- રાજકોટના વોટસન અને ગાંધી મ્યુઝ્યમની મુલાકાત લેતા પૂર્વ શ્રીલંકાના ગવર્નર
કહેવાય છે કે મ્યુઝિયમ એ જ્ઞાન અને કેળવણી આપનાર કળા અને સંસ્કૃતિના પ્રતિક રૂપ સંસ્થા છે. ત્યારે રાજકોટ ખાતે સદી જૂનું વોટસન મ્યુઝિયમ એ પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ તેમજ હુન્નર અને વિજ્ઞાન વિષયક મ્યુઝિયમ છે જે સૌરાષ્ટ્રમાં એક અલગ જ સ્થાન ધરાવે છે. કાઠીયાવાડના પોલિટિકલ એજન્ટ કર્નલ ઝોન વોટસન ઇતિહાસ અને પુરાતત્ત્વમાં ખાસો એવો રસ ધરાવતા હતા ત્યારે કાઠીયાવાડની વિવિધ ક્ષેત્રે કરેલી સેવાઓ બદલ તેમની સ્મૃતિ નિરંતર રાખવા મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને વર્ષ 1888 માં વોટસન મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી હતી. સંગ્રહાલય દરેક સમય અને સમાજના અરીસાને ઉજાગર કરે છે અને આજની પેઢીમાં મૂલ્યોનું સ્થાપન પણ કરે છે.
વોટસન મ્યુઝિયમ સંગ્રહાલય અનેક ઐતિહાસિક રસિકો અને અભ્યાસોને જાણકારી પણ આપે છે. સંગ્રહાલયો ઇતિહાસ સાથે જોડાયેલી વિવિધ ઘટનાઓને જીવંત કરે છે. જેથી અભ્યાસ સાથે તેને સરળ રીતે જોડી શકાય તેવું સબળ માધ્યમ છે. આજની પેઢીને જ્ઞાન સાથે આપણી પ્રાચીન કલા, સંગીત સંસ્કૃતિ સહિતના ભવ્ય વારસાની ઝાંખી આ સંગ્રહાલયમાં પડેલી વિવિધ વિભાગોની વસ્તુઓમાંથી મળી રહે છે. વોટસન મ્યુઝિયમ ખાતે અનેક રાજકીય આગેવાનોની સાથોસાથ દેશ અને વિદેશના નામી અને અનામી લોકો મુલાકાત લીધી છે અને તેમના દ્વારા સંસ્કૃતિને જે ઉજાગર કરવાનું કામ વોટસન મ્યુઝિયમ કરી રહ્યું છે તેને બિરદાવી પણ છે. ત્યારે આજે શ્રીલંકાના પૂર્વ વિસ્તારના ગવર્નર સેંથીલ થોનદામન દ્વારા વોટસન મ્યુઝિયમ ની મુલાકાત લેવામાં આવી હતી તેઓએ પ્રદર્શિત કરવામાં આવેલા અનેક કૃતિઓને ગંભીરતાપૂર્વક નિહાળી હતી અને તેની મહત્વતા પણ જાણી હતી. માત્ર વોટસન મ્યુઝિયમ જ નહીં પૂર્વ શ્રીલંકાના ગવર્નર દ્વારા ગાંધી મ્યુઝિયમ સહિત અનેક સ્થળોની મુલાકાત લીધી હતી અને ભવ્ય રાજકોટના વારસાને નિહાળ્યો હતો.