- શાળાના 2 લાખથી વધુ બાળકોને પાઠયપુસ્તકો ન આપવા પાછળ આમ આદમી પાર્ટીએ કેજરીવાલના જેલવાસનું કારણ જણાવતા હાઇકોર્ટે લગાવી ફટકાર
દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને 2 લાખથી વધુ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ન આપવા બદલ ઠપકો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે દિલ્હી સરકારને માત્ર સત્તામાં રહેવામાં જ રસ છે અને ધરપકડ છતાં રાજીનામું ન આપીને અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય હિત કરતાં વ્યક્તિગત હિતને પ્રાથમિકતા આપી છે.
કાર્યકારી ચીફ જસ્ટિસ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરાએ પીઆઈએલની સુનાવણી દરમિયાન આ તીખી ટિપ્પણી કરી હતી. અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, મહાનગરપાલિકા વચ્ચેની પરસ્પર અણબનાવના કારણે મ્યુનિસિપલ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકો મળતા નથી અને તેઓ ટીન શેડમાં અભ્યાસ કરવા મજબૂર છે.
કાર્યકારી ચીફ જસ્ટિસ જસ્ટિસ મનમોહને પણ શહેરી વિકાસ મંત્રી સૌરભ ભારદ્વાજ પર ટિપ્પણી કરતા કહ્યું કે, તેઓ વિદ્યાર્થીઓની દુર્દશા તરફ આંખ આડા કાન કરી રહ્યા છે અને મગરના આંસુ વહાવી રહ્યા છે. કોર્ટે આ કડક ટિપ્પણી ત્યારે કરી જ્યારે દિલ્હી સરકારના વકીલ શાદાન ફરાસતે કહ્યું કે તેમને સૌરભ ભારદ્વાજ તરફથી સૂચના મળી છે કે મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીની ગેરહાજરીમાં, યોગ્ય સત્તાધિકારીને સત્તા સોંપવા માટે મુખ્ય પ્રધાનની સંમતિ જરૂરી છે,
હાઈકોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું કે દિલ્હી સરકારને એ વાતની બિલકુલ ચિંતા નથી કે વિદ્યાર્થીઓ શાળાએ નથી જઈ રહ્યા કે તેમની પાસે પુસ્તકો નથી. તમને માત્ર સત્તામાં જ રસ છે. કોર્ટે કહ્યું કે અહીં સત્તાનો ઘમંડ ચરમ પર છે.
દિલ્હી સરકારની દલીલ પર કાર્યવાહી કરતા સીજે મનમોહને કહ્યું કે આનો અર્થ એ નથી કે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો વિના ભણવા માટે છોડી દેવામાં આવે. કોર્ટે ટિપ્પણી કરી હતી કે તમે કહ્યું છે કે મુખ્યમંત્રી કસ્ટડીમાં હોવા છતાં સરકાર ચાલુ રહેશે. તમે અમને એવા માર્ગ પર જવા માટે મજબૂર કરી રહ્યા છો કે જેના પર અમે જવા માંગતા ન હતા. અમારી સામે આવેલી પીઆઈએલમાં અમે ઘણી વખત આ વાત કહી છે, પરંતુ આ તમારા વહીવટીતંત્રનો નિર્ણય છે. જો તમે ઇચ્છો છો કે અમે આ વિશે ટિપ્પણી કરીએ, તો અમે તેના પર વિચાર કરીશું. જસ્ટિસ મનમોહને કહ્યું કે તેઓ આદેશમાં સૌરભ ભારદ્વાજનું નામ પણ સામેલ કરશે.