- મતદારોમાં ઉદાસિનતા અને આકરા તડકાના કારણે પ્રચાર-પ્રસારમાં પણ ચૂંટણીલક્ષી વાતાવરણ બંધાતું નથી ઉમેદવારો વહેલા જાહેર કરી દેવાયા હોય સતત બે માસથી ચૂંટણીની ભાગા દોડીથી હવે કાર્યકરો પણ થાક્યાં
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતની 26 બેઠકો પૈકી 25 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. હવે ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારો અને રાજકીય પક્ષો પાસે રોકડા 10 દિવસ જ હાથમાં રહ્યા છે. છતા હજી ક્યાં ચૂંટણીનો માહોલ જામતો નથી. કાર્યકરો અને ઉમેદવારો જોરશોરથી બરાડા પાડી પ્રચાર કરી રહ્યા છે. પરંતુ મતદારોમાં ઉદાસિનતા જોવા મળી રહી છે. આકરા તડકા પણ માહોલ બનવા દેતા નથી. હવે રાષ્ટ્રીય નેતાઓની ચૂંટણી સભા, રેલી અને રોડ-શો બાદ વાતાવરણ બને તેવું લાગી રહ્યું છે. વહેલા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા હોય કાર્યકરો પણ બે માસથી ભાગદોડી કરી થાક્યા છે.
સામાન્ય રિતે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવતા હોય છે. પરંતુ ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ વખતે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવે તે પહેલા જ મહિના-દોઢ મહિના પહેલા ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેના કારણે હવે મતદાનના આડે નવ દિવસનો સમય બાકી હોવા છતાં ક્યાંય ચૂંટણીનો માહોલ જોવા મળતો નથી.
જેની પાછળ ઘણા પરિબળો જવાબદાર છે. હવે મતદારો પણ પહેલા જેટલા ઉત્સુક નથી. મતદારોની ઉદાસિનતા ચૂંટણી લડતા ઉમેદવારો અને રાજકીય પક્ષોને સતાવી રહી છે. બીજી તરફ આકાશ આગ ઓકી રહ્યું છે. માંડ બે-ત્રણ કલાક લોકસંપર્ક કે ડોર ટુ ડોર સંપર્ક કરવામાં આવે ત્યાં તડકા શરૂ થઇ જાય છે.
જેના કારણે માહોલ બંધાતો નથી. અગાઉ ચૂંટણી કાર્યાલયો પર કાર્યકરો આગેવાનો કે સામાન્ય લોકોનો જમાવડો જામતો હતો. જે હવે જોવા મળતો નથી.
હવે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપરાંત કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધી જેવા નેતાઓ ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. ત્યારબાદ ચૂંટણીનો માહોલ બરાબર પકડાશે.
હાલ ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા વિવિધ કાર્યક્રમો ચોક્કસ યોજવામાં આવે છે. પરંતુ તેમા પક્ષના કાર્યકરો અને આગેવાનોની સંખ્યા વધુ જોવા મળે છે. સામાન્ય લોકોની નહિવત હાજરી હોય છે.
ગુજરાતમાં ભાજપ ભલે છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં તમામ 26 બેઠકો જીતી રહ્યું હોય પરંતુ આ વખતે અનેક બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે.મતદારોના મન કળવામાં હજી ઉમેદવારો અને રાજકીય પક્ષો થાપ ખાય રહ્યા છે.