- નિયમોના ઉલ્લંઘનમાં ઓવરલોડીંગ અવ્વલ નંબરે 2584 કેસો મારફત રૂ. 3.45 કરોડનો દંડ વસુલાયો
હરવા-ફરવા અને ખાવા-પીવાના શોખીન રાજકોટીયન્સ ફકત રંગીલા જ નહિ પણ ‘નિયમતોડ’ પણ બની ગયાં હોય તેવા આંકડા સામે આવ્યા છે. રાજકોટ શહેર-જિલ્લાના રાજકોટીયન્સ પાસેથી 15 માસમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ફકત આરટીઓ દ્વારા જ રૂ. 7.47 કરોડનો દંડરૂપી ’ચાંદલો વસુલવામાં આવ્યો છે.
શહેર-જિલ્લામાં ટ્રાફિકના નિયમોની જાગૃતતા માટે પોલીસ-આરટીઓ તંત્ર દ્વારા સેમિનારથી માંડી સઘન ચેકીંગ ડ્રાઇવનું અવાર નવાર આયોજન કરવામાં આવે છે પરંતુ ’હમ નહિ સુધરેંગે’ માફક ટ્રાફિક નિયમોનો સરેઆમ ઉલાળીયો કરવાથી બાજ નહિ આવતા રાજકોટીયન્સને કરોડો રૂપિયામાં દંડિત કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર જાન્યુઆરી 2023 થી માંડી માર્ચ 2024 સુધીના 15 માસના સમયગાળામાં આરટીઓ તંત્ર દ્વારા 14,117 કેસો કરવામાં આવ્યા છે અને આ કેસો મારફત રૂ. 7,47,95,941નો દંડ વસુલવામાં આવ્યો છે. નિયમોના ઉલ્લંઘનમાં ગુડ્સ કેરિયર વાહનો વિરુદ્ધ 2584 કેસો કરીને સૌથી વધુ રૂ. 3,45,83,867 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓવર ડાયમેંશનના 1256 કેસો કરીને રૂ. 74,17,473નો દંડ વસુલવામાં આવ્યો છે.
અન્ય કેસોની જો વાત કરવામાં આવે તો ક્લેન્ડેસ્ટાઇન ઓપરેશન બદલ 869 કેસો કરવામાં આવ્યા છે જે બદલ રૂ. 81,44,000નો દંડ વસુલાયો છે. ટેક્સચોરી કરનાર 271 વાહનોને રૂ. 9,52,3457 નો દંડ ફટકારવામાં આવ્યો છે. રેડિયમ રીફલેકટર બદલ આરટીઓ દ્વારા 1425 કેસો લરીને 14,34,000નો દંડ વસુલવામાં આવ્યો છે. થર્ડ પાર્ટી વિમા વગર દોડતા 1461 વાહનો ઝડપી 29,20,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.
બેફામ અને પૂરપાટ દોડતા 1279 વાહનોને ઓવરસ્પીડીંગ બદલ 25,09,622 નો દંડ ફટકારવામાં આવ્યો છે. પીયુસી વિનાના 1776 વાહનના માલિકો પાસેથી રૂ. 88,000 નો દંડ વસુલવામાં આવ્યો છે. ફિટનેશ સર્ટિફિકેટ વગર દોડતા 1111 વાહનો પાસેથી 55,55,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. સીટબેલ્ટ, હેલ્મેટ, મોબાઇલ પર વાત કરવાના 1005 કેસો કરીને રૂ. 5,02,500 નો દંડ જયારે અંડર એજ ડ્રાયવિંગ, ભયજનક રીતે વાહન ચલાવવા બદલ 370 ચાલકોને રૂ. 8,69,522 નો દંડ કરવામાં આવ્યો છે. તેમજ અન્ય ગુનાઓના 710 કેસો કરીને આરટીઓ તંટે દ્વારા 4,48,500 નો દંડ વસુલાયો છે.
પૂરપાટ દોડતા વાહનો અને એલઈડી લાઈટ્સ બદલ 159 કેસો કરી રૂ. 3 લાખથી વધુનો દંડ
પૂરપાટ દોડતા વાહનોને કારણે અકસ્માતનું જોખમ વધી જતું હોય ત્યારે આરટીઓ તંત્ર દ્વારા હવે સ્પીડગન મારફત કેસો કરાઈ રહ્યા છે. ગત એક જ અઠવાડીયામાં આરટીઓ તંત્ર દ્વારા સ્પીડગન મારફત કુલ 150 જેટલાં કેસો કરીને રૂ. 3 લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત વાહનમાં વધારા મણી એલઈડી લાઈટ્સ લગાવીને ફરતા વહનચાલકો વિરુદ્ધ પણ કેસ કરીને દંડની વસુલાત કરાઈ રહી છે.