રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત રાજ્યના 39979 વિદ્યાર્થીઓને ધો.1માં પ્રવેશ ફાળવણી કરવામાં આવ્યા બાદ તેમને પ્રવેશ કન્ફર્મ કરાવવની મુદત પૂર્ણ થઈ છે. અંદાજે 30 હજાર કરતા વધુ વાલીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યા હોવાનું જાણવા મળે છે. જોકે, ચોક્કસ આંકડો મંગળવારે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. આ સાથે જ આગામી એક- બે દિવસમાં આરટીઇના બીજા પ્રવેશ રાઉન્ડની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. જે વાલીઓએ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો હતો, પરંતુ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી તેમને બીજા રાઉન્ડમાં પ્રવેશ માટે હકદાર રહેશે નહીં.
રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓની 25 ટકા પ્રમાણે ધો.1માં પ્રવેશ ફાળવવા માટે ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. જેમાં ચાલુ વર્ષે રાજ્યની 9828 પ્રાથમિક શાળાઓની 45170 બેઠકો માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં સમગ્ર રાજ્યમાંથી 235387 ફોર્મ ભરાયા હતા. ફોર્મની ચકાસણીના અંતે 172675 ફોર્મ માન્ય રહ્યા હતા. જ્યારે 15319 ફોર્મ અધુરા દસ્તાવેજો જેવા જુદા જુદા કારણોસર અમાન્ય રહ્યા હતા. જ્યારે 47393 ફોર્મ અરજદારો દ્વારા કેન્સલ કરવામાં આવ્યા હતા.
ફોર્મ ભરવા અને ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓની પસંદગી અને 6 કિ.મી.ની ત્રિજ્યાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઈને પ્રથમ રાઉન્ડમાં 39979 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. જ્યારે પ્રથમ રાઉન્ડની ફાળવણીના અંતે 5191 જગ્યાઓ પસંદગીના અભાવે ખાલી રહેવા પામી હતી. જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયા હતા તેમના વાલીઓને 22 એપ્રિલ, સોમવારના રોજ શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ મેળવી લેવા માટે સુચના આપવામાં આવી હતી. આમ, સોમવારના રોજ પ્રવેશ કન્ફર્મ કરાવવાની મુદત પૂર્ણ થઈ છે.