- ટેકનોલોજીના માધ્યમ થકી ચૂંટણીને સંપૂર્ણ રીતે પારદર્શીત બનાવવાનો પ્રયાસ : મતદાન પ્રક્રિયાના નિરીક્ષણ અને દેખરેખ માટે કંટ્રોલરૂમ કાર્યરત કરશે:કર્મચારીઓ કરશે સતત મોનિટરિંગ
ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ. સમગ્ર વિશ્વમાં સૌથી વધારે મહત્વની બાબત જો કોઇ ગણાતી હોય તો એ છે ચૂંટણી. સમગ્ર વિશ્વમાં ઉત્સવોના દેશ તરીકે ઓળખાતા ભારત દેશમાં ચૂંટણી પ્રક્રિયાને પણ ઉત્સવ રૂપે જ ઉજવવામાં આવે છે. આ પર્વમાં રાજકોટ જિલ્લાના નાગરિકો પણ ઉત્સાહપૂર્વક આગામી 7 મેના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે મતદાનમાં યોગદાન આપશે.
આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુકત, ન્યાયી અને પારદર્શિતા સાથે તેમજ આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલસહ સુચારૂ રૂપે પરિપૂર્ણ કરી શકાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે. મુછારના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ટેકનોલોજીના માધ્યમ થકીઆ ચૂંટણી સંપૂર્ણ રીતે પારદર્શીતાની સાક્ષી બનશે. રાજકોટ જિલ્લાના 1118 મતદાન મથકો. રાજકોટ જિલ્લામાં પૂરક મતદાન મથક સહિત કુલ 2236 મતદાન મથકો પર મતદાન થનાર છે. ત્યારે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કુલ મતદાન મથકોના ઓછામા ઓછા 50 ટકા મતદાન મથકો ઉપર લાઈવ વેબકાસ્ટિંગ એટલે કે મતદાન મથક પર કેમેરા દ્વારા સતત વોચ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અનુસાર રાજકોટ જિલ્લામાં 1118 મતદાન મથકો પર લાઈવ વેબ કાસ્ટિંગ કરાશે. વેબ કાસ્ટિંગ એટલે વિવિધ મતદાન મથક ઉપર ઇન્ટરનેટ સહિત માળખું ઊભું કરી મતદાન મથકોની તમામ કાર્યવાહીનું સતત નિરીક્ષણ કરવા માટેની વ્યવસ્થા.
રાજકોટ જિલ્લાના 1118 મતદાન મથકો પર કેમેરા ગોઠવવામાં આવશે. જેમાં મતદાન અધિકારી દ્વારા મતદારની ઓળખ કરવાની કાર્યવાહી, મતદારની આંગળી ઉપર અવીલોપ્ય શાહી લગાવવી, મતદારની ઓળખ થઈ ગયા બાદ પ્રીસાઈડીંગ ઓફિસર દ્વારા કંટ્રોલ યુનિટ શરૂ કરવું. ઇ.વી.એમ.ના બેલેટ યુનિટમાં મત આપવા જતા મતદારની મતકુટીરની મુલાકાત. પરંતુ બેલેટ યુનિટનો કોઈપણ ભાગ કેમેરામાં દેખાવો જોઈએ નહીં. જેથી મતદાનની ગુપ્તતા જળવાઈ રહે. ઉપરાંત મતદાન બંધ કરતી વખતે ઈ.વી.એમ. અને વીવીપેટ સીલ કરવાની કાર્યવાહી તથા મતદાન એજન્ટોને ફોર્મ 17-ક પુરા પાડવાની કાર્યવાહીનું રેકોર્ડીગ કરાશે.
પ્રત્યેક વિધાનસભા સીટ દિઠ થઈ રહેલી વેબ કાસ્ટિંગની કામગીરી પર નિરીક્ષણ અને નિયંત્રણ માટે રાજકોટ ખાતે કંટ્રોલરૂમ ખાતે સુપરવાઈઝરો અને કર્મચારીઓ સતત કાર્યરત રહેશે. જેમાં એક વિધાનસભા મત વિસ્તારદીઠ કર્મચારીઓને દેખરેખ રાખવા માટે ફરજ સોંપવામાં આવશે. ઉપરાંત જિલ્લાના વેબકાસ્ટિંગવાળા બુથો પર સુપર વિઝનની કામગીરી નોડલ ઓફિસર દ્વારા કરવામાં આવશે.
વેબ કાસ્ટિંગ દ્વારા બુથ કેપ્ચરિંગ કે મતદાન મથક પર કોઈ પણ પ્રકારની થતી ગેરરીતિને અટકાવી શકાય છે. આ જીવંત પ્રસારણને રેકોર્ડ પણ કરવામાં આવે છે, જે ખાસ આચારસંહિતા ભંગના કે ગેરમાર્ગે દોરતા કૃત્યો કે બુથ અંગે કોઈ પણ પ્રકારની ફરિયાદના અનુસંધાનમાં મહત્વનું સાબિત થાય છે.લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં તમામ મતદારો નિર્ભિકપણે અને ઉત્સાહપૂર્વક ભાગ લઈ મહત્તમ મતદાન કરવા પ્રેરાય તે માટે રાજકોટ જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વેબકાસ્ટિંગ એટલે શું અને કેવી રીતે થાય ?
વેબ કાસ્ટિંગ માટે ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથે ડેસ્કટોપ કે લેપટોપ વેબકેમ લગાવીને અથવા સીસીટીવીને લેપટોપ અને ઇન્ટરનેટ સાથે જોડી હાઇબ્રીડ માળખું તૈયાર કરીને ઇન્ટરનેટ કનેક્શનના માધ્યમથી એક જગ્યાએ થી બીજી જગ્યાએ તેનું જિવંત પ્રસારણ કરવામાં આવે તેને વેબકાસ્ટિંગ કરવામાં આવે છે.વેબકાસ્ટિંગ માટે ઓછામાં ઓછું હોય 30 કેબીપીએસ ઇન્ટરનેટ બેન્ડ વિથ કનેક્શન અથવા 1.2 એમ.પી પ્લગ એન્ડ પ્લે વેબકેમ કે યુએસબી 3.0, પ્લગ એન્ડ પ્લે વેબકેમ સપોર્ટેડ કોઈપણ લેપટોપ કે જેમાં ઓછામાં ઓછી 2 જી.બી રેમ વીડિયો સ્ટ્રીમિંગ માટે હોવી જરૂરી છે.
સામાન્ય રીતે, વેબકાસ્ટિંગ બે પ્રકારના નેટવર્કના ઉપયોગથી કરવામાં આવે છે એક ઓપન નેટવર્ક – ઓપન નેટવર્કમાં ફ્રી સોશિયલ બ્રોડકાસિ્ંટગ વેબસાઈટ/પોર્ટલ જેવા કે, FreeDoCastઅંને UStreamનો ઉપયોગ કરવામાં આવે છે.બીજું ક્લોઝ નેટવર્ક- ક્લોઝ નેટવર્કમાં સીસીટીવી સર્વેલન્સ, WAN નેટવર્કવાળા સોફ્ટવેર ખરીદી તમામ સાધનોને જોડાણ આપી અથવા તો સ્વાઈપ, યાહુ, ગુગલ ટોક વગેરે જેવા ચેટીંગ ટુલ્સના માધ્યમથી પણ વેબકાસ્ટિંગ કરી શકાય છે પરંતુ સોશિયલ બ્રોડકાસિ્ંટગ વેબપોર્ટલને સર્વમાન્ય રાખવામાં આવે છે.