- કોરીડોર અંગે વાયરલ થયેલા કહેવાતા રિપોર્ટ અંગે અધિકારીઓ પાસે કોઈ જવાબ નથી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ અગાઉના વર્ષ 2023માં તત્કાલીન જિલ્લા કલેકટર અશોકકુમાર શર્માના માર્ગદર્શનમાં યાત્રાધામ દ્વારકાના વિકાસાર્થે તેમની આગેવાનીમાં દ્વારકા કોરિડોર બનાવવાનું આયોજન હાથ ધરાયું હતું. જેનું રિપોર્ટીંગ તથા સ્થાનીય તંત્ર દ્વારા રાજ્ય સરકારમાં મોકલાયેલ અહેવાલ વાયરલ થઈ જતાં દ્વારકાધીશ જગતમંદિર આસપાસના વિશાળ માત્રામાં ખાનગી જમીનોનો પણ આ કોરિડોર વિકાસમાં કબ્જે લેવાય તેમ હોય સ્થાનીકોમાં ભારે ચર્ચાસ્પદ મામલે દોડધામ મચી જવા પામી છે.
દ્વારકા કોરિડોર પ્રોજેકટમાં યાત્રાધામમાં શ્રીકૃષ્ણની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા રાખવાની સાથે સાથે દ્વારકા સાથે જોડાયેલ વિવિધ વિકાસનું આયોજન હાથ ધરવામાં આવનાર છે જેમાં મુખ્યત્વે દ્વારકાધીશ જગતમંદિર ઉપરાંત ગોમતી ઘાટ, લાઈટ હાઉસ, નાગેશ્વર, ગોપી તળાવ, રૂક્ષ્મણી મંદિર બેટ દ્વારકાધીશ મંદિર, ભડકેશ્વર મંદિર, સનસેટ પોઈન્ટ તથા શિવરાજપુર બીચનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દ્વારકાના મંદિરનો વિકાસ સોમનાથ મોડેલની તર્જ ઉપર બનનાર છે જેમાં સોમનાથ મંદિર આસપાસના તમામ વિસ્તારોનો તંત્ર એ મંદિર માટે કબ્જે કરેલ તેવી જ રીતે મંદિર આસપાસના વિશાળ વિસ્તારનો વિકાસ કરાશે. સૂચિત રિપોર્ટ અનુસાર વિકાસ આયોજન માટે કુલ 50.96 એકર જમીનની જરૂરીયાત છે જેમાં 31.93 એકર ગોમતી ખાડીની જમીનો પુરાણ કરીને ત્યાં વિકાસકાર્યો થશે. 6.77 એકર સરકારી જમીનો જયારે 12.25 એકર ખાનગી જમીનો છે જે કબ્જે કરવા જમીન સંપાદન થશે. રીપોર્ટ અનુસાર કુલ 685 મિલકતો આ દ્વારકા કોરીડોરમાં ઉપયોગમાં લેવામાં આવનાર છે જેમાં 534 ખાનગી મિલકતો છે જેના સર્વે નંબર માલિક ક્ષેત્રફળ સાથેના પ્લાન પણ બની ગયેલા છે.
40 હજાર ચો.મી. ખાનગી જમીનનું સંપાદન કરવામાં આવશે.દ્વારકાધીશ જગતમંદિરમાં કોરિડોર પ્રોજેકટ ઉપરાંત યાત્રાધામમાં ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા, થ્રી-ડી ઇમર્સીવ સેન્ટર, વોક વે સાથે શ્રીકૃષ્ણના જીવન દર્શન સબંધિત આર્ટ ગેલેરી, સમુદ્રમાં પારદર્શક ટયુબ સાથે અવશેષો દર્શન, વોલ પેઈન્ટીંગ, ભોજન શાળા, યજ્ઞશાળા, યાત્રી નિવાસ, પૂજન શાળા, સંકિર્તન હોલ સહિતની સુવિધાઓ ઊભી કરવાનું આયોજન છે. દ્વારકા કોરિડોરનું આયોજન કરવા સંદર્ભના તત્કાલીન જિલ્લા કલેકટર અશોકકુમાર શર્મા દ્વારા વારાણસી અને વૃંદાવનની અભ્યાસ મુલાકાત પણ લેવામાં આવી હતી તથા સરકારને વિસ્તુત અહેવાલ સોંપવામાં આવ્યો હતો.