડીસ્પેચિંગ માટે કોર્પોરેશન પાસેથી 20 ઇલેક્ટ્રિક એસી બસો લેવાશે
જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું કે ડીસ્પેચિંગ વેળાએ ચૂંટણી સ્ટાફને ગરમીથી રાહત મળે તે માટે કોર્પોરેશન પાસેથી 20 ઇલેક્ટ્રિક એસી બસો લેવામાં આવશે. આ ઉપરાંત 98 એસટી બસો અને 150 બીજા વાહનો પણ ઉપયોગમાં લેવામાં આવશે.
શહેર-જિલ્લામાં સુરક્ષા દળોની 6 કંપનીઓ આવી ગઈ
જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું કે શહેર અને જિલ્લામાં સુરક્ષા દળોની 6 કંપનીઓ આવી ગઈ છે. રાજકોટ જિલ્લામાં બીએસએફની 2 અને રેલવે પ્રોટેક્શનની 1 કંપની આવી છે. જ્યારે શહેરી વિસ્તારમાં બીએસએફની 2 અને સીઆરપીએફની 1 કંપની આવી ગઈ છે. એક કંપનીમાં 80 જવાનો હોય છે જ્યારે બીજા અનેક સહાયક જવાનો હોય છે.