- બપોર સુધીમાં સરેરાશ 50 ટકા જેટલું મતદાન: ત્રિપુરામાં સૌથી વધુ મતદાન
લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં આજે 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 88 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. જેમાં બપોર સુધીમાં સરેરાશ 50 ટકા જેટલું મતદાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. મતદાનની ટકાવારી ઉંચી રહે તેવું લાગી રહ્યું છે. ત્રીજા તબક્કામાં હવે 7મી મેના રોજ મતદાન યોજાશે.
આજે અલગ-અલગ 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠક માટે મતદાન થઇ રહ્યું છે. જેમાં બપોરે 1:00 વાગ્યા સુધીમાં ત્રિપુરામાં 54.47 ટકા, પશ્ર્ચિમ બંગાળમાં 47.29 ટકા, છત્તીસગઢમાં 53 ટકા, મણીપુરમાં 54.26 ટકા, મધ્યપ્રદેશમાં 39 ટકા, કેરળમાં 39.26 ટકા, રાજસ્થાનમાં 40.39 ટકા, ઉત્તરપ્રદેશમાં 35.37 ટકા, કર્ણાટકમાં 34.23 ટકા, જમ્મુ-કાશ્મિરમાં 42.28 ટકા, આસામમાં 46.31 ટકા, બિહારમાં 33.80 ટકા, મહારાષ્ટ્રમાં 31.77 ટકા મતદાન થયું છે. બપોર સુધીમાં સરેરાશ 50 ટકા જેવું મતદાન થયું છે. જે ટકાવારી સાંજ સુધીમાં 70 ટકા સુધી પહોંચવાનો અંદાજ જણાઇ રહ્યો છે.
તૃણમૂલ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કેન્દ્રીય દળો બંગાળની બે લોકસભા સીટ બાલુરઘાટ અને રાયગંજમાં મહિલાઓને મતદાન કરવાથી રોકી રહ્યા છે. બાલુરઘાટમાં બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદાર અને તૃણમૂલ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. બીજા તબક્કામાં લોકસભા સ્પીકર ઓમ બિરલા, 5 કેન્દ્રીય મંત્રીઓ, 2 ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને 3 ફિલ્મ સ્ટાર મેદાનમાં છે. આ સિવાય રાહુલ ગાંધી, શશિ થરૂર અને હેમા માલિનીની સીટો પર પણ વોટિંગ થઈ રહ્યું છે. આઉટર મણિપુરના કેટલાક ભાગોમાં આજે ફરી મતદાન થઈ રહ્યું છે.
ચૂંટણી પંચે આ બેઠક માટે બે તબક્કામાં ચૂંટણીની જાહેરાત કરી હતી. 2019 માં, બીજેપીએ બીજા તબક્કામાં સૌથી વધુ 50 સીટો જીતી હતી અને એનડીએ સાથીઓએ 8 સીટો જીતી હતી. કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. અન્યને 9 બેઠકો મળી હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બીજા તબક્કામાં 1,198 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 1,097 પુરૂષ અને 100 મહિલા ઉમેદવારો છે. એક ઉમેદવાર ત્રીજા લિંગનો છે. અગાઉ 19 એપ્રિલે પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર મતદાન થયું હતું. આજ પછી 5 તબક્કાનું મતદાન 1 જૂન સુધીમાં પૂર્ણ થશે. આ પછી પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે.