- ક્લાસમાં અંદાજિત 30 જેટલા વિદ્યાર્થીઓ બેઠા હોવાનું નજરે પડે છે: વિડીયો કઈ તારીખનો છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી માટે તપાસનો વિષય
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા કોપીકેસ અને ચોરીના એક પછી એક બનાવ આવતા જાય છે. જાણે પરીક્ષા ચોરી પરંપરા બની ગઈ હોય તેવું વાતાવરણ સર્જાયું છે.તાજેતરમાં એક બાજુ બીસીએ- 4ના 3 પેપરના પ્રશ્નો લિક થયાના વ્હોટ્સએપ સ્ક્રીન શોટે ખળભળાટ મચાવી દીધો હતો. ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં વિદ્યાર્થીઓ બેફામ ચોરી કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
શિક્ષણમાં અગ્રેસર એવા ગુજરાતમાં આવા દૃશ્યો જોવા મળતા ખળભળાટ મચવા પામ્યો છે. આ વીડિયોમાં ચાલુ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ ખુલ્લેઆમ ચોરી કરતા, એકબીજા સાથે વાતચીત કરતા અને મોબાઈલમાં વાત કરતા નજરે પડે છે. 5 વર્ષ પહેલા જસદણની કહોર કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ થયું હતું. આ જ કોલેજના વીડિયો હોવાનું સામે આવ્યું છે. રદ થયેલું પરીક્ષા કેન્દ્ર ફરી ક્યારે શરૂ કરી દેવામાં આવ્યું તે પણ એક સવાલ ઊઠ્યો છે.
વીડિયો બનાવનાર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઉત્તરવહી બેંચ પર પડી હોય તેવું બતાવવામાં આવે છે. ત્યારબાદ ક્લાસમાં બેઠેલા અન્ય વિદ્યાર્થીઓના હાથમાં ઉત્તરવહી નજરે પડે છે અને આ વિદ્યાર્થીઓ એકબીજા સાથે ખુલ્લેઆમ વાતચીત કરી પરીક્ષા ચોરી કરતા હોવાનું નજરે પડે છે. ઉપરાંત એક વિદ્યાર્થી મોબાઈલ ઉપર વાત કરતો હોવાનું પણ દેખાય રહ્યુ છે. આ ક્લાસમાં અંદાજિત 30 જેટલા વિદ્યાર્થીઓ બેઠા હોવાનું નજરે પડે છે. જોકે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો વીડિયો કઈ તારીખનો અને કઈ પરીક્ષાનો છે તે તપાસનો વિષય છે.
પાંચ વર્ષ પહેલા પરીક્ષા કેન્દ્ર રદ થયા બાદ, પરીક્ષા લેવાનું ક્યારથી શરૂ?
કોલેજનું પરીક્ષા કેન્દ્ર વર્ષ 2019માં તત્કાલીન કુલપતિ નીતિન પેથાણી અને ઉપકુલપતિ વિજય દેસાણીના સમયગાળામાં રદ કરવામાં આવ્યું હતું. આ રદ થયેલા પરીક્ષા કેન્દ્ર પરથી હાલ પણ પરીક્ષા લેવામાં આવી રહી હોવાનો ઘટસ્ફોટ થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા જે-તે વખતે આ કોલેજમાં બેફામ ચોરી થતી હોવાથી પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવ્યું છે તેવું જાહેર કરવામાં આવ્યું હતું. બાદમાં ક્યારથી આ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવાનુ શરૂ થયું તે સવાલ છે.