- શરદી-ઉધરસના 879, સામાન્ય તાવના 328, ઝાડા-ઉલ્ટીના 258 કેસ નોંધાયા: ડેન્ગ્યૂએ પણ દેખા દીધી: 496 આસામીઓને મચ્છરોની ઉત્પતિ સબબ નોટિસ
રોગચાળા નાથવા માટેના રાજકોટ કોર્પોરેશનના તમામ પ્રયાસો નિષ્ફળ નિવડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઉનાળાના કાળઝાળ તડકામાં પણ જાણે મચ્છરો મક્કમ હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે શહેરમાં રોગચાળો અડીખમ છે. એક સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1466 કેસ નોંધાયા છે. બીજી તરફ મચ્છરોનો ઉપદ્રવ સબબ 496 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં શહેરની અલગ-અલગ સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં ગત સપ્તાહે શરદી-ઉધરસના 879 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સામાન્ય તાવના 328 કેસ, ઝાડા-ઉલ્ટીના 258 કેસ મળી આવ્યા હતા. ડેન્ગ્યૂનો પણ એક કેસ નોંધાયો છે. 1-જાન્યુઆરીથી અત્યાર સુધીના સમયગાળામાં શહેરમાં શરદી-ઉધરસના 17,815, સામાન્ય તાવના 3488 અને ઝાડા-ઉલ્ટીના 3747 કેસ નોંધાયા છે. જ્યારે ટાઇફોઇડના 8, મેલેરિયાના ચાર, ડેન્ગ્યૂના 12 અને ચીકન ગુનિયાનો 16 કેસ કોર્પોરેશનના ચોપડે નોંધાઇ ચુક્યા છે.
રોગચાળાને નાથવા માટે કોર્પોરેશનની 319 ટીમો દ્વારા એક સપ્તાહમાં 1,29,082 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને ફીલ્ટ વર્કરો દ્વારા 416 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. જે વિસ્તારોમાં મચ્છરોની ધનતા વધુ માત્રામાં હોય ત્યાં ફોગીંગ પર ધ્યાન આપવામાં આવે છે. બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીયઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, વાડી, પાર્ટી પ્લોટ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી સહિત કુલ 556 બિનરહેણાંક હેતુની મિલકતોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 129 સ્થળોએ મચ્છરોના લારવા મળી આવતા નોટિસ આપવામાં આવી હતી. જ્યારે રહેણાંક હેતુની 377 મિલકતોમાં મચ્છરના લારવા મળી આવતા તમામને નોટિસ આપવામાં આવી છે.
ગંદકી ફેલાવવા સબબ યાજ્ઞિક રોડ પર સીમંધર ટોયઝ શોપ સીલ
શહેરમાં ડો.યાજ્ઞિક રોડ વોર્ડ નં-7 પર સીમંધર ટોયઝ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, આ બાબતે નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ. આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવેલ. તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા તપાસ કરતાં શોપની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી આજે સીમંધર ટોયઝના સંચાલકોને નોટીસ આપીને ધી જી. પી. એમ. સી. એક્ટ – 1949ની કલમ – 376 એ હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
જાહેરમાં ગંદકી ફેલાવતાં આસામીઓ તેમજ ધંધાર્થીઓને નોટીસ આપી વહીવટી ચાર્જ વસુલવા તેમજ તેમાં સુધારો ન જણાતા આવા આસામીઓ/ધંધાર્થીઓ સામે તેની દુકાન-ધંધાનું એકમ સીલ કરવા સુધીના આકરા પગલાં લેવામાં આવશે. જે બાબતે નોંધ લેવા જાહેર જનતાને સુચિત કરવામાં આવે છે.