- પરીક્ષાના 1 કલાક પહેલા કઈ કોલેજે પ્રશ્નપત્ર ડાઉનલોડ કર્યું તેની વિગતો જાહેર કરવામાં સતાધીશોનું વેઇટ એન વોચ: પેપર લીક થયાના 24 કલાક બાદ પણ પોલીસ ફરિયાદ નોંધવામાં વિલંબ!!
ધણીધોરી વગરની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં રોજે રોજ નવા નવા કાંડ બહાર આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએના સેમિસ્ટર-4ના પ્રશ્નપત્રની લિંક સતત ત્રણ દિવસ થયા વાયરલ થતા અનેક તર્ક-વિતર્કો સર્જાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ એક વર્ષ પહેલા જ ક્યૂપીડીએસ પદ્ધતિથી પરીક્ષાના પ્રશ્નપત્ર ઓનલાઇન મોકલવાનું નક્કી કર્યું હતું. અને આ પરિપત્રમાં સ્પષ્ટ કરાયેલું હતું કે, કોલેજોને પરીક્ષા શરુ થયાના 60 મિનિટ પહેલા લોગીન આઈડી અને પાસવર્ડ આપવામાં આવશે. તો સવાલ એ થાય કે 10:30 વાગ્યે શરૂ થનારી પરીક્ષાનું પ્રશ્નપત્ર 9:30 પહેલા કઈ કોલેજમાં ડાઉનલોડ કરવામાં આવ્યું? જયારે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા લેખિતમાં જાહેર કરવામાં આવ્યું કે, પરીક્ષા કેન્દ્રોમાં જે પ્રશ્નપત્રો મોકલવામાં આવે છે જે પરીક્ષાના શરૂ થયાના 90 મિનિટ અગાઉ જ ડાઉનલોડ શક્ય બને છે. જયારે પરિપત્ર તો 60 મિનિટ પહેલાનો છે. આ તમામ પાસાઓ જોતા લાગી રહ્યું છે કે,પરીક્ષાના 1 કલાક પહેલા કઈ કોલેજે પ્રશ્નપત્ર ડાઉનલોડ કર્યું તેની વિગતો જાહેર કરવામાં સતાધીશોની વેઇટ એન વોચ જેવી સ્થતિ પેદા કરી છે. પેપર લીક થયાના 24 કલાક બાદ પણ પોલીસ ફરિયાદ નોંધવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી વિલંબ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, શુક્રવારે 9.30 વાગ્યે જ પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. 18 તારીખે જે પરીક્ષા હતી વેબ સર્ચિંગ ટેકનોલોજી એન્ડ ઓપ્ટીમાઈઝ, 16 તારીખે જે પરીક્ષા હતી પ્રોગ્રામિંગ વિથ ઈ+ આ ટાઈમ ટેબલ પ્રમાણે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અલગ-અલગ કોલેજેમાં પરીક્ષા લેવાનાર હતી. તેના પણ પેપર લીક થયા હતા.જો કે ઘટનાને આટલા કલાક વીતી ગયા બાદ પણ હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.
શુક્રવારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનું બીસીએ સેમ-4નું પેપર ફૂટ્યું હોવાનો આક્ષેપ કરી પરીક્ષાના એક કલાક પહેલા એસઇઓનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું હોવાના પુરાવાઓ સાથે મીડિયા સમક્ષ વિગતો જાહેર કરતા ચકચાર જાગી છે.ઉલ્લખનીય છે કે,જુદા જુદા વિષયનું પેપર પરીક્ષાના એક કલાક પહેલા ફૂટવા પ્રકરણમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સ્ક્રીન શોટ્સમાં વિદ્યાર્થીઓના નામ પાછળ ટીએનઆર શોર્ટ નામ દેખાઈ રહ્યા છે અને પેપરમાં પૂછવામાં આવેલ પાંચ સવાલ વોટ્સએપ ઉપર મૂકી કોઈને ફોરવર્ડ ન કરવા પણ સંદેશો આપવામાં આવ્યો હતો.
યુનિવર્સિટી પોલીસ ફરિયાદ નોંધાવી સાઇબર ક્રાઈમ પાસે તપાસ કરાવે : નિદત બારોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા લેવામાં આવી રહેલી બીસીએ સેમ્સટર-4ની પરીક્ષાનું એસઇઓ વિષયનું પેપર ફૂટવા મામલે કોંગ્રેસ પ્રવક્તા અને ટી.એન.રાવ કોલેજના સંચાલક નિદત બારોટે જણાવ્યું હતું કે, ટી.એન.રાવ કોલેજમાં સવારે 9.37 વાગ્યા સુધી પેપર ડાઉન લોડ થયું ન હતું. તેની જાણ યુનિવર્સિટીના ઓફિશિયલ ગ્રુપમા કરી હોવાનું અને પેપર 9.20 વાગે લિક થવાની વાત છે. જેથી સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ ફરિયાદ નોંધાવી સાઇબર ક્રાઈમ પાસે તપાસ કરાવે તેવી માંગણી તેમને કરી હતી.
વિધાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા, એબીવીપી અને એનએસયુઆઈની પોલીસ ફરિયાદની માંગ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએ સેમ.4ના 3 પેપરના પ્રશ્નો લીક કરવા મામલે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ વિધાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાએ સમગ્ર પુરાવા સાથે કુલપતિને રજૂઆત કરી છે કે કોઈપણ વિધાર્થી કે કોલેજની સંડોવણી હોય તો તેની નિષ્પક્ષ તપાસ કરી તેમને સજા કરવામાં આવે અને પોલીસ ફરિયાદ તાકીદે દાખલ કરવામાં આવે.