- દેશી દારૂ પીધા બાદ મટન રાંધવાના પ્રશ્ર્ને ડખો થતાં છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દેવાયાનું ખુલ્યું
ખાંભા ગામે ગળું કાપીને હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ મૃતકની ઓળખ મેળવવા દોડતી થઇ હતી. બ્લાઇન્ડ મર્ડર કેસમાં રૂરલ એલસીબી અને લોધીકા પોલીસે ભારે જહેમત બાદ મૃતકની ઓળખ મેળવીને ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી આરોપીને સકંજામાં લીધો છે. મટન લેવા ગયાં સમયે આરોપી અને મૃતકને હજુ પહેલી જ વાર પરિચય થયો હતો અને બંનેએ સાથે મળીને શરાબ અને મટનની મહેફિલ માણવાનું નક્કી કર્યા બાદ મટન રાંધવા પ્રશ્ને ડખ્ખો ઉદભવતા પ્રથમ લાકડી વડે માથા પર વાર કર્યા બાદ છરી વડે ગળું કાપી હત્યા નીપજાવી દીધાનું સામે આવ્યું છે.
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખાંભા ગામની સીમમાંથી ગળું કાપી અજાણ્યા યુવકની હત્યા કરેલી લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી જઇ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અહીંની હોસ્પિટલમાં ખસેડી તેની ઓળખ મેળવવા તેમજ હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી કરી હતી. દરમિયાન રૂરલ એલ.સી.બી.ની ટીમે મૃતક યુવકની ઓળખ મેળવી હત્યાનો ભેદ ઉકેલી આરોપીને સકંજામાં લઇ પૂછતાછ કરતા દારૂ-મટનની મહેફિલમાં ઝઘડો થતા છરીના ઘા ઝીંકી યુવકને રહેંસી નાખ્યાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.દરમિયાન પીઆઇ ઓડેદરા સહિતના સ્ટાફે તપાસ કરતા મૃતક યુવાન શાપરમાં મજૂરીકામ કરતો હોવાનું અને મૂળ યુપીના શ્રાવસ્કી જિલ્લાનો અરૂણકુમાર દ્વારિકાપ્રસાદ હોવાનું બહાર આવતા પોલીસે શંકાસ્પદ મૂળ મધ્યપ્રદેશનો અને હાલ લોધિકા પાસે વાડીમાં ખેતમજૂરી કામ કરતો ગેંડાલાલ ઇન્દરસીંગ દાવર સાથે પરિચય થયો હોવાનું બહાર આવતા પોલીસે ગેંડાને ઉઠાવી લઇ આકરી પૂછતાછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
પોલીસની પૂછતાછમાં મૃતક યુવક અરૂણ શાપર-વેરાવળ પાસે દેશી દારૂ લેવા માટે જતા આરોપી ગેંડાલાલ પણ દારૂ લેવા માટે આવ્યો હોય બન્ને વચ્ચે પરિચય થતા દારૂ-મટનની મહેફિલ રાખી હતી. દરમિયાન મટન બનાવવાના પ્રશ્ને બન્ને વચ્ચે ઝઘડો થતા તેને છરીના ઘા ઝીંકી હત્યા કરી લાશને રૂમની બહાર ફેંકી દીધાનું રટણ કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી.આરોપીએ મૃતકની ઓળખ ન થાય તેના માટે મૃતક મના ખિસ્સામાંથી આધારકાર્ડ સહિતના તમામ દસ્તાવેજો કાઢીને અન્ય સ્થળે ફેંકી દીધા હતા જેથી પોલીસે મૃતકની ઓળખ મેળવવા ભારે પડકારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, પોલીસને અગાઉથી જ ખેત મજુર ગેંડાલાલ પર શંકા હોય આગવી ઢબે પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો.