- આ વખતે 2236માંથી 1032 જેટલા મતદાન મથકો સંવેદનશીલ, જેમાં ફોર્સની વધુ તૈનાતી અને માઇક્રો ઓબ્ઝર્વર મુકવા સહિતના પગલાંઓ લઈ વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે : બંદોબસ્ત માટે સિટી અને ગ્રામ્ય માટે ફોર્સની 6-6 કંપનીઓની દરખાસ્ત
ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો થયો છે. આ વખતે 2236માંથી 1032 જેટલા મતદાન મથકો સંવેદનશીલ છે. જેમાં ફોર્સની વધુ તૈનાતી અને માઇક્રો ઓબ્ઝર્વર મુકવા સહિતના પગલાંઓ લઈ વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે.
ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી. તેને પગલે ક્ષત્રિય સમાજ દ્વારા અગાઉ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગ સાથે આંદોલન છેડવામાં આવ્યું હતું. આ આંદોલન હજુ યથાવત જ છે. પણ ભાજપે રૂપાલાની ટીકીટ રદ ન કરતા હવે ક્ષત્રિય સમાજ ભાજપને મત ન આપવાના એલાન સાથે કાર્યક્રમો ચલાવી રહ્યો છે. જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા ગામે ગામ ધર્મ રથ પણ ફેરવવામાં આવી રહ્યો છે.
રાજકોટ જિલ્લામાં ગઈ ચૂંટણીમાં 822 સંવેદનશીલ મતદાન મથકો હતા. ક્ષત્રીય સમાજના આંદોલન સહિતના 7 પાસાઓને ધ્યાને લઇ જિલ્લા ચૂંટણી તંત્ર અને ચૂંટણી પંચના પરામર્શ બાદ સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 210 વધી ગઈ છે. આમાં મતદાન ખૂબ ઘટ્યું હોય, ખૂબ વધ્યું હોય તે પણ કારણ જવાબદાર છે. આ લોકસભાની ચૂંટણીમાં 1032 સંવેદનશીલ મતદાન મથક છે.
અલગ અલગ ક્રાઇટએરિયા પ્રમાણે સંવેદનશીલ મતદાન મથકો નક્કી થતા હોય છે. રાજકોટ જિલ્લામાં કુલ 2236 મતદાન મથકો છે. જેમાંથી 1032 મતદાન મથકો સંવેદનશીલ જાહેર થયા છે. ત્યાં વધુ ફોર્સ મુકવામાં આવશે આ સાથે માઈક્રો ઓબ્ઝર્વર મુકવામાં આવશે. વધુમાં બંદોબસ્ત માટે સિટી અને ગ્રામ્ય વિસ્તાર માટે 6-6 કંપનીઓની ચૂંટણી પંચમાં દરખાસ્ત કરવામાં આવી છે.
આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુકત, ન્યાયી અને પારદર્શિતા સાથે તેમજ આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલસહ સુચારૂ રૂપે પરિપૂર્ણ કરી શકાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે. મુછારના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ટેકનોલોજીના માધ્યમ થકીઆ ચૂંટણી સંપૂર્ણ રીતે પારદર્શીતાની સાક્ષી બનશે રાજકોટ જિલ્લાના 1118 મતદાન મથકો. રાજકોટ જિલ્લામાં પૂરક મતદાન મથક સહિત કુલ 2236 મતદાન મથકો પર મતદાન થનાર છે. ત્યારે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કુલ મતદાન મથકોના ઓછામા ઓછા 50 ટકા મતદાન મથકો ઉપર લાઈવ વેબકાસ્ટિંગ એટલે કે મતદાન મથક પર કેમેરા દ્વારા સતત વોચ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અનુસાર રાજકોટ જિલ્લામાં 1118 મતદાન મથકો પર લાઈવ વેબ કાસ્ટિંગ કરાશે. વેબ કાસ્ટિંગ એટલે વિવિધ મતદાન મથક ઉપર ઇન્ટરનેટ સહિત માળખું ઊભું કરી મતદાન મથકોની તમામ કાર્યવાહીનું સતત નિરીક્ષણ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે.