મોદીના ઝંઝાવતી ચૂંટણી પ્રચારે ગુજરાત વિધાનસભા માટે કોંગ્રેસે કરેલી મહેનત પર પાણી ફેરવી દીધુ
ગુજરાતમાં ફરીથી ભાજપ સરકાર રચાય રહી હોવાનું એક્ઝિટ પોલના આંકડાથી ફલીત થઈ રહ્યું છે. ગુજરાત ચૂંટણી માટે એડીચોટીનું જોર લગાવનાર કોંગ્રેસને મોદીએ ૨૭ નવેમ્બર બાદ સભાઓ-રેલીઓ યોજી ખેદાન-મેદાન કરી નાખી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસના રાહુલ ગાંધીએ અનેક મંદિરોએ માથુ ટેકવ્યું હતું. કોંગ્રેસે ઘણા સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા હતા. એક તબકકે ભાજપ સામે કોંગ્રેસ બળ્યું સાબીત થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ ત્યારબાદ વડાપ્રધાન મોદીના કરિશ્માનો દૌર શ‚ થયો હતો. ૨૭મી નવેમ્બર બાદ મોદીએ સભા અને રેલીઓ ગજાવવાનું શ‚ કર્યું હતું. ત્યારથી કોંગ્રેસનો પ્રચાર ફીકો પડી ગયો હતો.
વડાપ્રધાન મોદી મેદાનમાં ઉતરતા જ કોંગ્રેસના પડતીના દિવસો શ‚ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૦૨ બાદ ગુજરાત સતત મોદીના કરિશ્માના ઓછાયામાં રહ્યું છે. મોદી ગુજરાતની અસ્મિતાના નામે મત માંગતા આવ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ મોદીએ ગુજરાતની અસ્મિતાની દુહાઈઓ આપી મત માંગ્યા છે.
અનેક રાજકીય નિષ્ણાંતો ગુજરાતમાં ભાજપ ૧૨૦થી વધુ બેઠકો મેળવે તેવી અપેક્ષા સેવી રહ્યાં છે. મોદીની સભાઓ અને રેલીઓના કારણે ભાજપની બેઠકો અપેક્ષા કરતા અનેકગણી વધી જશે. તા.૨૭ નવેમ્બર બાદ કોંગ્રેસના તમામ ગણીતને મોદીના પ્રચારે વિખેરી નાખ્યું હતું.
બીજી તરફ રાહુલ ગાંધીએ પણ ગુજરાતમાં જોરશોરથી પ્રચાર કર્યો હતો. અગાઉ ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ કરતા ૨૦૧૭ વિધાનસભા ચૂંટણી મોદીના પ્રચાર-પ્રસારના કારણે વધુ ઘેરી બની હતી. ભાજપે મોદી સિવાય અન્ય પ્રચારકોને પણ મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ મોદી જેવો કરિશ્મા અન્ય કોઈમાં જણાયો ન હતો. મોદીનો કરિશ્મા એ હદે પહોંચી ગયો હતો કે, કેટલીક જગ્યાએ કોંગ્રેસ-રાહુલની સભાઓમાં નારાઓ ગુંજયા હતા.
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ અને ઓબીસી અગ્રણી અલ્પેશ ઠાકોરના કારણે ભાજપ વિરુધ્ધનું વાતાવરણ સર્જાયું હોવાનું કેટલાક લોકો માનતા હતા. આ નેતાઓના કારણે ભાજપને વિધાનસભા ચૂંટણીમાં ઓછી બેઠકો મળશે તેવું પણ ચર્ચાતુ હતું. જો કે, મોદીના ઝંઝાવતી ચૂંટણી પ્રચારે તમામ પાસાઓ ફેરવી નાખ્યા હતા. ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ની જેમ જ ફરીથી એક તરફી મતદાન કરાવવામાં મોદી કરિશ્મા કામ કરી ગયો છે.