- ખનીજની ગેરકાયદે ખનન-વહન-સંગ્રહ બદલ વર્ષ 2022-23માં રૂ.3.41 કરોડની જયારે 2023-24માં રૂ.3.83 કરોડની વસુલાત કરાઈ
રાજકોટ ખનીજ વિભાગની આવક નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 16.50 કરોડની નોંધાઈ છે. જે નાણાકીય વર્ષ 2022-23 ની સરખામણીમાં રૂ. 2.95 કરોડથી વધુ છે. એકંદરે ખનીજ વિભાગની આવકમાં ગત નાણાકીય વર્ષમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે.
રાજકોટ ખનીજ વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ગત નાણાકીય વર્ષમાં ખનીન વિભાગની રોયલ્ટી તેમજ ગેરકાયદે ખનન-વહન અને સંગ્રહ પર કરવામાં આવેલી કાર્યવાહી મારફત થયેલી આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2022-23માં રાજકોટ ખનીજ વિભાગને રાજ્ય સરકાર દ્વારા રૂ. 17.77 કરોડની આવક કરવા લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જેની સામે રૂ. 13.56 કરોડની આવક મેળવી વિભાગે નિર્ધારિત લક્ષ્યાંક સામેનો 76.33% લક્ષ્ય સિદ્ધ કર્યો હતો.
જેની સામે નાણાકીય વર્ષ 2023-24માં જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીના નેતૃત્વ અને ખાણ ખનીજ અધિકારી અંકિત ભટ્ટના માર્ગદર્શન હેઠળ ખનીજ વિભાગે કાર્ય કરતા રૂ. 16.50 કરોડની આવક મેળવી છે. જેમાં નિર્ધારિત લક્ષ્ય 16 કરોડથી 3.13% વધુ છે. ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 2023-24માં ખનીજ વિભાગને રૂ. 16 કરોડની આવક ઉભી કરવા રાજ્ય સરકાર તરફથી લક્ષ્ય આપવામાં આવ્યો હતો.
રાજકોટ ખનીજ વિભાગે નાણાકીય વર્ષ 2022-23માં ગેરકાયદે ખનન-વહન અને સંગ્રહ બદલ કુલ 163 કેસો કરીને રૂ. 3.32 કરોડની વસુલાત કરવામાં આવી હતી તેમજ પર્યાવરણને નુકસાની પહોંચાડવા બદલ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન(ડીએમએફ)પેટે રૂ. 18.93 લાખની વસુલાત એમ કુલ રૂ. 3,41,93,000ની વસુલાત કરી હતી.
જેની સામે નાણાકીય વર્ષ 2023-24માં જિલ્લા કલેકટર પ્રભવ જોષીના નેતૃત્વમાં કાર્ય કરતા ખનીજ વિભાગે ગેરકાયદે ખનન-વહન અને સંગ્રહણ મામલે કુલ 273 કેસો કરીને રૂ. 3.77 કરોડની વસુલાત કરવામાં આવી હતી તેમજ ડીએમએફ પેટે રૂ. 13.84 લાખ સાથે કુલ રૂ. 3,83,84,000 ની વસુલાત કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં કુલ 264 લીઝો કાર્યરત
રાજકોટ જિલ્લામાં કાયદેસર ચાલતી લીઝની જો વાત કરવામાં આવે તો 261 જેટલી ક્વોરીલીઝ અને ચાર જેટલી માઇનિંગ લીઝ કાર્યરત છે. જેની માન્યતા વર્ષ 2030 સુધીની છે. આ લીઝોની રોયલ્ટી પેટે ખનીજ વિભાગને સૌથી વધુ આવક થતી હોય છે. આ ઉપરાંત દંડ ફટકારીને ખનીજ વિભાગ દર વર્ષે કરોડો રૂપિયાની વસુલાત કરતી હોય છે.
વર્ષ 2022-23માં 76.33% જયારે 2023-24માં 103%નો લક્ષ્યાંક સિદ્ધ
નાણાકીય વર્ષ 2022-23માં રાજકોટ ખનીજ વિભાગને રાજ્ય સરકાર દ્વારા રૂ. 17.77 કરોડની આવક કરવા લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જેની સામે રૂ. 13.56 કરોડની આવક મેળવી વિભાગે નિર્ધારિત લક્ષ્યાંક સામેનો 76.33% લક્ષ્ય સિદ્ધ કર્યો હતો. જેની સામે નાણાકીય વર્ષ 2023-24માં જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીના નેતૃત્વ અને ખાણ ખનીજ અધિકારી અંકિત ભટ્ટના માર્ગદર્શન હેઠળ ખનીજ વિભાગે કાર્ય કરતા રૂ. 16.50 કરોડની આવક મેળવી છે. જેમાં નિર્ધારિત લક્ષ્ય 16 કરોડથી 3.13% વધુ છે.