- ભારતે નાણાકીય વર્ષ 2024માં રૂ.7.90 લાખનું ક્રૂડ આયાત કર્યું, આગામી વર્ષે આ આયાત 8.55 લાખ કરોડને આંબવાની શકયતા
રશિયા સાથેના ક્રૂડના વેપારથી ભારતને એક વર્ષમાં રૂ.65 હજાર કરોડનો ફાયદો થયો છે. ભારતે નાણાકીય વર્ષ 2024માં રૂ.7.90 લાખનું ક્રૂડ આયાત કર્યું હતું. હવે આગામી વર્ષે આ આયાત 8.55 લાખ કરોડને આંબવાની શકયતા છે.
ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં ભારતનું નેટ ક્રૂડ ઓઈલ આયાત બિલ વધીને 104 બિલિયન ડોલર થઈ શકે છે, જે 2023-24માં 96.1 બિલિયન ડોલર હતું. રેટિંગ એજન્સી આઇસીઆરએએ મંગળવારે જાહેર કરેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ક્રૂડની આયાત પર ભારતની નિર્ભરતા ઊંચા સ્તરે રહેવાની આશા છે. જો રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી પર ડિસ્કાઉન્ટ વર્તમાન નીચા સ્તરે રહે છે અને ક્રૂડની સરેરાશ કિંમત પ્રતિ બેરલ 85 ડોલર પર રહે છે, તો દેશનું આયાત બિલ 104 બિલિયન ડોલર સુધી પહોંચી જશે. એજન્સીએ કહ્યું કે, ઈરાન-ઈઝરાયલ સંઘર્ષને કારણે ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થવાની સંભાવના છે. જો આમ થશે તો શુદ્ધ તેલની આયાતના ભાવ પર દબાણ વધી શકે છે. ભારત તેની જરૂરિયાતના 85 ટકાથી વધુ ક્રૂડની આયાત કરે છે.
એજન્સીના જણાવ્યા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં ક્રૂડની સરેરાશ કિંમતમાં પ્રતિ બેરલ 10 ડોલરનો વધારો થવાથી તેલની ચોખ્ખી આયાતમાં 12-13 બિલિયન ડોલરનો વધારો થશે. તેનાથી જીડીપીના પ્રમાણમાં ચાલુ ખાતાની ખાધ માં 0.3 ટકાનો વધારો થશે. જો ક્રૂડ પ્રતિ બેરલ 95 ડોલર સુધી પહોંચે તો ચાલુ ખાતાની ખાધ જીડીપીના 1.5 ટકા સુધી વધી શકે છે.
આઇસીઆરએ એ તેના વિશ્લેષણના આધારે જણાવ્યું હતું કે, રશિયન ક્રૂડ ઓઈલની આયાતના નીચા ભાવથી નાણાકીય વર્ષ 2023-24ના 11 મહિનામાં (એપ્રિલ-ફેબ્રુઆરી)માં ભારતને 7.9 બિલિયન ડોલરની બચત થવાની ધારણા છે. આ આંકડો 2022-23માં 5.1 બિલિયન ડોલરની બચત કરતાં વધુ છે.
ક્રૂડ ઓઈલની આયાત 11 મહિનામાં 15.2 ટકા ઘટી છે
આઇસીઆરએ અનુસાર, 2023-24ના પ્રથમ 11 મહિનામાં ભારતની ક્રૂડ પેટ્રોલિયમ અને સંબંધિત ઉત્પાદનોની આયાતમાં 15.2 ટકાનો ઘટાડો થયો છે. તેનું મુખ્ય કારણ વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ સાથે ડિસ્કાઉન્ટેડ રેટ પર રશિયન ક્રૂડની ખરીદીમાં વધારો હતો. આ સમયગાળા દરમિયાન, વોલ્યુમની દ્રષ્ટિએ ભારતની કુલ આયાતમાં રશિયન તેલનો હિસ્સો વધીને 36 ટકા થઈ ગયો, જે નાણાકીય વર્ષ 2021-22માં માત્ર 2 ટકા હતો. સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને કુવૈતમાંથી આયાત 34 ટકાથી ઘટીને 23 ટકા થઈ છે.