નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા અને આસામના કલાકારોએ ઉત્તર પૂર્વ પ્રદેશની સંસ્કૃતિની ઝાંખી કૃતિ રૂપે રજૂ કરી
માધવપુર ઘેડ નો મેળો સરકારના વિવિધ વિભાગોના કાર્યક્રમને લીધે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. રમતગમત અને યુવક સેવા વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, પોરબંદર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી સતત બીજા વર્ષે આયોજિત બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ અંતર્ગત જૂડો, ટાઈકવોન્ડો સ્પર્ધા તેમજ પ્રવાસીઓ ભાગ લઈ શકે તેવા બીચ વોલીબોલ, રસ્સા ખેંચ, 100 મીટર દોડ, બીચ હેન્ડ બોલ, બીચ કબડ્ડી, બીચ ફૂટબોલ એમ 6 પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સવારે 7થી 10 અને સાંજે 4થી 7ના સમયમાં વિવિધ રમતો રમવામાં આવે છે. ઉત્તર પૂર્વના રાજ્યો અને ગુજરાતની સંસ્કૃતિના મિલન એવા આ મેળામાં ગુજરાતના અને ઉત્તર પૂર્વના તજજ્ઞ ખેલાડીઓ વચ્ચે જૂડો અને ટાઈકવોન્ડોની સ્પર્ધા આયોજિત કરવામાં આવી છે, જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ગુજરાતી ખેલાડીઓ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉત્તર પૂર્વના ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા યોજવામાં આવી રહી છે, જેમાં ભાગ લેવા નેશનલ મેડાલિસ્ટ અનેક ખેલાડીઓ પોરબંદર પધાર્યા છે. આ સ્પર્ધાઓમાં વિજેતા ખેલાડીને મેડલ, ટ્રોફી, રોકડ પુરસ્કાર, સર્ટિફિકેટ દ્વારા સન્માનિત કરવામાં આવશે.
ઓસમાન મીરના કાર્યક્રમને માણતા લોકો
માધવપુરના મેળામાં બીજા દિવસે ઓસમાન મીરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં બીજા દિવસે નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા અને આસામ ના કલાકારોએ ઉત્તર પૂર્વ પ્રદેશની સંસ્કૃતિની ઝાંખી કૃતિ રૂપે રજૂ કરી હતી. ગુજરાત અને ઉત્તર પૂર્વ રાજ્યોના કલાકારોએ સંયુક્ત કૃતિઓ અને મલ્ટીમીડિયા શો રજૂ કર્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલેક્ટર કે.ડી લાખાણી, જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કર, અધિક કલેક્ટર રાયજાદા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકો માટે બનાવાયેલા એસી ડોમમાં મોટી સંખ્યામાં લોકોએ આ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો.
આજે કિંજલ દવેનો કાર્યક્રમ
માધવપુરના લોકમેળામાં આવતી કાલે તા.19 એપ્રીલના રોજ સાંજે સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતી બાદ કિંજલ દવેનો ગીત પ્રસ્તુતિનો કાર્યક્રમ યોજાશે.તા.20 ના રોજ માયાભાઈ આહીરનો કાર્યક્રમ યોજાશે.