- હત્યા નીપજાવી અંતિમવિધિ પણ કરી દેવાઈ : સરપંચે જાણ કરતા સુલતાનપૂર પોલીસે હત્યાનો ગુન્હો નોંધી હત્યારા પિતા-ભાઈને સકંજામાં લીધા
ગોંડલ તાલુકાના ખીલોરી ગામે પિતા અને ભાઈના હાથે જ માનસિક અસ્થિર યુવાનની હત્યા કરી દેવાયાની ઘટના સામે આવી છે. હત્યાની નીપજાવ્યા બાદ બંને હત્યારાઓએ લાશની અંતિમ વિધિ પણ કરી નાખી હતી. જો કે સમગ્ર મામલે ગામના સરપંચને જાણ થતા સરપંચે પોલીસને સમગ્ર મામલાથી વાકેફ કરતા સુલતાનપુર પોલીસે પિતા-પુત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી સકંજામા લીધા છે.
ખીલોરી ગામના સરપંચ પરષોત્તમભાઈ ચોવટીયાએ સુલતાનપુર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગત પેલી મેના રોજ સવારે આઠેક વાગ્યે તેમને જાણવા મળ્યું હતું કે, તેમના ગામના હરેશ ઉર્ફે રામો બાબુભાઇ સોરઠીયા આજે વહેલી સવારે મરણ પામેલ છે અને તેની અંતિમવિધિ પણ પૂર્ણ થઇ ગયેલ છે. જે બાદ સરપંચે ગામમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક અને તેના પિતા વચ્ચે કોઈક બાબતે જગડો થયેલ હતો.
જે બાદ સરપંચે મૃતકના પિતા બાબુભાઇ બાવાભાઈ સોરઠીયાને સમગ્ર ઘટના અંગે પૂછતાં તેણે જણાવ્યું હતું કે, ગત તા. 30 એપ્રિલના રોજ આખો દિવસ તેઓ ગેસમના હરેશભાઇ ટપુભાઈ જાદવની વાડીએ મજૂરી કામ કરતો હતો અને મૃતક હરેશ પણ તેની સાથે જ હાજર હતો અને કામ કરતો હતો. સાંજના સમયે બંને મજૂરી પૂર્ણ કરીને ત્યાં જ સુઈ ગયાં હતા. બાદમાં તા. 1 મેના રોજ વહેલી સવારના પાંચેક વાગ્યે બંને પિતા-પુત્ર ઘરે પરત ફર્યા હતા. જે બાદ મૃતકે રસોઈ બનાવવાનું કહેતા તારી માતા ને બહેનો સૂતી છે અને જાગશે ત્યારે બનાવી આપશે તેવું કહેતા મૃતક હરેશ પિતા સાથે ઝઘડો કરવા લાગેલ હતો.
ઉગ્ર બોલાચાલીએ મારા-મારીનહીં સ્વરૂપ ધારણ કરી લેતા હરેશ પિતા બાબુભાઇને માર મારવા લાગેલ હતો દરમિયાન મૃતકનો ભાઈ હસમુકજ અંદરના રૂમમાંથી દોડી આવ્યો હતો. પિતા બાબુભાઈને છોડાવવા જતાં મૃતક હરેશે હસુમખના હાથમા બટકું ભરી લીધું હતું. જે બાદ હસમુખે ધક્કો મારી હરેશને જમીન પર પછાડી દીધો હતો અને બાદમાં નજીકમાં રહેલું એક બેલું ઉપાડી હરેશને માથાના ભાગે મારી દેતા થોડીવારમાં હરેશનું મોત નીપજ્યું હતું. જે બાદ ઘરના લોકોને જગાડી તેમજ અન્ય પરિજનોને બોલાવી અંતિમ વિધિ પણ કરી નાખી હતી.
આ હકીકત મળતા સરપંચ પરસોતમભાઈએ સુલતાનપૂર પોલીસને જાણ કરતા સમગ્ર મામલે પોલીસે હત્યા અને પુરાવાનો નાશ સહીતની કલમો હેઠળ ગુન્હો નોંધી બંને પિતા-પુત્રને સકંજામાં લીધા છે.