- પરિવારજનો અને આસપાસના નાગરીકોને મતદાન કરવા વિદ્યાર્થીઓ કરશે અનુરોધ
વિરાણી હાઈસ્કૂલમાં લોકશાહી નું મોટું પર્વ એવી લોકસભાની ચૂંટણી સંદર્ભે 69 રાજકોટ પશ્ચિમ કચેરી તથા સ્વીપ કાર્યક્રમ મતદાન જાગૃતિ ના ભાગરૂપે વિદ્યાર્થીઓ જવાબદાર નાગરિક બને અને દેશની ઉન્નતીમાં પોતાનું જરૂરી યોગદાન આપે તે હેતુથી જનજાગૃતિના ભાગરૂપે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમા 500 છાત્રો જોડાયા હતા. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશનો પ્રત્યેક નાગરિક ભારતીય બંધારણે આપેલા મતદાન અધિકારનો ઉત્સાહભેર ઉપયોગ કરી મતદાનની પોતાની આવશ્યક ફરજ નિભાવે તેમજ પોતાના કુટુંબના તથા આસપાસના પ્રત્યેક મતદાર ફરજિયાત મતદાન કરે તે અંગેનો અનુરોધ કરવામાં આવ્યો હતો, અને વિદ્યાર્થીઓએ પોતાના કુટુંબમાં તથા આસપાસ સો ટકા મતદાન કરાવવાના શપથ લીધા હતા.
વિરાણી હાઈસ્કૂલના વિશાળ મેદાનમાં ધોરણ નવ અને 11 લગભગ 500 જેટલા બાળકોએ વોટની વિશાળ માનવ આકૃતિ બનાવી મતદાન કરવાનો સંદેશ ફેલાવ્યો હતો. આ પ્રસંગે મદદનીશ ચૂંટણી અધિકારી અને રાજકોટ શહેર 2 ના પ્રાંત અધિકારી નિશાબેન ચૌધરી અને સ્વીપ નોડલ અધિકારી જિજ્ઞાસાબેન ગઢવી મામલતદાર એમ ડી શુક્લ, રાજકોટના જિલ્લ: શિક્ષણ અધિકારી કચેરીના ધંધુકિયા. ચૂંટણીના માસ્ટર ટ્રેનર અરૂણભાઈ દવે, સીજે ગ્રુપના ચેરમેન ચિરાગભાઈ ધામેચા શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા તથા બહોળી સંખ્યામાં શિક્ષકોએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. દરેક વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા વાંચન અરૂણ દવેએ કરાવીને લોકશાહી પર્વ વિશે જાગૃત કર્યા હતા.
અમારી શાળા દરેક રાષ્ટ્રીય કામગીરીમાં જોડાય છે: હરેન્દ્રસિંંહ ડોડીયા
વિરાણી સ્કુલનાં આચાર્ય હરેન્દ્રસિંંહ ડોડીયાએ અબતક સાથેની વાતચિતમાં જણાવેલ કે અમારી શાળા દરેક રાષ્ટ્રિય કામગીરીમાં જોડાયને વિદ્યાર્થીઓમાં જનજાગૃતિ પ્રસરાવે છે, સાથે તેનું શ્રેષ્ઠ નાગરીકનું ઘડતર થાય અને તે દેશ સેવામાં અગ્રિમ ભૂમિકા ભજવે તેવું અમારૂ આયોજન હોય છે.